સ્નેહનો સથવારો - 10
સ્નેહનો સથવારો - 10
કિશોરાવસ્થા વયને જામી અહીં અરમાનોની હેલ,
સ્વપ્નિલ સૃષ્ટિની, રંગીન રાતે વીંટાળાય એ વેલ.
છીનવીને લેવું નથી ને દીધાનો જે આનંદ છે અનેરો,
ભલે ના મળે કંઈ પણ હૃદયે ભળે સદભાવ અદકેરો.
જીવનમાં મળી રહી છે હર ખુશી તારા થકી શ્યામ,
આ જીવન દીધું બીજા કાજે એ સમજ્યો હું રામ.
જગમાં સુંદર રહ્યાં બે નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ,
કાનની મોરલીએ એક રાધા ને એક મીરાનું જ નામ.
રહી બે પ્રિય સખી કાનાને પણ, જે રાધા એ રુક્મિણી,
એક હતી પ્રેમ દીવાની, બીજી હતી જે પ્રેમ પિયાસી.
'મૃદુ' શબ્દે પ્રેમ સંસારે વસે, જેમાં બે જ છે દીવાની,
એક રહી પ્રેમ દીવાની તો બીજી રહી છે દર્દ દીવાની.
આરોહીના મનોવલણમાં આવેલા ફેરફારથી આલેખ ઘણો રાજી થયો તો બીજી તરફ અવની પણ પોતે સ્વસ્થ હોવાનો અહેસાસ કરી રહી હતી. એટલામાં નિલયભાઈ ટિફિન લઈને આવ્યા. સંધ્યા સમયે વિઝીટે આવેલા ડૉક્ટરે પણ અવની સ્વસ્થ છે એવું અનુમોદન આપતાં કહ્યું કે, "તેનામાં હજુ થોડી અશક્તિ હોવાને કારણે એકાદ-બે દિવસ રોકાવું પડશે. કાલે સવારે જોયા પછી જ રજા આપવાની ખબર પડે."
નિલયભાઈએ ત્રણેયને જમાડી દીધા તેમજ આલેખને જરૂરી સૂચના આપી રાત્રે ઘેર જવા માટે રવાના થયા.
અહીં આ ઉગતા યૌવનના હિલોળા લેતાં હૈયાંમાં એકબીજા પ્રત્યે એક અનેરા સ્નેહની ધારાઓ વહી રહી હતી. તેમના મન પર કંઈક જીત્યા હોય તેવો અનન્ય ભાવ હતો. ત્યાં જ આલેખ ઊભો થયો અને એ.રાઉન્ડ ફ્લોર આવેલી હોસ્પિટલની કેન્ટિનમાં ચા લેવા માટે ગયો. તે બે ચા અને ત્રણ પ્લેન પેપર કપ લઈ ને અને ઉપર આવ્યો. તેઓ ત્રણેય સાથે મળી ચાની ચૂસકી લેતા ગયા અને વાતોના ગોટા ગબડાવી ગયા. જોકે આલેખની કોઈપણ રજૂઆત જીવનદર્શન કરાવનારી હતી અને તંત્રથી ભરેલી રહેતી. આરોહી તો આલેખની વાતોથી ઘણી પ્રભાવિત હતી. તેણીની સતત નિર્મોહી એવા આલેખના વિચારોમાં જ રમતી રહેતી હતી.
ત્યાંજ એકાએક અવનીના દિલ ઉભરાયું અને તેમાં એક ગીત ઉદભવ્યું અને પોતાના સુમધુર રાગમાં શબ્દોની સરગમ વહેતી કરી ...
શ્યામ તેરી બંસી પુકારે રાધા રામ ..
લોગ કરે મીરા કો યુ હી બદનામ.
लोग करें मीरा को यूँ ही बदनाम
ગીત પૂર્ણ થતાં જ થાકી ગઈ અને થોડી નર્વસ પણ થઈ. આલેખ તેના મનને પામી ગયો. તેણે કૃષ્ણ અને તેના અલૌકિક પ્રેમની વાત કરતાં જણાવ્યું કે ..
કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા પણ નવ વર્ષનાં હતા, એ પછી તો કૃષ્ણ ક્યારેય રાધાને મળ્યા જ નથી.એ ગયા તે ગયા, ફરી પાછા ના ફર્યા.
એકવાર કૃષ્ણ સ્વર્ગમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે પારિજાતના વૃક્ષ નીચે તેઓને રાધાજી મળી ગયાં.
રાધાજીએ કૃષ્ણને પૂછ્યું કે, "કેમ છો દ્વારિકાધીશ ?"
આ સાંભળીને કૃષ્ણએ જણાવ્યું કે, "રાધા, હું તો તને ખૂબ જ યાદ કરતો રહું છું. તારી યાદ તો મને ઘણી સતાવે. ક્યારેક તો તારી યાદમાં મારી આંખે યમુના વહેવા લાગે."
રાધા જવાબ આપતાં કહ્યું, "મારે તો તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી ! જે ભૂલી જાય ને એને યાદ કરવું પડે !
હું તો તને ભૂલી જ નથી, મને આંખમાં આંસુ પણ નથી આવ્યાં !
કારણ કે મારી આંખમાં તું જ વસ્યો હતો.
મને બીક લાગતી કે આંસુ આવશે તો તેની સાથે આંખમાંથી તું વહી જઈશ.
તને ખબર છે કાના ...
કાનામાંથી તું દ્વારકાધીશ બન્યો એમાં તે કેટલું બધું ગુમાવ્યું દીધું?
તારી એક આંગળીની ઉપર ભરોસો મૂકીને તે સુદર્શન ચક્ર તો ધારણ કર્યું પરંતુ,
બીજી બધી આંગળીઓ દ્વારા વાગતી તારી એ વહાલી વાંસળીને તો તું સાવ ભૂલી જ ગયો ને!
દ્વારિકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને ખબર છે કાના?
કાને માત્ર ડોકું હલાવી ના ભણી.
તો લે તને હું જ સમજાવું ...
જો તું કાનો જ રહ્યો હોત ને તો તું પોતે જ સુદામાને ઘેર તું દોડ્યો દોડ્યો પહોચી ગયો હોત !
પણ..
તું તો રહ્યો દ્વારિકાધીશ, સોનાની દ્વારિકાનો અધિપતિ. એટલા માટે તો સુદામાને તારા દ્વારે આવી તારી વાટ જોવી પડી હતી !
કાના
તે ભગવત ગીતા લખી એમાં તે કયાં ય મારા નામનો તે ઉલ્લેખ જ કર્યો નથી.
તેમ છતાં પણ એ ભગવત ગીતાનો પાઠ કરી લોકો રાધે ... રાધે શું કામ બોલતા હશે...?
કાના..
તું વૃંદાવનની યમુનાનાં મીઠા જળ છોડીને છેક દ્વારિકાના દરિયાના ખારાં પાણી સુધી પહોંચી ગયો..!
આ કાનામાંથી દ્વારિકાધીશ બનવામાં તો તે ઘણું બધું ગુમાવી દીધું !
પણ એ જશોદાનો જાયો, નટખટ નંદલાલ આજે પણ અહીં મારા રુદિયામાં અણનમ બેઠેલો જ છે."
આમ, જગતનો નાથ દ્વારકાધીશ રાધાના ખભે પોતાનું મસ્તક મૂકી રડી રહ્યો હતો ને રાધા તેની પીઠ પ્રસરાવતી સાંત્વના આપી રહી હતી.
ત્યાંજ આરોહી બોલી, "એટલે જ તો કહ્યું છે ને કે, વસવું જ હોય તો કોઈ 'હ્રદય' (દિલ)માં વસવાટ કરજો !
મનમાં તો ના ધારેલા લોકો પણ ઘણી વાર વસી જતા હોય છે!
આ વાત સાંભળી અવની બોલી, "અનન્ય પ્રેમને પામવો હોય તો દિલને જીતવું પડે અને હૃદયમાં સ્થાન પામવું પડે. ખરા દિલથી કરેલો પ્રેમ હોય તોજ ...."
તેના અટકી જતાં આલેખે કહ્યું, "તમે ધારો છો તેવું કદાચ ના પણ હોય. તામારા દિલથી તમે જેને પ્રેમ કરો છો, તેના દિલમાં તમારા માટે સ્થાન ના પણ હોય ! પ્રેમ બળજબરીથી નહીં, આપમેળ જ એક દિલથી બીજા દિલ તરફ અનન્ય વહેતો પ્રવાહ છે. જેની સાથે પ્રેમ હોય તેની સાથે લગ્નનું દબાણ પણ ના હોય, કારણ કે પ્રેમ અને વાસના બન્ને ભિન્ન બાબતો છે. પ્રેમમાં પવિત્રતા હોય છે તો વાસનામાં સામેની વ્યક્તિ થકી દૈહિક સુખથી પામવાની લાલસા હોય છે. જો કે લગ્નની બાબતમાં લાલસા સાથે પ્રેમ ભળતાં પરસ્પર એકાત્મકતાનો ઉદભવ થાય છે અને આ સંસારસાર મીઠો-મધુરો બને છે."
એટલે અવની આશ્ચર્ય કરતાં બોલી, "આ સૃષ્ટિ પર પ્રેમ, વાસના, લાલસા દૈહિક સુખ માટે હોય છે એમ જ ને !"
આલેખે જણાવ્યું, "એ જાણવા રાધાની સાથે મીરાં બનવું પડે. રાધા પ્રેમની દીવાની હતી તો મીરાં દર્દ દીવાની હતી. રાધા કૃષ્ણના પ્રેમમાં વિલીન હતી જ્યારે મીરાં કૃષ્ણ ભક્તિમાં જ કૃષ્ણમય બની ઓગળી ગઈ હતી. સંસાર તો ચાલે જ છે, કેટલાક એકમેકમાં એવા વિલિન થયેલા ઘણાં હોય છે કે જેમને વૃદ્ધાવસ્થામાં પણ એકબીજાના સહયોગ વિના જરા પણ ચાલતું નથી, જ્યારે કેટલાક એવા પણ છે જે માત્ર સમાજની શરમે અને લોકલાજે જીવન જેમ તેમ કરીને ઘસડી રહ્યા છે."
"સ્વસ્થ જીવન માટે અવિરત પ્રેમ અને સુખી સંસાર અતિ આવશ્યક અંગ છે." પરંતુ મારા દાદા તો કહેતા હતા કે, "સ્ત્રી અને પુરુષ આ સંસારરથના બે સંચાલક છે. તેમાં પ્રેમ અને એકબીજામાં ઓતપ્રોત થવાની ભાવના જ અદ્રશ્ય સ્વરૂપે કામ કરે છે. સ્રી એ ભોગવવા માટેનું સાધન નથી. એ તો લક્ષ્મીનું સ્વરૂપ છે. સંસારને સમૃદ્ધ બનાવે છે. પુરુષ તો આ સંસારના ઉદભવ માટે માત્ર નિમિત્ત બને છે. સ્ત્રી જ આ સંસારની જગત જનની છે. આ વાતને જે સમજે છે તેને માતાજીના મંદિરમાં જવાની કોઈ જરૂર નથી. આપણું ઘર જ એક અનેરું મંદિર છે. પરંતુ આ માટે સ્રીએ ?"
ક્રમશઃ

