શ્રી ગણેશ - ઉત્પત્તિ કથા
શ્રી ગણેશ - ઉત્પત્તિ કથા
એક વખત ભગવાન સદાશિવ કૈલાસ પરથી સ્નાન કરવા હિમાલયથી ભીમબલી નામના સ્થાન પર ગયા હતા. આ સમયે તેમનાં પત્ની એટલે કે માતા સતી પાર્વતી ગુફામાં એકલાં હતાં. પાર્વતીજી સ્નાન કરવા માટેની તૈયારી કરી રહ્યાં હતાં. ત્યાંજ ગુફાના દ્વારની સુરક્ષા તેમને સતાવવા લાગી.
આ વિચાર સાથે તેઓએ પોતાના શરીર પર ચોળવાના અભ્યંગ (ઉબટન)નો ઉપયોગ કરી એક બાળકની મૂર્તિનું નિર્માણ કર્યું. આ મૂર્તિ પર તેઓએ મંત્રોચ્ચાર થકી ચંદનનો લેપ તથા પવિત્ર ગંગાજળનો છંટકાવ કરી તેમાં જીવની પ્રતિષ્ઠા કરી. આ બાળકને તેઓએ પોતાનો પુત્ર માની લીધો. તેઓએ પોતાના આ પુત્રને પરમ શક્તિશાળી તેમજ બુદ્ધિમાન હોવાના આશિર્વાદ આપ્યા.
માતા પાર્વતીએ તેને ગુફા દ્વારના રક્ષણનો ભાર સોંપ્યો. આ પછી તેઓ સ્નાન કરવા માટે ગયાં.
જ્યારે તેઓ સ્નાન કરી રહ્યાં હતાં. એવામાં ભગવાન શિવની પધરામણી થઈ. તેઓએ પોતાની ગુફા દ્વાર પર અત્યંત સુંદર છોકરાને જોતાની સાથે જ અચંબામાં પડી ગયા. આ છોકરો ગુફાના દ્વારને ઉંબરે બેસીને ચોકી કરી રહ્યો હતો.
ભગવાન શિવજીએ અંદર જવા માટે પ્રયત્ન કર્યા તે સાથે જ આ છોકરો તેમનો રસ્તાને રોકીને ઊભો રહી ગયો અને શિવજીને અંદર પ્રવેશવાની ના પાડી દીધી. આથી ભગવાન સદાશિવે તેને પૂછ્યું કે, "તું કોણ છે ? અને શા માટે આમ મારો રસ્તો રોકી રહ્યો છું ?"
આ છોકરાએ તરત જ ઘણી જ સહજતા સાથે જવાબ આપ્યો કે, "આ મારી માતાની જગ્યા છે અને મારી હાજરીમાં કોઈ માતાની ગુફામાં પ્રવેશી શકશે નહીં."
એટલે ભગવાન શિવે કહ્યું કે, "દૂર હઠી જા, હું શિવશંકર છું. આ મારી પોતાની ગુફા છે અને તેમાં પ્રવેશ કરવાનો મારો અધિકાર છે."
આ સાહસિક છોકરો લેશમાત્ર પણ નમતું જોખવા માટે તૈયાર નહોતો, અને ત્યાંજ પોતાની જગ્યા પર અડીખમ ઊભો રહ્યો. આ છોકરાને એવી ખબર જ નહોતી કે તેની સામે ઊભેલ સદાશિવનો તે પોતે પુત્ર છે.
ભગવાન સદાશિવને આ છોકરા દ્વારા પોતાનું અપમાન થતું લાગ્યું. તેઓ એકાએક ક્રોધિત થયા અને એ છોકરાનું મસ્તક તેના ધડથી અલગ કરી દીધું.
સ્નાન કરીને આવેલાં માતા સતીએ પોતાના આ પુત્રના મૃતદેહને જોયો. તેઓ આ દુઃખને કારણે આધાત પામ્યાં. તેમનામાં દુઃખ સાથે ક્રોધ પણ ઉદભવ્યો હતો. તેઓએ પોતાના આ પુત્રને જીવીત કરવા માટે શિવજીને હઠ પકડી. સમય ઘણો પસાર થઈ ગયો હતો અને કોઈ ના જીવને પાછો લાવવો તેઓના હાથની વાત નહોતી.
તેઓએ પોતાના ગણોને પોતાની પાસે બોલાવ્યા અને તેઓને જે પહેલું મળે તેનું મસ્તક ઉતારીને લઈ આવવા ફરમાન કર્યું. તેમના ધણો તરત દોડ્યા. તેઓને રસ્તામાં એક હાથીનું બચ્ચું મળ્યું. તેનું મસ્તક ઉતારી તેઓ લઈને સદાશિવ પાસે આવ્યા. ભગવાન સદાશિવે તે મસ્તક એ છોકરાના ધડ પર લગાડી દીધું અને તેને પુનઃર્જીવિત કર્યો.
પાર્વતીજી પોતાના અત્યંત રૂપાળા સુંદર છોકરાને હાથીના મુખ સાથે જોઈ ઘણાં જ નારાજ થયાં. આથી શિવજીએ તેને ગણોના દેવ તરીકે નિયુક્તિ કરી તેનું નામ ગણેશ એટલે ગણપતિ આપ્યું. આ સાથે તેઓએ માતા પાર્વતીને ધૈર્ય ધરતાં જણાવ્યું કે પૃથ્વી લોકનો માનવ સમુદાય પોતાના કોઈપણ શુભ કાર્યની પૂજા અર્ચના બધા જ દેવતાની પહેલાં ગૌરીપુત્ર ગણેશની પૂજાથી કરશે.
આજે પણ બધા જ મંદિરોમાં ગણેશની મૂર્તિ પ્રતિષ્ઠિત હોય જ છે. આ સાથે દરેક હિન્દુના ઘરના પ્રવેશ દ્વારે બહાર ઉપરની બાજુએ ગણેશજી રખેવાળી કરી રહ્યા છે.
આ ઘટના ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે બની હતી. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.
