ભૂરાભાઈ
ભૂરાભાઈ
જીતુ અનુભવી કડીયા કામનો કારીગર હતો. સારું કામ મળતું હતું. કુટુંબમાં બુઢી મા, પત્ની, પાંચ વર્ષની દીકરી હતી. કામ ચાલતું હતું ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. કોરાનાના કપરા કાળે જીતુને આર્થિક થપાટ મારી હતી. લોકડાઉને આર્થિક રીતે જીતુની કમર તોડી નાખી હતી.
ભૂરાભાઈને વ્યાજ વટાવનો ધંધો હતો. સારા માણસ હતા. વ્યાજ બેંક કરતા ઓછું પણ વ્યાજબી લેતા. પૈસા પાછા લેવા માટે બહુ કડક હતા. કોઈ વાયદો ચુકે, તેમનાથી સહન ન થાય ઘરે જઈને પૈસા લઈને જ આવે એવો નિયમ હતો.
જીતુ સારો માણસ છે. કાઈ જામીનગીરી વગર પચીસ હજાર રૂપિયા આપ્યા છે. પણ વાયદો ચુકી ગયો. ભૂરાને કોઈ પૈસા પાછા આપવાનો વાયદો ચુકે તે ન પોસાય, પૈસા પાછમાં આપવામાં બેઇમાન થાય એ ન પોસાય. જીતુ બેઇમાન તો નથી. જીતુનાં ઘરે જવું પડશે..
"જીતુ છે ?"
"કાકા, બાપા બિમાર છે."
"બા, કાકા માટે ચા મૂકજે."
ભૂરાભાઈનો ગુસ્સો ઓગળી ગયો.
ઘરમાં ગયા, જીતુનાં હાથમાં પાંચ હજાર રૂપિયા મૂકી દીકરીના માથે હાથ મૂકી નીકળી ગયા.
