PRAVIN MAKVANA

Tragedy Inspirational

4  

PRAVIN MAKVANA

Tragedy Inspirational

ભોપાનું ભણતર

ભોપાનું ભણતર

4 mins
168


ભોપાનો જન્મ થયો ત્યારે મગનલાલે આખી સોસાયટીમાં પેંડા વહેંચ્યા હતાં. એમને હૈયે હરખ માતો નહોતો. એમના બે ભાઈઓના ખાનદાનમાં આ પહેલું પુત્રરત્ન અવતરેલું, બીજા ભાઈને ઘેર બે દીકરીઓ પછી ફૂલ સ્ટોપ આવી ગયેલું, ત્યારે હવે એમના સમસ્ત કુળની જવાબદારી આ જ નાનકડા જીવ ઉપર છે એમ માનીને એમની છાતી ગજ ગજ ફૂલેલી.

કેટલા ઉત્સાહથી એમણે દીકરાનું નામ કોઈ રાજાને શોભે એવું ભૂપેન્દ્ર રાખેલું. દીકરાની ફોઈએ મોઢું મચકોડી કહેલું પણ ખરું કે આવું જુનવાણી નામ શીદને રાખો છો પણ એમને શું ખબર મગનલાલને મન ખરેખર દીકરાને રાજા બનાવવાના અભરખા જાગી ઉઠ્યા હતાં.

ભૂપેન્દ્રને બાલમંદિરમાં દાખલ કર્યો ત્યારે ફરી એના પપ્પાએ આખી સોસાયટીને પેંડા ખવડાવેલા અને કહી દીધેલું કે મોરનું ઈંડુ ભણવા જઈ રહ્યું છે, હવે દર સાલ પેંડા ખાવાની આદત કેળવી લેજો. મગનલાલે પોતે દસમું ધોરણ માંડ માંડ પાસ કરેલું અને પછી ઘરના ધંધામાં જોડાઈ ગયેલા ત્યાં દીકરાએ મોરલો બની કેવી કળા કરવાની હતી એની ચર્ચામાં પડ્યા વગર સોસાયટીમાં બધાએ હોંશે હોંશે પેંડા ખાઈ લીધેલાં. આ દુનિયામાં કહે છે કે ઝેર પણ મફત મળે તો લોકો એ લેવા લાઈનમાં ઊભા રહે ત્યારે મીઠાં મીઠાં પેંડાની તો વાત જ શી કરવી !

જિંદગી ખરેખર ખૂબ નખરાળી છે ! ભૂપેન્દ્ર પહેલાં દિવસે શાળાએ ગયો અને એના બાપાએ પેંડા વહેંચ્યા એ વહેંચ્યા ત્યારબાદ આજ વીસ વરસ વીત્યા છતાંય સોસાયટીમાં ફરી ભૂપેન્દ્રને નામે પેંડા નથી વહેંચાયા..!

એને શાળામાં દાખલ કર્યો ત્યારે શરૂઆતમાં શિક્ષકોએ ભારે જહેમત લીધેલી પણ પછી થોડાક જ દિવસોમાં એમણે એનું નામકરણ ભોપો કરી નાખેલું અને જાહેરાત કરેલી કે ભોપાના નસીબમાં સરસ્વતી દેવીની કૃપા નથી ! જો કે શિક્ષકોના આ પગલાંની હું કડી નિંદા કરું છું. એ વખતે મગનલાલ પણ ઉકળી ઉઠેલા, આખી શાળા માથે લીધેલી અને છેવટે પોતાના પુત્રની હોશિયારી સાબિત કરવા એમણે સારામાં સારા શિક્ષક પાસે ટ્યુશન રખાવેલું, એના મામાને ત્યાં વરસ ભણવા મૂકેલો, કોઈ વિકાસ ના દેખાતા છેવટે એમણે જાતે જ પુત્રને ભણાવી જોયેલો અને પછી એક દિવસ કંટાળીને એમણે પણ એને ભોપો કહી દીધેલું.

ભણવામાં ભોપો કંઈ ઉકાળી શકે એમ નથી એ જાણી અને માની લીધા બાદ મગનલાલે એને રમતો રમવા તરફ વાળવા પ્રયત્ન કરેલો. એમાંય કેટલાય પ્રયત્નો કર્યા બાદ પણ ભોપો કશું જ નહોતો કરી શક્યો. હકીકતે એ સ્વભાવથી જ અતિઆરામ પ્રિય હતો અને નવરા બેઠાં ખાટલામાં પડ્યા સપના જોવાથી અધિક એ કંઈ કરી શકે એવી હાલતમાં જ નહોતો.

ખેર બાપનો જીવ કોને કહ્યો ? મગનલાલે એના આળસુ સ્વભાવને જોઈ એને લેખક બનવા પ્રેર્યો. (જો જો કોઈ લેખકોને આળસુ કહેતા !) નવા નવા વાર્તાના પુસ્તકો લાવી આપ્યા. ચારપાંચ વાર્તા વાંચી કાઢ્યા બાદ એ બધીમાંથી એક એક ફકરો ઉઠાવીને એમનો ભૂપેન્દ્ર એક નવી વાર્તા લખી કાઢશે એવી એમની આશા હતી પણ ભોપો જેનું નામ એના ખાટલામાં પડેલા વાર્તાના પુસ્તકો બકરી ચાવી ગયેલી અને ભોપો જોતો રહી ગયેલો.

આ બધું થતું રહ્યું એ દરમિયાન મગનલાલના ભાઈની બંને દીકરીઓએ આખા સમાજમાં નામ કાઢેલું. એક કોલેજમાં પ્રોફેસર થયેલી અને બીજી કબ્બડ્ડી રમવામાં નેશનલ લેવલે પહોંચેલી.

પુત્ર હોય તો જ કુળનું નામ થાય એવી મગનલાલની માન્યતા અંત પામેલી અને એમના મનમાં એક નવો શંકાનો કીડો ખદબદવા લાગેલો, એમને ભોપામાં પોતાનું લોહી હોવા બાબતે શંકા જાગેલી પણ પછી ભોપાના અને એમના ચહેરાની સામ્યતા જોઈ એ ખ્યાલ મનમાંથી કાઢી ફેંકેલો.

આ વાત એક ભોપાની નથી પણ એવા કેટલાય છોકરાઓની છે જે ખરેખર એમના જીવનમાં કશું જ આગળ પડતું નથી કરી શકતા. એમનામાં કોઈ ખોડખાંપણ છે કે બુદ્ધિ નથી એવું નથી પણ એમને એવી કોઈ ઈચ્છા જ થતી નથી. બે સમય જમવું, જીવવા પૂરતું જરૂરી હોય એટલું જ કામ કરવું અને બાકીનો સમય ખાટલામાં પડ્યા રહેવું એ જ એમને મન જીવન છે.

ક્યાંક એવી શક્યતા પણ ખરી કે પોતાના પિતા અને એમની આગળની પેઢીના મહાન કારનામાં જોઈ એક નવો જીવ એના કોચલામાંથી બહાર આવતા પહેલા જ ગભરાઈ જાય અને છેવટે જિંદગી સામે બાથ ભીડવાની જગ્યાએ એ આળસુ બની રહેવાનું પસંદ કરવા લાગે. ક્યારેક એવું પણ બનતું હોય કે માબાપ પોતે જે ના કરી શક્યા એ બધા જ સપનાઓ પૂરા કરવાનો ભાર એમના બાળકોના નાજુક ખભે નાંખી દે અને બાળક એ ભાર તળે જ દબાઈને રહી જાય.

સામાન્ય મનુષ્ય જીવનમાં શાંતિ શોધતો હોય છે, ખુશી અને ચેન શોધતો હોય છે. કોઈકને ઘણું બધું મેળવી લીધા બાદ ખુશી મળે છે, કોઈને એમને જોઈતું મેળવવા પ્રયત્ન કરવામાં ખુશી મળે છે તો કોઈ કોઈ ને કશું જ ન કરવામાં આનંદ આવતો હોય છે.

દરેક માનવ એક બીજાથી અલગ છે, એમનો સ્વભાવ, એમની ટેવો અલગ છે ત્યારે કોઈ ઉપર બળજબરી કરી કે જોર જુલમ કરી એ જે નથી એ બનવા પ્રેરવું એ મારા મતે એક અત્યાચાર છે. દુનિયામાં બધા હોશિયાર, સફળ માણસો જ હોય એવો કોઈ નિયમ જ્યારે નિયંતાએ નથી બનાવ્યો ત્યારે આપણે કોઈક ભોળિયા જીવને બદલવા એક હદથી વધારે પ્રયાસ કરવો એ સમય અને લાગણી બંનેનો વ્યય છે.

અમસ્તું,

ભોપા, ઉર્ફ ભૂપેન્દ્રએ એક વાતે એના બધા શિક્ષકોને ખોટા પાડી બતાવેલા, એણે સરસ્વતી બેનની કૃપા સાથે લગ્ન કર્યા છે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy