'ભોગ' નો ભાગ
'ભોગ' નો ભાગ
' દેવો ' આજે ઘણો ખુશ હતો ...અને કેમ ના હોય..!
આજે પૂરાં છ વરસ પછી તેનો મોટો ભાઈ મુંબઈથી ઘરે આવી રહ્યો હતો...સ્ટેશને લેવા જવાનું હતું તેને...!
તેને બરાબર યાદ છે કે છ વરસ પહેલાં ગુરુ પૂર્ણિમાના દિવસ હતો. પોતે ઉછીના પાછીના કરી આણેલ દસ હજાર મોટાના ખીસામાં મૂકી તેમને મુંબઈના ગોરેગાંવ વટાવી આગળ આવતા એક પરામાં રમાબાઈ ચાલ માં એક ઓરડીમાં મૂકી આવ્યો હતો. એ ખાલી ખિસ્સે અને ભરેલ હૃદયે મોટા અરમાનો ભાઈ ના ખભે મૂકી વતન પાછો આવેલો...
આ છ વરસની વીતેલ લીલીસૂકી માં મોટે ભાગે સૂકી વેદના જ 'દેવા 'ના ભાગ્યમાં આવી હતી તે કોણ નથી જાણતું.....!
મુંબઈ માં સેટ થવાની મથામણમાં મોટાભાઈ એ ગામડામાં પોતાના સંસારની નાવડી જેમ તેમ કરી બેલેન્સ કરી રહેલા નાના ને યાદ કરવાનું તો રાખેલ પણ ક્યારે ?!
મોટાએ... ગામડે મજૂરી કરતા અને જો ના મળે તો છૂટક નોકરી કરી બે બાળકો સાથે અને વૃદ્ધ માં બાપ નો ટેકો થઈ ગાડું ગબડાવી રહેલ ' દેવા ' પાસે આ દરમ્યાન છૂટક છૂટક બહાના હેઠળ બે પાંચ ...બે પાંચ કરી લાખેક રૂપિયા મંગાવી લીધેલ.
ભાઈ મુંબઈ માં ' સેટ ' થશે અને સુખનો સૂરજ મારા ઘરના છાપરે આવી પૂગશે એવી આશા રાખી ' દેવા ' એ દેવું કરી કરી અને પેટે પાટા બાંધી ભાઈના સંદેશા ની હૂંડી ભરતો રહ્યો.
આ પોષણ મેળવી ભાઈ મુંબઈમાં નાની મોટી નોકરી કરતાં કરતાં હવે કંઇક ઠરીઠામ થયો છે... આવો અંદાજ મુંબઈના ઓળખીતા દૂરના સગાઓના ઇશારે ' દેવો ' પામ્યો અને મનોમન ખુશ થઈ સપના સેવી રહ્યો...!
બાજુના ગામના રેવા શંકર નો દીકરો શંભુ પણ હમણાં મુંબઈ રહેતો થયેલ. એની પાસેથી સાંભર્યા મુજબ મોટો હવે તે પરાં માં બનતા ફ્લેટની દલાલી કરતો અને એક ફ્લેટ વસાવી લીધો હતો.તેનો દીકરો પણ હવે નોકરી જતો.
ટુંકમાં બે પાંદડે થયેલ ભાઈ હવે તેને યથા શક્તિ પોષી ને પોતે દારિદ્રય વેઠી રહેલ ' દેવા ' નો આશા મહેલ હતો.
નાના માણસના સપના પણ નાના જ હોયને...!
ભાઈને પૈસા મોકલ્યા કરતાં કરતાં...આખા ગામમાં એકમાત્ર ' દેવા ' નું ઘર છાપરું કહી શકાય તેવી સ્થિતિને પામી રહ્યું હતું. માટીનું જૂનું અને ભાગ્યા તૂટ્યા નળિયા વાળા ઘરમાં પ્લાસ્ટર તો માટીનું જ હોય ને?
વળી , લીંપણ વાળા ઘરમાં પડેલ ઠેર ઠેર ખાડા ઘરની સ્થિતિ અને ' દેવા ' એ કરેલ દેવું વકરી રહ્યાની ચાડી ફૂંકતા હતા.
તેની પોતાની સ્થિતિ પણ ક્યાં ઓછી ચાડી કરતી હતી..! પત્ની, બાળકોના ચોંટી ગયેલ ગાલ ગુલાબી ભવિષ્ય પ્રત્યે હતાશા પ્રેરતા હતા.
હવે આશા હતી કે ભાઈ મારો આવશે ને મને તારશે...!
ઘર સરખું કરાવવું હતું. બાળકો ને સારા કપડાં અને ખોરાક ની ખોટ પૂરી થાય તેમ હતું. ભાઈ તો હવે મુંબઈ માં ઠીક ઠીક ' મોટો ' થયો છે જેથી પોતાની મહેનત ફળી છે તેવા સંતોષ સાથે...હવે ભાઈ નો ' ટેકો ' આવી ગયો તેવી હૂંફ સળવળતી હતી.
બરાબર દોઢ વાગે...શહેરમાં રેલવે સ્ટેશને ભાઈ ને લેવા પહોંચેલ નાનો ભાઈ ' દેવો ' ભાઈનો પરિવાર ટ્રેનમાં થી ઉતરતા વેત જાણે પાંખે ઉડ્યો અને ભેટી રહ્યો. ' મોટા ' ની મોટાઈ ઠીક ઠીક વધી હોય તેમ ઠંડો જ હતો.
ઘેર મુકાયેલ લાપસી નું આંધણ પરિવારની રાહ જોતું હતું....!
બીજા દિવસે પણ જમી પરવારી ભાઈ ની પરોણાગત માં ઓતપ્રોત ' દેવો ' ભાઈના શ્રીમુખ થી હૂંફ સાંભળવાની આશાએ પાસે બેઠો બેઠો ભાભી ના ભાઈ તરફ થઈ રહેલ ઝીણા ઈશારા પણ જોઈ રહ્યો..!
" દેવા..તું તો જાણે છે કે મુંબઈ નું જીવન કેટલી મુશ્કેલી વાળું છે.. અંહિ તું બા બાપા સાથે સુખેથી આ સહિયાળી મિલકત ભોગવી શકે એટલે મે અત્યાર સુધી ' ભોગ ' આપ્યો..અને બહાર રહ્યો.."
' દેવો ' હજુ ભાનમાં હતો..., ' મોટો ' અટક્યો ને પાછો બોલ્યો...
" આ બાપીકા ધર માં મારો ભાગ ખરો કે ?..અને હું રસ્તો પણ વિચારી લાવ્યો છું...આમ તો મે બહાર રહી તને બધું ભોગવવા દીધું તેના બદલે આ ઘર હું લઈ લઉં ...પણ બા બાપા ને તારે રાખવાના છે એ વિચારી ઘરની વચ્ચે દીવાલ કરી એક ઘરના બે કરીએ...આખરે તને દુઃખ ના પડે એ પણ જોવું પડે મારે...."
પોતે ભાઈ ના વિકાસ માટે આપેલ ભોગ બાજુ એ રહ્યો અને ' મોટો ' પોતાના ભોગ અને ભાગ ના ગણિત ને ગણાવતો હતો તે હજુ માન્યામાં આવતું નોતું..! જાણે ઘરમાં જ હતો જ નહિ તેમ વિચારે ચડી ગયો...' દેવો ' બિચારો.
મોટો તાડુક્યો..." આ મારો નિર્ણય છે...બા બાપા ને પણ સાંજે વાત કરવાનો છું...બીજું જે વાસણ ને સામાન સહિયાળો હોય તે પણ જોઈ લેવાનું છે...બધામાં મારો ભાગ છે તારે કંઈ ગાંઠનો ભોગ નથી દેવાનો મને...! "
આખરે....' દેવા ' ને વાચા ફૂટી...હતાશ અને વિસ્ફારિત આંખે જાણે મનમાં બબડતો હોય તેમ બોલતો બોલતો ઊભો થયો..
" હા ...મોટા, મારા 'ભોગ' નો ભાગ મારે આપવો જ રહ્યો..!"
