ભીખલો ને ભીખલી
ભીખલો ને ભીખલી
ગામને છેવાડે કાચા ઘરની હાર પુરી થાય પછી બે ઝુંપડા હતા. એક ઝૂંપડામાં 17 વરસનો ભીખલો અને બીજા ઝૂંપડામાં 16 વરસની ભીખલી રહે. બેમાંથી કોઈ કદી નિશાળે નહોતું ગયું. બંને 7-8 વર્ષના થયા ત્યારથી કેળાનો ટોપલો લઇ ગામની ભાગોળે વેચવા બેસે. કેળા વેચતા વેચતા બંને વચ્ચે પ્રેમ થઇ ગયો ને ભીખલી ગૌરી વ્રત કરવા લાગી હતી. એક દિવસ ભીખલીને વ્રત કરતી જોઈ ભીખલાને ઉપવાસ કરવાનું મન થઇ ગયું અને બંનેએ નક્કી કર્યું કે કેળા વેચાય તેની બોણીના પૈસાથી જ ફળાહાર કરશું. બંને રાહ જોઈ જોઈ થાક્યા પણ સાંજ સુધી કોઈ ગ્રાહક ના આવ્યા. એક બાજુ કકડીને ભૂખ લાગી હતી. વ્રત અને ઉપવાસ ચાલુ રાખવા બંને મક્કમ હતા. ધંધો બંધ કરવાનો સમય થઇ ગયો હતો. બંનેએ રસ્તો કાઢ્યો કે કેળા વેચાય તો જ કેળા ખાઈશુ પણ આપણે અંદરો અંદર તો કેળા ઉધાર વેચી શકીએ અને પછી તો કેળા ખાઈ શકાય.
ભીખલીએ ભીખાલાને કેળાના ભાવ પૂછ્યા ને સોદો નક્કી કરી ભીખલીએ ભીખલા પાસેથી ઉધાર કેળા ખરીદ્યા અને પછી ભીખલાએ ભીખાલીને કેળાના ભાવ પૂછ્યા ને સોદો નક્કી કરી ભીખલાએ ભીખલી પાસેથી ઉધાર કેળા ખરીદ્યા અને બંનેએ એ રીતે અંદરો અંદર કેળા વેચી માનતા પુરી થઇ એટલે ધરાઈને કેળા ખાધા.
સાંજ સુધીમાં વેચાયા એટલા કેળા ખાઈ લીધા અને ખાલી ટોપલા લઇ ઘરે પહોંચ્યા અને એવી રીતે પાંચ દિવસનું વ્રત પૂરું થયું. છઠ્ઠા દિવસે કેળા જેની પાસેથી ખરીદેલ તે પૈસા લેવા આવશે તેની બીકથી બંને નાસી ગયા. નાસતા ફરતા બંને ઉમર થઇ ને સ્વર્ગે સિધાવ્યા અને આગલા જન્મમાં લેહમેન બ્રધર્સ બન્યા એટલે અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ કંપની ખોલી.
ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ બેન્કોને લોન આપી અને બેન્કોએ ઉધાર મકાન લેવા વાળાને લોન આપી. બેન્કના મેનેજરનો પગાર મકાન ઉધાર લેવા જેટલી લોન આપે તેના ઉપર નક્કી કર્યો એટલે મેનેજરોએ ભરપેટ કડકા લોકોને મકાન ઉધાર લેવા લોન આપી. લેહમેન બ્રધર્સને પૈસાની જરૂર પડી તો દેશ વિદેશની ફાયનાન્સ કંપની પાસેથી લોન લીધી ને આ કંપનીઓએ દેશ વિદેશની વીમા કંપની પાસેથી વીમો લીધો.
વીમા કંપનીઓએ પૈસાની જરૂર પડી તો બઝારમાં શેર વેંચ્યા અને બેન્ક મેનેજરોને એજન્ટ નીમ્યા અને તેઓએ શેર બેન્કને, મકાન ઉપર લોન લેવા વાળાઓને અને લેહમેન બ્રધર્સને વેંચ્યા. શેર ખરીદવા લેહમેન બ્રધર્સે દુનિયા બહારની સરકારો પાસેથી દરેકને લોન અપાવી.
મકાન ઉપર લોન લેવા વાળા લોકોએ મકાનના દસ્તાવેજ બેન્કને ગીરો આપ્યા અને બેન્કોએ લેહમેન બ્રધર્સને જેણે ફાયનાન્સ કંપનીને અને ફાયનાન્સ કંપનીએ ઈન્સ્યુરન્સ કંપનીને ગીરો આપી. ઈન્સ્યુરન્સ કંપનીએ મકાનના ગીરોના દસ્તાવેજ એક એમ.બી.એ. પાસે સલાહ લઇ કોઈને ગીરો મકાનની જમીન તો કોઈને દીવાલ, કોઈને બારી, કોઈને દરવાજા તો કોઈને રાચરચીલું ગીરો આપ્યું જેને સી.ડી.ઓ. નામ આપવામાં આવ્યું અને આ લોકોએ સી.ડી.ઓ. ઉપર સરકાર પાસેથી લોન લીધી.
કડકા લોકો મકાનના લોનના હપ્તા ભરવા બીજી લોન લીધી અને બીજી લોન ભરવા ત્રીજી લોન લીધી અને છેલ્લે આખા દેશમાં કોઈ સંસ્થા બાકી નહોતી કે તેમણે આ લોકોને લોન ના આપી હોય. છેલ્લે પરપોટો ફૂટ્યો ત્યારે ખબર પડી કે ભીખલાના કેળા ભીખલીએ ખાધા અને ભીખલીનાં કેળા ભીખલાએ ખાધા હતા અને બંનેના ટોપલા અને ખિસ્સા ખાલી હતા.