STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy

4  

Kalpesh Patel

Drama Tragedy

ભગીરથ

ભગીરથ

6 mins
3.5K

લાંબા ડગલા ભરી દોડતા અશ્વ સમાન યૌવનના તાલે હેલાળે ચડેલો કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો, યુવાન એટલે ભગીરથ, જેનું સુખી કુટુંબ અને પાછો એકનો એક હોવાથી તેનો લાડકોડમાં ઉછેર. પરીઓના દેશમાં વિચરતી તથા ઘૂધાવતા દરિયા સમાન તેની હંમેશા મનોસ્થિતિ રહેતી. ભગિનીનું કુટુંબ તેઓના કુટુંબ માટે વર્ષોથી પરિચિત. “ભગિની” જોતા જ ગમી જાય એવી ફૂટડી અને સાથે હોશિયાર પણ તેટલી. તેના માતા પિતા તરફથી “ભગીરથ” માટે માગું આવ્યું અને બંને પક્ષે બધું જ યોગ્ય અને સમોવડિયા. “ના” પાડવા માટે કોઈ કારણ હતું જ નહીં. મુલાકાતો ગોઠવાઈ અને આખરે ગોળધાણા પણ ખવાઈ ગયા. એવું નક્કી થયું કે ભગીરથનો અભ્યાસ પૂરો થાય પછી લગ્ન ગોઠવવા. બસ, પછી તો યુવાનીનો થનગનાટ અને ભગીરથ અને ભગિની બંને આકાશમાં જ ઉડવા લાગ્યા. તેઓ ક્યારેક રંગીન કલ્પનાની દુનિયામાં ખોવાઈ જતાં. એવો એક પણ દિવસ ન હોય જ્યારે તેઓ એકમેકને મળ્યા ન હોય. આવા મસ્ત પેમી પંખીડાઓને જોઇને લોકો કહેતા પણ ખરા કે આ જોડને કોઈની નજર ના લાગે તો સારું !. દિવસો…મહિનાઓ…વર્ષો વીત્યાં.. ભગીરથનો અભ્યાસ પૂર્ણ થયો, ભગીરથે આગવો કારોબાર વિકસાવ્યો અને ભગિનીને શાળામાં જોબ મળી અને બંને આખરે લગ્નબંધનમાં જોડાઈ ગયા.

માતા-પિતાનો સમરસ સ્વભાવ અને ભગિનીની સુમેળતાથી ઘરમાં “માં” “દીકરી” જેવો પ્રેમ સાસુ વહુ,અનુભવતા. અને તે બંનેને આનંદમાં જોઈ ખુશ થતાં, ભગીરથ માટે તે પરમ આનંદના દિવસો હતા. તેમાય વળી જ્યારે ચાર વરસના લગ્ન જીવન દરમ્યાન બે બાળકોનું ઘરમાં આગમન થયું –( ગત વર્ષે ભગિનીની જ નાની આવૃત્તિ સમી રૂપકડી દીકરી આયુષીનું આગમન અને તેનાથી બે વરસ પહેલા જન્મેલો રાજકુમાર સમાન અક્ષિત), -ત્યારે ભાગીરથનો આનંદ ચરમ સીમાએ હતો. સમય પાણીના રેલાની માફક કોઈ આફત કે અવરોધ વગર વહી રહ્યો હતો.

 આયુષીનો પ્રથમ જન્મદિવસ આવતો હોઇ, તેને ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું. ભગીરથ અને ભગિની બંનેએ સાથે મળી બધું પ્લાનિંગ કર્યું હતું અને હોંશથી તૈયારીઓ પણ કરી હતી. અને આખરે એ દિવસ આવી ગયો. સવારે ભગીરથ ઉઠ્યો ત્યારે ભગિની તો ઘરમાં હતી નહીં, ભગીરથની “મા”એ કયું કે તે આયુષીને લઈ મંદિરે દર્શન માટે ગઈ છે, સવારના દસ વાગવા આવ્યા છતાં પણ ભગિની પાછીના ફરી, એટલે ભગીરથ હવે ચિંતામાં હતો, તેવામાં સિવિલ હોસ્પિટલથી ફોન આવ્યો કે ભગિનીની કારને અક્સમાત થયેલો છે માં- દીકરીની હાલત ગંભીર છે. ભગીરથ ઉપર તો જાણે આભ તૂટી પડ્યું, તે દોડતો સિવિલ પહોચ્યો ત્યા સુધીમાં ભગિની આ દુનિયા છોડી અનંતની યાત્રાએ ઉપડી ચુકી હતી, પરંતુ ભારે જાહેમતથી આયુષીને બચાવી લેવાઈ હતી.

લગ્ન વેદીએ જન્મોજન્મ સાથે રહેવાના વાયદા કરીને ભગિની ૩૦વર્ષની વયે ભગીરથને આ જગતના મહાસાગરમાં મધદરિયે મૂકી ચાલી ગઈ. ભગીરથની તો પૂરી દુનિયા લૂંટાઈ ગઈ. તેનું પૂરું અસ્તિત્વ ધૂળમાં ભળી ગયું હતું. તે હવે સાનભાન ગુમાવી એક જીવંત લાશ બની બંને છોકરાઓને ઉછેરવામાં ધ્યાન પરોવવા મથતો હતો.

 ભગીરથના પિતાજી તેને કહેતા રહેતા દીકરા, નાસીપાસ ના થા “દુઃખનું ઓસડ દહાડા”. પણ આ દુઃખ એવું હતું જેનો કારમો ઘા કેમે કરીને ભરાય એવો ન હતો. ભગીરથની આંખના આંસુ સુકાતા ન હતા. આંસુના પડળ સાથે હવે તેને નજરે પડ્યું વૃદ્ધ માતાપિતાનું દુઃખ, જેમણે વ્હાલી દીકરી સમાન વહુ ગુમાવી હતી. ભગીરથ ત્રણ વર્ષના અક્ષિત અને એક વર્ષની નવજાત આયુષીની આંખોમાં ઊભરતા પ્રશ્નો અને મુંઝવણ અનુભવી શકતો હતો. એક ઝાટકે કિલ્લોલ કરતું ઘરનું વાતાવરણ હવે અચાનક બદલાઈ ગયું હતું. ભાગીરથના સાસુ સસરાએ તેને છોકરાઓના ઉછેર માટે સંતાનોને મોસાળમાં તેમની સાથે લઈ જવા વિનવ્યું , પણ ભગીરથનું મન ના માનયુ અને, આયા રાખી, તેણે ભવિષ્યની રૂપરેખા નવેસરથી આલેખી.

પોતાની જાતને સંતુષ્ટ કરવાથી ખુશી નથી મળતી. ખુશી મળે છે યોગ્ય હેતુ માટે પ્રતિબદ્ધતાથી. એવું માનતા ભગીરથે તેના હ્રુદય પર પથ્થર મૂકી, નિર્ણય લઈ લીધો. તેણે સાસુ-સસરાને જણાવ્યું કે, તે, તેના સંતાનોને તેની સાથે રાખશે અને.તે જ બંને બાળકોને માતા-પિતા બંનેનો પ્યાર આપી મોટા કરશે. ખબર નહિ તે વખતે ભાગીરથે ક્યાંથી આટલી હિંમત સમેટી હશે. પણ ભાગીરથે તેનું જીવન હવે એક અર્થસભર હેતુ માટે સમર્પિત કરી, અંતરનો ખાલીપો, વલવલાટ છુપાવી સામાન્ય જિંદગી તરફ ડગ માંડ્યા હતા.

સમય વહેતો રહ્યો. ભગીરથ પણ આખરે તો એક માનવી ને ?. ભલે બહાર ન બતાવે પણ ક્યારેક તે થાકી, હારી જતો. સદાય હસતો ભગીરથનો ચેહરો હવે ક્યારેક છૂપી ચિંતાની લકિરોથી નિસ્તેજ લાગવા માંડ્યો. તે તેના કારોબારમાં ચૂપચાપ મોડે સુધી કામ કરતો રહેતો. ક્યારેક અતીતમાં ખોવાઈ પણ જાય. ભાગીરથના સ્ટાફ/કર્મીઓની સહાનુભૂતિ હંમેશા તેની સાથે હતી. આ બધામાં ઘેર રાખેલી આયા “આશા”નો ભગીરથને ખૂબ સપોર્ટ રહેતો હતો, આમ સામાન્ય દેખાવ પણ, આશા ઠરેલ, તથા સ્વભાવે ધીર ગંભીર અને સહૃદયી હતી. એકલા હાથે બંને બાળકો અને મારા માતા પિતાની જવાબદારી બેખૂબીથી સંભાળતી હતી. ક્યારેક ઓફિસમાં વધુ કામ હોય તો બાળકોને લેશન કરાવતી, તો ક્યારેક ભગીરથની માતાની ડોક્ટરની એપોઇન્ટમેંટ હોય તો તે સાથે જતી. ભગીરથની મદદ માટે મુશ્કેલીના સમયમાં “આશા” એક દિવાલ બનીને ઊભી રહેતી. આમ “આશા” અને ભગીરથ ખૂબ સારા મિત્રો બની ગયા. પડકારોનો સામનો કરવા એક સાથી મળવાથી તેના ચેહરા પરનું ખોવાયેલું સ્મિત પણ ધીરે ધીરે પાછું આવ્યું. ભગીરથનું મૌન આશાને સમજાઈ જતું, તો આશાની આંખોના ભાવતે ક્ષણમાં પારખી લેતો. તેઓના બંનેમાંથી કોઈની પાસે હૃદયના ભાવ વ્યક્ત કરવા માટે પહેલ કરવાની હિંમત નહતી. આશાને ઘેર, ક્યારેક કોઈ ને કોઈ કામ અંગે તેની અવરજવર રહેતી. અને વખત જતાં તેના ઘરના સૌની સાથે, તેનો ઘરેબો કેળવાઈ ગયો હતો.

એક દિવસ મોડુ થતાં આશાને તેને ઘેર ભગીરથ મૂકવા ગયા ત્યારે, આશાના મમ્મીએ પૂછ્યું કે તમે બંને શા માટે લગ્નથી જોડાઈ નથી જતા ?, ભગીરથજી તમે કહો તો તમારા ત્યાં માગું લઈને આવીએ, અમારી દીકરીનું સુખ તમારે સંગ હોય તેમ અમને લાગે છે. આ પહેલાં ભગીરથને તેના માતા, પિતા તથા મિત્રોએ ઘણીવાર તેને મુવ ઓન કરવા આગ્રહ કરેલો અને તે હંમેશા ના ની રટ પકડી બેઠેલો, હતો પણ આજે આશાના માતાના પ્રસ્તાવે તેને વિચારતો કરી દીઘો. ભગીરથે આશા સાથે વાત કરી. તેને તો આ ક્ષણનો જ ઈન્તેજાર હોય તેમ લાગ્યું. પણ તેની કેટલીક શરત હતી. લગ્ન પછી નવું બાળક ન જોઈએ તેના હયાત બે બાળકો જ તેઓના જીવનકાળના બાળકો રહે. અને હવે આશાના માં-બાપા પણ જીવે ત્યાં સુધી ભાગીરથને ત્યાં રહી કુટુંબનો હિસ્સો બની રહે . પહેલીવાત આશાએ તથા બીજી વાત તેના માતા- પિતાએ સ્વીકારી લીધી. અને આશા સાથેના ભાગીરથની જિંદગીના બીજા પડાવેથી, તેના નવા જીવન પથનો પ્રારંભ થયો.

નવા વાતાવરણમાં ગોઠવાતા ભગીરથ અને તેના માતા પિતાને થોડો સમય જરૂર લાગ્યો પણ આશાના અને તેના માતા પિતાના પ્રેમ અને સૂઝબૂઝના કારણે તકલીફ ન પડી. તેઓ ત્રણેય હવે ભગીરથના કુટુંબના પાંચ સભ્યઓ સાથે દૂધમાં સાકર ભળે તેમ હળી-મળી ગયા. અક્ષિત અને આયુષી, બંને બાળકો અભ્યાસમાં ભગિની જેવા જ તેજસ્વી હતા. અક્ષિતે યુનિવસિટી રેન્ક મેળવી વધુ અભ્યાસ માટે તે અમેરિકા ગયો અને ત્યાં જ લગ્ન કરી સેટલ થયો અને આયુષીને પણ તેણે અમેરિકા બોલાવી લીધી. સમયાંતરે ભગીરથ અને આશા, બંનેના માતપિતા પણ ગુજરી ગયા અને ભગીરથે પણ તેનો કારોબાર સંકેલી લીધો હતો. હવે તેઓ ક્યારેક ઇન્ડિયા તો ક્યારેક અમેરિકા આવતા જતા રહેતા. આ વર્ષે ભગીરથ અને આશા અમેરિકા દીકરા અક્ષિતને ત્યાં પાંચ મહિનાથી હતા. તેથી તેઓ ઇન્ડિયા પરત જવાનું વિચારતા હતા. પરંતુ અક્ષિતનો એવો આગ્રહ હતો કે તેની બહેન આયુષીની ૨૫મી બર્થડે ઉજવીને જાવ તો સારું. તેથી ભગીરથ અને આશા થોડુ વધારે રોકાઈ ગયા. આયુષીની બર્થડ માટે સાંજે ૭૦ લોકોની પાર્ટી રાખી હતી. બધા ખૂબ ખુશ હતા. ભગીરથે આયુષી માટે એક સરસ મજાની રૂબીની રિંગ લઈ તેના દીકરા અક્ષિતને આપીને કહ્યું કે તે સાચવીને રાખે, તેના જ્ન્મ દિવસની ભેટ છે. બર્થડેની સવારે આયુષીને  તેના પપ્પા ભગીરથને લઈ સવારે મંદિરે ગઈ. થોડાક જ સમયમાં અક્ષિતના સેલ ફોનમાં ૯૧૧ નંબર જોતાં તેના શરીર માં ભયનું લખ – લખું આવ્યું, કાતિલ ઠંડીમાં પણ પરસેવે રેબ ઝેબ થઈ ગયો ..... શું આ...ઇતિહાસનું પુનરાવર્તન…!!!નો કોલ...!! હાઇવે પોલીસના મેસેજથી તે હેબતાઈ ગયો.. ક્રોસ રોડ પર આઈસ કાપી રહેલા વાહન સાથે આયુષીની કાર ધડાકા ભેર અથડાવાથી કારનો કચ્ચરઘાણ વળી ચૂક્યો હતો અને બંનેને હેલ્થ સેન્ટરમાં દાખલ કરેલા હતા.

અક્ષિત માટે આ અણધર્યો ઘા હતો, તે તેની પાલક માતા આશાને લઈ હેલ્થ સેન્ટર પહોચે ત્યારે આયુષી ખતરાની બહાર હતી,પરતું ભગીરથના આયુષ્યની દોરી હાથમાંથી સરકી ચૂકી હતી …., ભગીરથ પણ હવે અક્ષિત–આયુષીની માતાની જેમજ ખુશીના મોકે, આમ અચાનક અનંતની વાટે ચાલી ચૂક્યા હતા …. અક્ષિતને સમજ નહોતી પડતી કે તે તેની જાતને સંભાળે,આયુષીને સાંત્વના આપે કે તેની પાલક માતા આશાને આશ્વાસન ?…માતા પિતાને યાદ કરતાં તેની રડીને લાલઘૂમ થયેલી આંખો આકાશમાં તાકીને " પૂછતો રહ્યો કે હવે ભાઈ બહેનના ઉત્કર્ષ માટેના કરાયેલ "ભગીરથ" પ્રયાસોનું ઋણ કેવી રીતે વળાશે....?


Rate this content
Log in

Similar gujarati story from Drama