ભાઈ, ભણતર ભયો ભયો
ભાઈ, ભણતર ભયો ભયો


'શંકર, લ્યા તું તો બહુ ચિંતામાં લાગસ. હું થ્યુ ભુડા?? ચમ લા, હવે દોસ્તારો હારે પણ વાત નહિ કરે કે શું?? આ અમારા ભાભી તો કાંઈ બગડ્યા નથી ને?? ચીકુ ૭મુ ભણે છે ને હવે કાંઈ બીજાની તો તૈયારી નથી કે??', ભિખાએ થોડી મસ્તી કરતા કહ્યું.
ગરમીના દિવસો ને ખેતરનું કામ, બપોરનું ટાણું ને ભાઈબંધ હારે ગોઠડી એટલે ગામમાં તો એવું જ હોય ને! બસ આમ જ જિંદગી હજીય ચાલે છે ત્યારે શંકરને કાંઈક વધારે ચિંતા આવી હોય એવું લાગે છે. બંને ભાઇબંધુ પોરો ખાતા વાતોએ ચડે છે.
'ના લા ભિખા, વાત જરા એમ છે કે આ ભણતરનો ભાર હવે ચીકુ કરતા વધારે મને લાગવા લાગ્યો છે. હજી તો ૭મુ ભણે છે અને શાળાના ખર્ચા, હવે પાછું નવું શરુ કર્યું છે 'ટુશન'(ટ્યુશન), ચોપડા અને બીજા ઘણા બધા.. ચીકુ આમ ભણવામાં તો સારો જ છે અને એ ઇના માસ્તર કે'તા તા. હવે ચિંતા ઈ સતાવે છે કે ભણતર જો શેરમાં(શહેર)માં જઈને લેવાની વાત આવી તો તારો આ શંકર તો ખરેખર બાવો જ થઇ જશે. લ્યા, શું વાત કરું તને?? હમણાં જ શેરમાં મારા ભાઈના છોકરાને મળવા ગયો'તો ત્યારે ખબર પડી કે શેરનું ભણતર આપણા ગજા બહારની વાત છે. બસ એની જ ચિંતામાં મન ભારે થઇ જાય છે. છોકરાને ભણાવો પછી એ જ છોકરા મોટા થઈને આપણને ભણાવશે. આ બધી જ ચિંતામાં હું તો અડધો થઇ ગયો છું. તારા ભાભીને કાંઈ કહીએ તો એ સમજે એમના નથી. ચીકુ ચીકુ કરીને બહુ મોઢે ચડાયો છે. એના ભણતર વાંહે હું જમીન ને સંધુય વેચી દઉં તોય પાર આવે એમનો નથી.', (લમણે હાથ દઈને શંકર બોલ્યો)
'અરે! ભુડા, શેની ચિંતામાં ચિતા જેવો થ્યો છું. ચીકુ ભણવામાં સારો છે અને એ તો મેં પણ જોયું છે. એક નો એક તો દીકરો છે લા તારે. એના ભણતર પાછળ નહિ ખર્ચે તો આ જમીન ને પૈસાનું શું કરીશું? તારે શું છાતીએ બાંધીને લઇ જવા છે?? સમજુ છું કે તું અને તારી આ જમીન સિવાય તારી આગળ-પાછળ બીજું કાંઈ જ નથી પણ આમ સ્વાર્થી થઈને દીકરાના ભણતરમાં અડચણ થોડી બનાય?? સમજી શકાય છે કે એક માં-બાપના મનમાં શું ભાવો જન્મે પરંતુ ચિંતા ના કર, મારુ મન કે છે કે ચીકુ ભણી ગણીને ખૂબ મોટો માણસ બનીને તારી જમીન કરતા ૧૦૦ ગણા પૈસા તારા હાથમાં મુકશે. અલ્યા, આપણા દીકરાઓ સંસ્કારી છે ભુડા... હવે કાળજે ઠંડ રાખીને રોટલો ખા..', ભિખાએ કહ્યું
'હા દોસ્ત.. વાત તો તારી સાચી છે. હાલો ત્યારે આપણે તો અત્યારે રોટલા અને ઓટલા માં જ જીવીએ..
કેહવું પડે ભાઈ, આ ભણતર ભયો ભયો.......'