ભાડાની સાયકલ
ભાડાની સાયકલ
ખરેખર આ સ્વર્ગીય આનંદ આપે એવો પ્રસંગ છે. મારો જન્મ કણજરી ગામમાં થયો હતો. મારું નાનપણ એ સ્વર્ગથી પણ ચડિયાતું હતું. મારી અને મારા દોસ્તોની આર્થિક પરિસ્થિતિ થોડી કપરી, પણ અમે જીંદગી ખરેખર જલસાથી જીવી.
દર રવિવારે અમારા ઘેરથી એક રૂપિયો અમને વાપરવા મળતો. એ એક રૂપિયામાં અમે ભેગા થઈને સાયકલની દુકાને જતા. ત્યાં ભાડે સાયકલ ફેરવવા મળતી. એક રૂપિયો આપો તો એક કલાક ફેરવવા દે. અમે એનો આનંદ માણીએ.
એ સાયકલનું વર્ણન કરું તો, એમાં મુખ્ય વસ્તુઓ જ બરાબર હોય. જેમકે,હેન્ડલ, પેડલ, ચેન-ચક્કર...બસ ! બાકી ના ઘંટડી, ના બ્રેક, ના સીટના ઠેકાણા, ક્યારેકતો પૈડામાં હવા પણ ના હોય. જૂની જર્જરિત ઇમારત જોઈલો ! ગમે ત્યારે હેઠે પડે.
પણ એ સાયકલ લઈને અમે નીકળીએ એટલે પેલા દુકાનવાળા ભાઈ તરતજ ઘડિયાળ સામે જોવે અને સમય બતાવે. અમે હા..હા ...કરીએ પછી પાછાતો ભારતીય સમય પ્રમાણેજ આવીએ.એ સાયકલ ચાલતાને જ અમને તો પાંખો લાગી જતી. એયને માનસરોવરના હંસો કણજરી ગામમાં લટાર મારવા નીકળ્યા હોય ! ગામડાના રસ્તા કેવું પડે. અમારી સાયકલની સીટ છૂટી હોતી એટલે સાયકલ બેઠા બેઠા જ ચલાવવી પડતી.જો ઉભા થઈને ચલાવીએ ને ખાડો આવે કે ટેકરો આવેતો, સીટ ઊડીને ક્યાંય જતી રહે. ધ્યાન રાખીને પાછું બેસવું પડે. નહીતો સ્વર્ગનો આનંદ નરકની વ્યથામાં પરિવર્તિત થઈ જાય. ખબરેય ના પડે.
એક કલાકમાં તો અમે બધા મંદિરો, ફળિયા, ગલીઓ, શેરીઓ, ખેતરો બધુય ફરી આવીએ. રસ્તામાં આવતા જતા ઝાડ પર કંઈક ફળ ફળાદી દેખાય તો એ પણ પાડતા આવીએ.એ એક કલાક હરવા ફરવાનું, મિત્રો જોડે મસ્તી, ને એ ભાડાની સાયકલ.
મને વિશ્વાસ છે કે જ્યારે હું આ દુનિયામાં નહિ હોવ ને ઉપર જઈશ ત્યારે યમરાજા કહેશે કે "આને નરકમાં મોકલો, સ્વર્ગનો આનંદતો ભાડે સાયકલ લઈને માણી ચૂક્યો છે." હું સ્વીકારી લઈશ કેમકે એ પણ સત્ય છે. આજે પોતાનું બાઈક છે, ગાડી છે પણ એ એક રૂપિયો નથી, એ રવિવાર નથી, એ મિત્રો નથી અને એ ભાડે સાયકલ નથી.
