બેસ્ટ કપલ -બેસ્ટ આઈટમ
બેસ્ટ કપલ -બેસ્ટ આઈટમ
મોટું એવું શહેર, ઠીક ઠીક મોટો એવો ગુજરાતી સમાજ, દરેક વર્ષે યોજાયા કરતો એવો આનંદ બજારનો ‘આનંદમ આનંદમ’ નો પોપ્યુલર પ્રોગ્રામ.ખાણી–પીણીના સજાવેલા સ્ટોલ, તેમાં વ્યવસ્થિત ગોઠવેલીને મૂકેલ ચટપટા અને તમતમતા ફરસાણ સાથે સુગંધિત મઘમઘતી મીઠાઈઓની મહેક વાતાવરણને પણ ખુશનુમા બનાવી રહી હતી.
આજના આ વિશિષ્ટ આનંદ બજારમાં આવી રહેલા ગુજરાતીઓ સૌરાષ્ટ્ર, કચ્છ, અને વિધ વિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા વસ્ત્રપરિધાન સાથે ગુજરાત સમાજના વિશાળ પ્રાંગણને કલરફુલ અને પચરંગી રૂપ-સ્વરૂપ આપી રહ્યા હતા. દર વખત કરતા આ વર્ષના આનંદબજારમાં બેસ્ટ વાનગી ઉપરાંત બેસ્ટ કપલનું ઇનામ પણ જાહેર થવાનું હતું.રામોજી સ્ટુડિયોમાંથી, ચાલી રહેલા શૂટિંગમાંથી એક બહુ જ જાણીતા ડાયરેક્ટર અને એક અતિ લોકપ્રિય અભિનેત્રી આવીને બેસ્ટ કપલનું સિલેકશન કરવાના હતા.એ બેઉને જોવા માટે પણ આતુર-ઉત્સુક પ્રેક્ષકો અધીર અધીર થઇ રહ્યા હતા.
એ બેઉની સાથે એક ત્રીજી વ્યક્તિ પણ આ સિલેકશન માટેની કમિટીમાં હતી, જે સમાજના જાણીતા અને લોકપ્રિય પ્રમુખ હતા. બેસ્ટ વાનગી માટે શહેરની ત્રણ મોટી હોટલોના અનુભવી માલિકો આવ્યા હતા. તેમાં એક મહિલા માલિક પણ હતી. આ બેઉ સિલેકશન કમિટીઓ ફરવા લાગી અને ત્રણ ચાર કલાકોના ભ્રમણ-પરિભ્રમણ કરી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરવા તૈયાર થયા.વાનગી કમિટીએ શ્રેષ્ઠ મીઠી વાનગી તરીકે માલપૂઆ બનાવનાર બનાવનાર એક બહેનનું નામ જાહેર કર્યું અને ઉત્તમ ફરસાણ બનાવવા માટે તમતમતી ભેળ- પૂરી બનાવનાર બહેનનું નામ જાહેર કર્યું.
શ્રેષ્ઠ કપલના સિલેકશન માટે સમાજના પ્રમુખ અને અભિનેત્રીનો અભિપ્રાય એક નવા જ પરણેલા સુંદર દેખાવડા યુગલની તરફેણમાં હતો, જયારે ડાયરેક્ટરના મતાનુસાર એક બીજું કપલ મૂવીના કપલ જેવું ફ્રી અને આઝાદ-બિન્ધાસ લાગવાથી બેસ્ટ કપલ લાગતું હતું. સમાજના પ્રમુખે સમજાવ્યું કે, અભિનેત્રીએ પસંદ કરેલું કપલ બેસ્ટ કપલ છે કારણ કે સમાજની અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતુ બેઉનું વસ્ત્રપરિધાન તેમ જ ગુજરાતનું અમી ટપકાવતું સંસ્કારી શાલીન વર્તન તેમને જ શ્રેષ્ઠ કપલ તરીકે સાબિત કરે છે. એ જ કપલને પારિતોષિકમળવું જોઈએ. ડાયરેક્ટર માની ગયા અને બેસ્ટ કપલનું નામ જાહેર થતા જ તાળીઓના જોરદાર ગડગડાટે એ ગુજરાતની અસ્મિતાને શોભાવતા કપલને હાર્દિક અભિનંદન આપ્યા.એ યુગલ શરમાતું શરમાતું સ્ટેજ પર બેસ્ટ કપલનું પારિતોષિક લેવા આવ્યું તો એક બીજા પ્રતિસ્પર્ધી કપલનો જોરદાર વિરોધ જાહેર થયો.પક્ષપાત થયાનો આક્ષેપ પ્રમુખ પર મૂકવામાં આવ્યો.
ત્યારે એ વિજેતા કપલ તરફથી વિનમ્ર ઘોષણા કરવામાં આવી કે અમે તો મનોમન એક બીજાને પસંદ કરી માતાપિતાની રાજીખુશી સાથે પરણ્યા છીએ એટલે અમને આ બેસ્ટ કપલનું ઇનામ મેળવવાની ન ઇચ્છા છે કે ન તેનું કોઈ આકર્ષણ પણ છે.અમે તો આ પ્રતિસ્પર્દ્ધા માટે તૈયાર થઈને આવ્યા પણ નથી. અમે તો ગુજરાતનો અને ગુજરાતીપણાનો ભરપૂર આનંદ અનુભવવા અને માણવા માટે જ આવ્યા છીએ. અમારી વિનંતિ છે કે આ બીજા કપલને જ બેસ્ટ કપલનું પારિતોષિક સાદર આપવામાં આવે. અમે આ હરીફાઈ માટે ન તો આવ્યા છીએ કે ન અમને આ પરીતોષિકમાં કોઈ રસ પણ છે. અમે સ્વેચ્છાએ આ સ્પર્ધામાંથી ખસી જઈએ છીએ એટલે આ બીજા કપલને જ બેસ્ટ કપલનું ઇનામ જાહેર કરો અને તેમને ખુશ કરો.
તેમની આ ખેલદિલીથી સહુ કોઈ પ્રસન્ન અને પ્રભાવિત થયા તેમ જ મનથી તો સહુએ આ ત્યાગી કપલને જ શ્રેષ્ઠ કપલ સ્વીકાર્યા.
એ જ સમયે શ્રાવણી અમીછાંટણા એ કપલને વધાવવા લાગ્યા. વિરોધાભાસ જોવા જેવો હતો કે, ફાયનલ વિજેતા જાહેર થયેલ કપલ વરસાદથી સુરક્ષિત અને મુક્ત એવા સ્ટેજ પર પારિતોષિક લેવા માટે અધીર અને ઉતાવળા થઇ રહ્યા હતા.
(સત્યકથા)
