STORYMIRROR

Daxa Ramesh

Drama Inspirational

3  

Daxa Ramesh

Drama Inspirational

બે ગર્લફ્રેન્ડ

બે ગર્લફ્રેન્ડ

2 mins
15.1K


નિસર્ગના લગ્નની તૈયારીનો ઠાઠમાઠ કંઈક ઓર જ હતો. કેમ ન હોય?? એક તો ફોરેન રિટર્ન છોકરો અને ખાનદાની રઈશ લોકો. ઈશ્વર આપે એને છુટા હાથે આપી દે છે એમ, નિસર્ગનું મોસાળ પણ, માલદાર પાર્ટી હતી અને દસ વર્ષથી નિસર્ગ અમેરિકામાં, મોસાળમાં નાની જોડે જ સેટ થયો હતો.

નિસર્ગના લગ્નમાં, સૌ કોઈને ઉમળકો હતો. વરરાજાની બેન, માસી તો હોય, પણ વરરાજાની ફોઈ નો લટકો તો જોવા જેવો હતો અને વરમા, નિસર્ગની મમ્મીનો હરખ ક્યાંય મ્હાતો નહોતો. પણ, આમાં એક પ્રોબ્લેમ હતો.

નિસર્ગના દાદી અને નાની, બન્ને વચ્ચે રીતસરની કોલ્ડવોર છેડાઈ ચુકી હતી. નિસર્ગના લગ્નની ધામધૂમ, કુટુંબના મોભા મુજબ કે મોસાળ ના માભા મુજબ?

નિસર્ગના દાદી કહે, "મારો પૌત્ર આમ જ કરશે !"

તો નિસર્ગની નાની કહે, "ના, મારો દોહીત્ર, એમ નહિ કરે !"

નિસર્ગ તો દાદી અને નાની, બન્નેનો ખૂબ લાડલો હતો !!

મંડપ રોપણથી માંડીને, પીઠી, મામેરું અને સાંજીની રમઝટ હતી કે દાંડીયારાસ, બધાએ મોજ કરી, પણ નિસર્ગની નાની અને દાદી ?? ઉ..ઉ..ફ !!

નિસર્ગના માસી અને મામી, નાનીને સમજાવે કે "આપણે અહીં ન બોલાય!"

પણ, એમ માને તો નાની શાની??

આમ નાનીમોટી હુંસાતુંન્સી વચ્ચે, લગ્નની રીતિ રસમ ચાલતાં હતાં.

સવારે નિસર્ગ, દુલ્હો બન્યો કે તરત જ દાદી અને નાની, તૈયાર!! બન્ને વરરાજા સાથે જ, વરરાજાની ગાડીમાં બેસવા માટે તૈયાર! એમાં વરરાજાની બેન કે ફ્રેન્ડઝનો તો વારો જ ક્યાંથી આવે? એમાં ય હજુ લુણ ઉતારવાવાળી, એક નાનકડી છોકરી પણ તૈયાર હતી !!

નિસર્ગની મમ્મીએ વરરાજાને પોંખ્યો અને તરત જ દાદી અને નાની હાજર!

બધા હાજર રહેલા, જાનૈયા અને જાનડિયું જોઈ રહ્યું.. વરરાજા ઠાઠથી નીકળ્યા અને તાજેતાજા મઘમઘતાં ફૂલોથી શણગારેલી, ખુલ્લી ગાડીમાં દુલ્હેરાજા બેઠાં અને બાકી બધાને હાથ જોડી માફી માંગતા નિસર્ગ બોલ્યો,

"સોરી, હો મારા વ્હાલા દોસ્તો!! આજે મારી જોડે કારમાં મારી બે ગર્લફ્રેન્ડ મારી સાથે જ બેસશે, એના વગર હું, લગ્નના માંડવે નહિ જઈ શકું!

અને, બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે, નિસર્ગે હાથ પકડીને એકપછી એક બન્નેને બેસાડીને વચ્ચે બેસી ગયો.બધા જોઈ રહ્યા!!

"એક ફોરેન રિટર્ન" યુવાન નિસર્ગનો નિર્વ્યાજ પ્રેમ!!ઘણીવાર, આ જમાનો બગડ્યો જ છે એમ બોલવામાં આવા યુવાન અપવાદરૂપ બની જાય છે. લોકો હસી રહ્યા.. નિસર્ગની ફ્રેન્ડઝ ને જોઈને!

અને બન્ને ફ્રેન્ડ નો તો હરખ મા'તો નહોતો. બત્રીસી પહેરેલા મોં મલકાઈ રહ્યા હતાં!

અફ કોર્સ!! એક દાદી અને બીજી નાની!! એ જ તો હતી, નાનપણથી હજુ સુધીની, બે ગર્લફ્રેન્ડ્સ નિસર્ગની!


Rate this content
Log in

Similar gujarati story from Drama