બાપ
બાપ
બ્રિગેડિયર સુરજીતસિંગને ત્યાં બેવડી ખુશીની પાર્ટી ચાલતી હતી. એક તો બ્રિગેડિયરના પ્રમોશનની ખુશી અને બીજી મોટી ખુશી તે ઇશ્વરે મોડા મોડા પણ સંતાનરત્ન બક્ષ્યું. દીકરાના ચોથા જન્મદિવસની શાનદાર પાર્ટીમાં મહેમાનો સાથે આનંદની છોળ ઉડતી હતી.
એટેન્ડન્ટ પ્રતાપ મહેમાનોની આગતા-સ્વાગતામાં વ્યસ્ત હતો તો પણ થોડી થોડી વારે એના મનમાં એક કડવો વિચાર ફરકી જતો.
"આ નસીબની બલિહારી તો જુઓ. આ મોટા માણસના નખરાં અને અમ ગરીબને તો વિચારવાનાય વાંધા.
મારેય રાજુ ચાર વર્ષનો જ છે ને! જોગાનુજોગ બન્નેનો આજ જ જન્મદિવસ પણ બિચારાને એક નાનું રમકડુંય અપાવી નથી શક્યો. અને આ ઘરડે ઘડપણ આવેલા દીકરાનાં લાડ તો જુઓ!"
હંમેશાં પ્રતાપના મનમાં જાણે-અજાણે સરખામણી ચાલતી રહેતી. પહેલાં એ આવો નહોતો. સાહેબને ત્યાં લાંબા સમયથી કામ કરતો. આર્મીમાં પ્રમાણિકતાના શપથ લીધેલા એ બરાબર નિભાવીને પોતાની ફરજ બજાવતો પણ જ્યારથી બ્રિગેડિયરને ત્યાં પુત્રજન્મ થયો ત્યારથી એક બાપ એના પર હાવી થવા લાગ્યો હતો.
આમ જ સમય પસાર થતો રહ્યો. પ્રતાપના મનમાં સાહેબના દીકરાનાં લાડકોડ નાગની જેમ ડંખ મારતાં રહ્યાં.
એક દિવસ આર્મી કેમ્પસની બહાર કામે નીકળેલા પ્રતાપને એક ગાડીએ રોક્યો. અંદર બેઠેલા બે માણસોએ પ્રતાપને રોકીને વાત શરુ કરી.
"તારું નામ પ્રતાપ?”
"હા કેમ?"
"એક નાનું કામ કરવાનું છે."
પછી એક માણસે ધીરે ધીરે પ્રતાપને
સમજાવવાનું ચાલુ કર્યું.
"ના ના સાહેબ, હું એવું ખોટું કામ ન કરું."
"તારે તારા રાજુને સુખ સાહ્યબીમાં ઉછેરવો નથી?"
"હા પણ, આ કામ.."
"અમારે બીજું ક્યાં કંઈ જોઇએ છે! બસ, તું કાલે સાહેબના કુંવરને ફરવા અહીં લેતો આવજે.અમારે જે આર્મીના અગત્યના ગુપ્ત દસ્તાવેજ જોઇએ છે એ સાહેબ દીકરાની જિંદગીના બદલામાં અમને આપી દે એટલે કુંવર પાછો લઈ જજે. બદલામાં તને અમારા બોસ જિંદગીભર ખૂટશે નહીં એટલા રુપિયા આપશે. આમાં કોઇને નુકસાન નથી."
એ રાતે પ્રતાપ રાજુ પરથી નજર ન ખસેડી શક્યો. મનોમંથનમાં જ સવાર પડી. પ્રતાપ બતાવેલી જગ્યાએ પહોંચી ગયો.
લગભગ બપોરે બ્રિગેડિયરને ધમકીભર્યો ફોન આવ્યો અને સાહેબ આગબબૂલા થઈ ગયા એ જોઇને વાત સાંભળતો પ્રતાપ એમની નજીક આવ્યો.
"સાહેબ, હું એમનું ઠેકાણું જાણું છું. તમે છુપો હુમલો કરીને એમને પકડી લો. દેશને બરબાદ કરવાની એમની મેલી દાનત બર ન આવવા દેવાય."
"પણ પ્રતાપ, એ લોકો કુંવરને લઈ ગયા છે. ક્યાંક એ કુમળા જીવને કંઈ..”
અને સુરજીતના મગજમાં એક તિખારો ઉડ્યો.
“પણ પ્રતાપ, ફોનમાં સામે કોણ હતું? એણે શું વાત કરી? જેની સાથે કરી એ તને તો સંભળાઈ ન હોય. તો તને કેવી રીતે સમજાઈ ગયું કે શું બની ગયું છે!
ક્યાંક તું તો..”
અને પ્રતાપ ભાંગી પડ્યો. સુરજીતના પગ પકડીને એના આંસુ શબ્દો બનીને વહી નીકળ્યા.
"ઓહ! સાહેબ, તમારાથી કાંઈ નહીં છુપાવું. અભાવમાં જીવતો આ બાપ પુત્રપ્રેમમાં થોડી વાર ધૃતરાષ્ટ્ર બની ગયો હતો. જાણે-અજાણે સાવ સરખી ઉંમરના કુંવર અને રાજુની પરિસ્થિતિની પળ પળની સરખામણીએ મને હેવાન બનવા પ્રેરી દીધો. અને હું રાજુને સુખના ઝુલે ઝુલાવવાના ઝનૂનમાં ન કરવાનું કરી આવ્યો.”
પ્રતાપે બધી સાચી વાત જણાવી દીધી પછી હાથ જોડીને કહ્યું,
"પણ સાહેબ, ચિંતા ન કરો. કુંવર હેમખેમ એના રુમમાં છે."
"તો? પ્રતાપ પહેલી ન બુઝાવ. સ્પષ્ટ બોલ. તો એ લોકો કોને કુંવર સમજીને લઈ ગયા?"
“સાહેબ , દુશ્મન સાથે હાથ મિલાવીને પૈસાના સપનાં જોતો ઘેર પહોંચ્યો ત્યારે રાજુની મા પડોશણ સાથે વાત કરતી હતી.”
“હવે તો ક્યાંય સલામતી નથી રહી બોલો. કોઇને અંતરાત્મા જેવી વસ્તુ જ નથી રહી. રોજ પેપરમાં મોટા મોટા લોકોના દેશ સાથે દગો કરવાના સમાચાર વાંચીને એમ થાય કે પોતાના જ લોકો દેશને લૂંટે તો દુશ્મનની શું જરુર!
અરે! ચોર પણ ચાર ઘર છોડે. પણ હવે તો બધાએ નીતિ નેવે જ મુકી છે. સારું છે હજી રાજુના બાપુમાં પ્રમાણિકતા કુટી કુટીને ભરી છે. મને ગર્વ છે. રાજુને પણ એવા ઉંચા સંસ્કાર પડશે.”
અને મારા મનમાં એક ટીસ ઉઠી આવી.
“આ હું શું કરીને આવ્યો!”
રાત આખી મનોમંથન ચાલ્યું પણ હવે તો મરણિયા થયા વગર છૂટકો નહોતો એટલે
એ લોકોને મેં ભ્રમમાં રાખ્યા અને મારા રાજુને ફરવા લઈ ગયો. એ લોકો એને તમારો કુંવર સમજીને ઉપાડી ગયા.
દેશ અને મારા સ્વાભિમાન માટે લીધેલા શપથ નિભાવવાનો એક મોકો મને મળ્યો હતો. નહીંતર મારો અંતરાત્મા જિંદગીભર મને કચોટતો રહેત.
ઈશ્વરે મારા પાપની સજા મારા માસુમ રાજુને આપી સાહેબ. જે રાજુને હું સોને મઢવાનાં સપનાં જોતો રહ્યો એ રાજુ કદાચ મને હવે ક્યારેય નહીં મળે. હું લૂંટાઈ ગયો સાહેબ..”
બ્રિગેડિયર સુરજીતસિંગ થોડી પળ ખામોશ થઈ ગયા. કળ વળતાં ચોધાર આંસુએ રડતા પ્રતાપની પીઠ થપથપાવતાં બોલ્યા,
“ઓહ! પ્રતાપ તારી કુરબાની અને દેશભક્તિને સલામ.બાપ તરીકે તું ક્યારેય ખોટો નહોતો. સંતાન માટે જોયેલાં સપનાં પણ ખોટાં નહોતાં. માત્ર ટૂંકો રસ્તો અપનાવતાં તું ગુનાની ખાઇમાં જઈ પડ્યો. પણ તેં દાખવેલી સહ્રદયતા અને બહાદૂરીને એળે નહીં જવા દઉં. હું તારા રાજુને હેમખેમ પાછો લાવવાની ખાતરી આપું છું.”
અને ચોવીસ કલાક ચાલેલા "મિશન રાજુ"ને બ્રિગેડિયરે સફળતાપૂર્વક પાર પાડીને આતંકવાદીઓનો ખાતમો કર્યો. નાનકડો રાજુ સહીસલામત પ્રતાપને સોંપાયો.
બ્રિગેડિયરને બહાદૂરીનો ખિતાબ અને પ્રતાપને પોતાના દીકરાના જીવની પરવા ન કરતાં દેશ સાથે વફાદારી કરવા બદલ એવોર્ડ એનાયત થયો.
બ્રિગેડિયરને ત્યાં બન્ને બાળકોના પાંચમા વર્ષની બેવડી પાર્ટી ચાલી રહી હતી. પ્રતાપ મનોમન ઇશ્વરે પાપમાંથી બચાવ્યાનો આભાર વ્યક્ત કરતાં મહેમાનોની સરભરામાં ખુશ હતો.