અનુરાધા
અનુરાધા
આ એક કાલ્પનિક વાર્તા છે. હજારો વર્ષ પહેલાંની વાત છે. જ્યારે રાજાશાહી હતી. વિંધ્યાચલ વિસ્તાર પાસે આવેલા એક ગામની વાત છે. આ વાર્તા એક સીધીસાદી યુવતી અનુરાધાની છે.
સુંદર શણગાર કરેલી અનુરાધા એક સુંદર ઉપવનમાં આનંદ લેતી હોય છે.. સુંદર સુંદર ફૂલો,છોડવા અને વૃક્ષો જાણે બોલતા ના હોય એ રીતે અનુરાધાને આવકાર આપતાં હોય છે.
એટલામાં થોડા પતંગિયા અનુરાધાની આજુબાજુ ઊડવા માંડ્યા.
' હાય,અનુ... બહુ દિવસે આ ઉપવનમાં.!' એક પતંગિયું બોલ્યું.
હસતા હસતા અનુરાધા બોલી:-" બસ તમને બધાને મલવાનુ મન થયું."
એટલામાં એક પોપટ ઊડતો અનુરાધાના ખભા પર બેસી ગયો.
" હાય..અનુ...આજે તો ખુશખુશાલ દેખાય છે.. મને લાગે છે કે આજે તને કોઈ રાજકુમાર નો ભેટો થવાનો છે... અરે...જો..જો...સામે.... કોઈ સુંદર દેખાતો રાજકુમાર જ આવતો હોય એમ લાગે છે. હું એ રાજકુમાર પાસે જાવ છું... હમણાં ગયો ને હમણાં આવ્યો.'
એમ બોલીને પોપટ ઊડતો ઊડતો એ રાજકુમાર પાસે ગયો.
પોટર બોલ્યો,:-" હાય.. રાજકુમાર...'
પોપટ આગળ બોલે એ પહેલાં એ રાજકુમાર પાસે એક સાપ આવે છે. આ જોઈ ને પોપટ જોરથી અવાજ કરે છે. અનુરાધાનું ધ્યાન એ રાજકુમાર તરફ જાય છે..
પણ..પણ.. એ સાપ.. રાજકુમારને કરડવા એકદમ નજીક આવી જાય છે. રાજકુમાર નું ધ્યાન એ સાપ તરફ નહોતું. એ પોતાની ધૂન માં જતો હોય છે.
આ જોઈ ને અનુરાધા બુમો પાડે છે..... સાપ... સાપ.... સાપ..
ને એ સાથે એક કર્કશ અવાજ અનુરાધા ના કાને પડે છે.
" અરે કલમુઈ..કરમજલી...આ સવાર સવારે સાપ.. સાપ ની બૂમો પાડી ને મને ડરાવે છે. આજે તો અપશુકન થયા..આ કલમુઈ મારી જાન લઈને જ જશે....ઓ... રાજકુમારી તારૂં સ્વપ્ન પુરૂ થયું હોય તો ઉભી થાય. આ જો સૂરજ માથા પર આવી ગયો. આ ગાય, ભેંસ ને ચારો કોણ નાખશે. તારા બાપુ તો મારૂં સાંભળતા નથી. પછી પાણી ભરવા કૂવે જવાનું છે. કપડા વાસણ કોણ કરશે. ને આ તારા બે નાના ભાઈઓને રાખવાના પણ છે.. આ બેઠા બેઠા ખાધા કરે છે. તારી માં તો મરી ગઈ ને મને આ કરમજલી ને સોંપતી ગઈ."
"માં ઊભી થવું છું.બહુ ઉંઘ આવે છે.કાલની થાકી ગયેલી છું...આતો મને સ્વપ્ન આવ્યું હતું... હેં માં સવારે આવેલું સ્વપ્ન સાચું પડે?"
"હવે ઊભી થા.કામ કરવા માંડ..આ સ્વપ્નમાં બીવડાવે છે તો જાગતાં તો મને મારીજ નાંખીશ..હવે તારા જલ્દી લગન લેવા પડશે.."
આ રોજ રોજ ની કકરાડ અનુરાધાની ઓરમાન માતાની.
અનુરાધા એક અઢાર વર્ષની યુવતી હોય છે. અનુરાધા દસ વર્ષ ની હતી ત્યારે એની સગી માં બિમારીમાં મરી ગઈ હોય છે.. અનુરાધા એના બાપુ મોહનભાઈ સાથે એક નાનકડા ગામમાં રહેતી હોય છે.. માં ની બિમારીમાં ઘણો ખર્ચો થયો હોય છે.. અનુરાધાના બાપુએ ગામના એક વેપારી ચમનલાલ પાસેથી ઉછીના લીધા હોય છે.જે નિયમિત ચૂકવી શકતો નથી.
અનુરાધા માં વગરની થતાં એના બાપુ અનુરાધાનું ધ્યાન રાખતો.
ગામના લોકો એ એને બીજું લગ્ન કરવા સમજાવ્યું પણ...
અનુરાધાના બાપુએ ના પાડી.
ગામના વેપારી ચમનલાલ ને એક દીકરી લલિતા.
એ પહેલી જ ચબરાક,અને માથાભારે ગણાતી.
એટલે એની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર થતું નહોતું.
અનુરાધાના બાપુએ એ ચમનલાલનું દેવું બહુ થયું હોય છે.
એટલે એ વેપારી ચમનલાલ એક શરતે દેવું માફ કરે છે.
ચમનલાલ ની માથાભારે દીકરી લલિતાના લગ્ન અનુરાધાના બાપુ મોહનભાઈ સાથે થાય છે...
લલિતા ઘરનું બધું કામ કાજ અનુરાધા પાસે કરાવતી હોય છે.
સમય જતાં લલિતા ને બે પુત્રો થાય છે. એની જવાબદારી પણ અનુરાધા પર નાંખે છે.
એક સમયની વાત છે.
અનુરાધા નાનકડા ગામની પાદરે આવેલા કૂવામાંથી પાણી કાઢતી હોય છે.
એ વખતે એક કોઢી રક્તપિત્ત વાળો બેડોળ માણસ પાણી પીવા માગે છે.
અનુરાધા એ માણસને જુએ છે.
આ ગામમાં નવો આવ્યો લાગે છે. આ ગામના લોકો આને અહીં રહેવા દેશે નહીં.
અનુરાધા ને દયા આવતા એ કોઢી ને પાણી આપે છે.
પુછે છે:-" હે અજાણ્યા મુસાફર,આ ગામમાં નવા આવ્યા લાગો છો?. આપના આવો દેખાવ કેમ?"
કોઢી મુસાફર બોલ્યો:-" હે નાજુક નાર , હું આ ગામમાં નવો છું. મારા આવા દેખાવના કારણે કોઈ મને ગામમાં રહેવા દેતું નથી.. હવે હું આ ગામ પાસેના જંગલ વિસ્તારમાં જતો રહીશ."
આ સાંભળી ને અનુરાધા કંઈ બોલી નહીં...
મનમાં...અરર.. કેવું કહેવાય.. કે.. કારણસર આવું કરૂપ થવાના કારણે..જ... હે... ઈશ્વર... આવા લોકોની મદદ કરજો..
અનુરાધા પાણીનું બેડું ભરીને ઘરે ગઈ.
ઘરમાં આવતા ઓરમાન માતા એ ઘણું ખરું ખોટું સંભળાવ્યું..
રાત્રિના સમયે... અનુરાધાની ઓરમાન માતા એના પિતા ને કહે છે:-" આ જુઓ આખો દિવસ હું કામ કરીને મરી જવું છું..ને તમારી લાડલી અનુરાધા ને તો જલસા છે.. સાંભળ્યું છે કે કૂવાપર પાણી ભરવા જાય છે ત્યારે અજાણ્યા મર્દો સાથે ગપાટા મારે છે... હવે એના લગ્ન કરાવી દો. એટલે હું જવાબદારીમાંથી છૂટું."
અનુરાધાના બાપુ:-" અરે એ નાની ઉંમરની છે... જો તને એમ લાગતું હોય તો કોઈ યોગ્ય યુવાન તું શોધી લાવ."
લલિતાને તો આજ જોઈતું હતું..
બીજા દિવસે સવારે અનુરાધાના બાપુ ખેતરે જાય છે.. ત્યારે...
અનુરાધા ની માતા:-" જો અનુ ,મારી પસંદગીના છોકરા સાથે તારે લગ્ન કરવાના છે.તારા બાપુએ કહ્યું છે... ચાલ આપણે ગામના પાદરે... જે માણસ પહેલો ગામમાં પ્રવેશ કરશે એની સાથે તારે લગ્ન કરવાના રહેશે.. મંજુર છે?"
અનુરાધા હા પાડે છે.. મનમાં બોલે છે.. ભગવાને મારા નસીબમાં જે લખ્યું હશે એજ....થશે...
આમ લલિતા અને અનુરાધા ગામ ના પાદરે જાય છે..
ગામમાં આવતા મુસાફર ની રાહ જુએ છે...
એટલામાં પેલો કુરૂપ રક્તપિત્ત વાળો કોઢી ગામમાં પ્રવેશ કરે છે.
એને જોઈ ને લલિતા ખુશ થાય છે...હાશ...હવે અનુ નામની કાશ ગઈ.
લલિતા:-" જો અનુ મેં કહ્યું હતું ને કે જે પહેલો ગામમાં પ્રવેશ કરશે એની સાથે તારે લગ્ન કરવા પડશે..ને તેં હા પાડી.. હવે ફરી જતી નહીં...તારા નસીબમાં આ જ લખેલું છે."
એ કોઢી પાસે આવતા લલિતા વાક્ચાતુર્યથી એને અનુ સાથે લગ્ન કરવા મજબૂર કરે છે.
લલિતા ગામના પાદરે થોડા મંત્રો બોલી ને અનુના લગ્ન કોઢી સાથે કુદરત અને સૂર્યની સાક્ષી એ કરાવે છે.
લલિતા :-" જો અનુ મારૂં કામ પુરુ થયું.. હવે આ જ તારો પતિ છે.તારે એની સેવા કરવી..અને રાજકુમારી નું સુખ માણવું.. હવે તારે આ ગામ છોડીને બીજે જતું રહેવાનું છે... નહીં તો લોકો મારો વાંક કાઢશે...અનુ તારી માં ની વાત માનીશ ને !"
અનુરાધા મનમાં સમજી જાય છે કે માં ચાલ રમી રહી છે...હવે ઈશ્વરે મારા નસીબમાં દુઃખ લખ્યું હશે તો એને હસતા મુખે ભોગવવાની રહેશે.
અનુરાધા એ કોઢી ને લઈ ને બીજા ગામ તરફ પ્રયાણ કરે છે.
રસ્તામાં અનુરાધા એ કોઢી ની સેવા કરે છે..
અનુરાધા:-" સ્વામી, આપનું નામ શું છે ? આપનું ગામ તેમજ આપના સગા ક્યાં રહે છે ?"
કોઢી-" હે સુંદરી, મારા સગા હવે કોઈ નથી..આવી સ્થિતિમાં સગા પણ સાથ છોડી જાય છે.. આમ તો મારું નામ પ્રિય પ્રકાશ છે.. પણ મને બધા કોઢી કહીને જ બોલાવે છે."
"હે સ્વામી,આપની આ સ્થિતિ જન્મથી જ હતી.કે પછી...?"
"હે સુંદરી, મારૂં આગાઉના જીવન વિશે હું કહેવા માંગતો નથી..પણ આવી સ્થિતિમાં હું થોડા સમય થી છું... વધુ કહેવા માંગતો નથી."
"સારૂં સ્વામી."
આમ બોલીને બંને એક દિવસમાં બીજા ગામ થી ત્રીજા ગામની સીમમાં પહોંચી ગયા. રાત પડવા આવી હતી.
અનુરાધા એ પાંદડા,વેલા, અને ઝાડીઓ ના સહારે રહી શકાય એવી નાનકડી ઝુંપડી જેવું બનાવ્યું..
પાંદડા ની પથારી કરીને એના સ્વામીને સુવડાવી દીધા.
પોતે જમીન પર સુતી.
અડધી રાતે અચાનક અનુરાધાની ઉંઘ ઊડી ગઈ.
એની નજર એના સ્વામી પર પડી.
ઓહ્.. સ્વામીના શરીર પરના ડાઘા ઓછા કેવીરીતે થયા?.
અનુરાધા એ ઊંઘવાનો ઢોંગ કર્યો. પણ નજર એ કોઢી સ્વામી તરફ રાખી..
થોડીવારમાં એક કાળો સાપ ફુતકાર કરતો આવ્યો..
એ કોઢીની આજુબાજુ ફરવા માંડ્યો. ધીરે ધીરે એના પગ પર થતો મુખ પાસે આવ્યો.
અનુરાધા ચીસ પાડવાથી જતી હતી...પણ એનો અવાજ રૂંધાઈ ગયો.
અનુરાધા એ જોયું તો એના સ્વામી પ્રકાશે આંખો ખોલી..
ને એ સાપ ને જોયો. છતાં પણ કાંઈ બોલ્યો નહીં...એ કોઢી એ એનું મુખ ખોલીને પહોળું કર્યું..
હવે એ સાપ પોતાનો આકાર ધીમે ધીમે નાનો કરતો એ કોઢી ના મુખ માં પેસી ગયો..
થોડીવારમાં કોઢી ઘસઘસાટ ઊંઘી ગયો.
અનુરાધાને નવાઈ લાગી..
એ આશ્ચર્ય ચકીત થઈ ગઈ.
એને લાગ્યું માન ના માન આમાં કોઈ રહસ્ય છે...
મારા સ્વામી કોઈ ઘટના ને પરવશ થયા હશે જેથી આવી સ્થિતિમાં આવી ગયા હશે.
બીજા દિવસે રાત્રે અનુરાધા એ માટીના એક વાટકામાં દૂધ ભરીને મુક્યું..
અને સુઈ જવાનો ઢોંગ કર્યો.
કોઢી પ્રકાશ સુતો હોય છે ત્યારે એનું મુખ ખુલ્લું થાય છે..
નાનકડો સાપનો કણો બહાર આવીને ધીમે ધીમે મોટો થાય છે..
સાપ નજીકમાં દૂધ જુએ છે.
એટલે દૂધ પીને શાંત થાય છે...
સવાર પહેલા પાછો પેલો સાપ કોઢીના શરીરમાં જાય છે.
આમને આમ એક મહિના સુધી એ સાપ દૂધ પીને શાંત થતો હોય છે..
અને જંગલના ઝેરી જીવજંતુ ખાતો નથી.
આ કારણે કોઢીના શરીર પરથી કાળાશ થોડી ઓછી થાય છે.
અનુરાધા દરરોજ સવાર સાંજ પોતાના સ્વામીના શરીર ને સાફ કરતી આંસુ સારતી હોય છે.
હવે નાગપંચમીનો દિવસ હોય છે.
અનુરાધા શંકર ભગવાન અને નાગ દેવતાની આરાધના કરીને પોતાના સ્વામી ને આ કષ્ટોમાંથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરે છે.
નાગ દેવતા ને પોતાના ભાઈ માની ને પ્રાર્થના કરે છે.
રાત્રે અનુરાધા માટીના એક મોટા ઘડામાં દૂધ રાખે છે.
રોજની જેમ સાપ શરીરમાંથી બહાર આવે છે..
ઘડામાં રાખેલું દૂધ પીને તૃપ્ત થાય છે.
બસ એજ વખતે અનુરાધા એ સાપ પાસે આવે છે.
પ્રાર્થના કરતી વિનંતી કરે છે.
અનુરાધાની પ્રાર્થના અને એના કાર્યના કારણે સાપ ખુશ થાય છે.
અને એક દિવ્ય માનવ સ્વરૂપ ધારણ કરે છે.
બોલે છે:-" હે પતિવ્રતા દેવી, તારા કાર્ય થી હું પ્રસન્ન થયો છું. એક મહિનાથી તેં મારા માટે વાટકામાં દૂધ રાખ્યું હતું જેના કારણે જીવજંતુ ખાવાની ઈચ્છા રહેતી નહોતી..બોલ દેવી હું તારા પર પ્રસન્ન છું. તેં નાગ દેવતાની પૂજા કરીને ભાઈ માન્યા છે.. એટલે તું પણ મારી બહેન ગણાય.. માંગ માંગ માંગે એ આપું."
આ સાંભળી ને અનુરાધા બોલે છે:-" હે નાગ દેવતા, આપ મારા સ્વામી ને મુક્ત કરો. આપના એમના શરીરમાં જવાના કારણે શરીર કાળું તેમજ કોઢી જેવું થતું જાય છે..હે દેવતા આપ કોણ છો? આપ સામાન્ય સાપ દેખાતા નથી.. મારા સ્વામી કોણ છે? અને આવી સ્થિતિમાં આવવાનું કારણ શું છે?"
એ માનવ બનેલ સાપ બોલ્યો:-"હે પતિવ્રતા નારી, હું એક યક્ષ છું.. અને આ તારો સ્વામી વિંધ્યાચલ પર્વત માળા માં આવેલા અન્નાપુર રાજ્યનો રાજા પ્રિય પ્રકાશ સિંહ છે.
એક વખતની વાત છે. રાજા પ્રિય પ્રકાશ સિંહ પોતાના સૈનિકો સાથે વિંધ્યાચલ ના જંગલ માં આખેટ કરવા ગયા. જોત જોતામાં રાજા સૈનિકોથી ઘણા દૂર નીકળી ગયા.
એ વખતે હું યક્ષ અને મારી પત્ની જંગલમાં સાપ અને સર્પિણી બની ને વિહાર કરતા હતા.
એ વખતે જંગલનું વાતાવરણ જોઈને મારી યક્ષિણી સાપનું રૂપ બદલીને હરણીનું રૂપ લીધું. એટલે હું પણ હરણ બન્યો..
અમે બંને હરણ સ્વરૂપે પ્રણય કરતા હતા ત્યારે આ રાજા પ્રિય પ્રકાશ સિંહ એ અમને જોયા. અને પોતાના બાણનો પ્રહાર અમારી સામે કર્યો.
આ જોતાં જ હરણી એ મને બચાવવા બાણ ની સામે આવી .
બાણ વાગતાં મારી હરણી મૃત્યુ પામી.
આ જોઈને ક્રોધિત થઈને મેં સર્પનું રૂપ ધારણ કર્યું.
રાજાને પોતાના કાર્ય પર પસ્તાવો થયો. મારા શરણે આવીને પોતાની ભૂલો માટે માફી માગવા લાગ્યો."
રાજા બોલ્યો:-" મોત ના બદલે મને મોત આપો."
હું એને કરડવા જ જતો હતો ત્યારે વિચાર્યું કે આમ સામાન્ય મોત અપાય નહીં.જેમ હું પત્ની વગર રહેવાનો છું એમ પત્નીનો વિયોગ શું છે એ ખબર પાડીશ.
હું એને કરડ્યો નહીં ને રાજા ને કહ્યું કે તારી સજા જ એ છે કે હું તારા શરીરમાં પ્રવેશ કરૂં.. રાજા તૈયાર થયો અને સાપનું લઘુ રૂપ ધારણ કરીને રાજાના શરીરમાં રહેલા લાગ્યો જેના કારણે ઝેર એના શરીરમાં પ્રસરવાથી એ કોઢી અને બેડોળ થયો.
રાજા પોતાના રાજ્યમાં કોઢી સ્વરૂપે ગયો પણ કોઈ ઓળખી શક્યું નહીં. મારી મારીને રાજ્ય ની બહાર કાઢી મૂક્યો. રાજા કુરૂપ સ્વરૂપે એક ગામથી બીજે ગામ ભીખ માંગવા જતો. રાત્રે એના શરીરમાંથી હું નીકળીને ઝેરી જીવજંતુ ખાતો જેથી રાજાના શરીરમાં ઝેર પ્રસરતું રહે ને કોઈ આ બેડોળ સાથે લગ્ન કરે નહીં... પણ એક પતિવ્રતા નારી બનીને તેં સેવા કરીને મને પણ ખુશ કર્યો.
હવે હું રાજાને તારા કહેવાથી સ્વતંત્ર કરું છું..
આ સાથે એક મણી આપું છું. જે રોજ સવારે એના શરીરને અડાડતા ઝેર ચુસી લેશે.એક અઠવાડિયા માં બધું ઝેર ઓસરી જતા એ મણી પાછો મારી પાસે આવી જશે. સાથે એક જાદુઈ વસ્ત્ર આપું છું. જેનાથી એના આખા શરીરને લુછવાથી સાત દિવસ માં પુન: સ્વરૂપે આવી જશે.. બહેન તારા ભાઈને માફ કરજે."
આમ બોલીને યક્ષ મણી અને વસ્ત્ર આપીને અદ્રશ્ય થઈ ગયો.
યક્ષના કહ્યા મુજબ કરવાથી સાત દિવસમાં રાજા પુનઃ સ્વરૂપ માં આવી ગયો.
રાજા પ્રિય પ્રકાશ સિંહે પોતાની સાચી ઓળખ અનુરાધા ને આપી. પોતાના રાજ્યમાં અનુરાધા ને લઈ ને જાય છે. જ્યાં રાજમાતા રાજ્ય રાજાને સોંપે છે. રાજા પ્રિય પ્રકાશ સિંહ અનુરાધા ને પોતાની રાણી બનાવે છે.
આમ એક સીધીસાદી યુવતી પોતાના સારા કર્મોના કારણે સારા ફળ પ્રાપ્ત કરે છે.
સાર---
જેવું કરશો એવું પામશો.
જૈસા કરમ કરેગા વૈસા ફલ દેતા ભગવાન, યહ હૈ ગીતા કા જ્ઞાન..
સત્કર્મ ના ફળ હંમેશા શુભ જ સારા જ મલે છે
( कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि।।)
