Bhavna Bhatt

Drama

4  

Bhavna Bhatt

Drama

અંતદ્વંદ્વ

અંતદ્વંદ્વ

6 mins
282


આશિષ ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠો હતો. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલો હતો. આજે એની પત્ની ભારતીની બર્થ-ડે હતી તિથિ પ્રમાણે.

આજે ઉત્તરાયણ પર્વ હતું. તારીખ તો બદલાઈ જતી પણ ભારતી તિથિ પ્રમાણે જ બર્થડે મનાવતી.

હમણાંથી નાની નાની વાતમાં મોઢું ચડાવીને બોલવાનું બંધ કરી દીધું હતું એ એનો સ્વભાવ થઈ ગયો હતો ખબર નહીં પણ ચિડીયાપણું આવી ગયું હતું.

આજે ઉત્તરાયણ હતી એટલે ભારતી વહેલી સવારે જ કામકાજ પરવારી ને નવાપુરા બહુચરાજી દર્શન કરવા નીકળી ગઈ હતી.‌

એમનાં લગ્નને તેત્રીસ વર્ષ થયાં હતાં. અને આટલાં વર્ષોમાં ભારતીને ભક્તિમાં વધારે રસ હતો એ વાત જાણતો હતો.

અને ભારતીને વાર, તહેવાર કે લગ્ન તારીખ કે બર્થડેનાં દિવસે બહુચરાજી દર્શન કરવા જવાનો નિયમ હતો એટલે જ ભારતી ચીઠ્ઠી લખીને ગઈ હતી કે એ નવાપુરા બહુચરાજી દર્શન કરવા જાય છે તો તમારો ચા, નાસ્તો તૈયાર છે એ કરી લેશો.

આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો. એ ઊભો થયો. બાથરૂમમાં જઈને નિત્યકર્મથી પરવારીને થરમોસ માંથી ચા કપમાં ભરીને ડીસમાં નાસ્તો કાઢ્યો અને ચા નાસ્તો પતાવીને ગેલેરીમાં છાપું લઈને બેઠો અને સૂર્ય નારાયણને જોવા આકાશમાં નજર કરી તો આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું કેવું મસ્ત મજાનું વાતાવરણ હતું પણ પોતાના સ્વભાવને લીધે એકલો હતો !

એનાં મનમાં ભાવનાત્મક અંતદ્ધન્દ્ધ ચાલુ થયું એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતાં એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતાં. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.

હમણાંથી તહેવારો કે લગ્ન તારીખ કે ભારતીની બર્થ-ડે દિવસે એ નાની નાની વાતો ને મોટું સ્વરૂપ આપીને ઘરનું વાતાવરણ ડહોળી નાંખતો હતો.

આજે ભારતીનો જન્મ દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. કારણકે જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી.

એ જોઈને પણ એનું દિલ પિગળતુ નહીં.

એ જૂનાં દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એ પહેલાં જેવું બની જાય પણ અહમ છૂટે તો.

એનાં પુરુષ મને દલીલ કરી, દર વખતે વાંક તો ભારતીનો જ હોય છે ને એ ખોટી દલીલો શા માટે કરે છે મારી સાથે ! એને ખબર છે મને મારી રીતે રહેવા જોઈએ છે એ શું નથી જાણતી ?

એ ક્ષણો પાછી આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એણે ઊભા થઈ બારણું ખોલ્યું. 

કામવાળી માયા ઊભી હતી ! બે ઘડી રહીને એ બોલી મેમસાહેબ ક્યાં છે ?

એ તો મંદિરે દર્શન કરવા ગઈ છે પણ આજે બહુ સમય થયો પણ હજુયે આવી નથી.

એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં આશિષ બોલ્યો, શું થયું ?

 માયા કાંઈ જવાબ આપે એ પહેલાં જ મોબાઈલમાં રીંગ વાગી. એણે ફોન ઉપાડીને ‘હેલો !’ કહ્યું.

‘સાહેબ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું બહેરામપુરા પોલીસ ચોકીથી બોલું છું. શું આપ આશિષભાઈ બોલો છો ?

‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ આશિષે જવાબ આપતાં પૂછ્યું.

‘સાહેબ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારાં પત્નિનું નામ ભારતી છે એ આજે એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. બસની અડફેટે આવી જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમનું પાકીટ ( પર્સ ) મળ્યું એ આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. તમને અહીં આવવા વિનંતી છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો કાર્યવાહી ઝડપથી થશે' પોલીસ અધિકારીએ કહ્યું.

'પ પ પરંતુ….! પરંતુ…. મારી પત્ની તો નવાપુરા બહુચરાજી દર્શન કરવા ગઈ હતી અને આ શું થયું ? કેમનું થયું ? કંઈ ભૂલ હોય આપની સાહેબ..'

'આશિષભાઈ હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે ઘટના સ્થળે તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં તમને લેવા માટે મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે કઈ જગ્યાએથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.

આશિષનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી.

'આવું બની જ કેમ શકે ?'

એ આગળ કાંઈ પણ વિચારી ન શકયો. એને ડૂમો ભરાઈ આવ્યો ને એનાથી જોરથી રડી પડાયું.

રડતાં રડતાં એને થયું કે શું પોતાની પત્નિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક હવે નહીં મળે ?

એને રાડો પાડીને માતાજીને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! મારી બધી ભૂલોની માફી માગી લઈશ. મારો પરિવાર જ મારૂં સર્વસ્વ છે અને ભારતી જ મારો જીવ છે. જો માતાજી એને એક મોકો આપે તો એ પોતાના પત્નીને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલી પ્રેમાળ હતી એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખાએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો માતાજી એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પત્નીની સાથે સુખ, શાંતિથી જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે ઘરનાં મંદિર સામે જોયું.

માતાજીને આજીજી કરતાં કહ્યું, ‘હે માતાજી ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ શાંતિથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! માતાજી હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તમને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ.' …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ સોફામાં ઢળી પડ્યો..

બરાબર એ જ વખતે દરવાજે બેલ વાગી ને માયાએ દોડીને બારણું ખોલ્યું.

ને માયા મોટેથી બોલી 'આવી ગયાં મેમસાહેબ..'

 રડવાનું બંધ કરીને આશિષ સફાળો બેઠો થયો. જોયું તો એની પત્ની ઊભી હતી. હજુ તો એ કાંઈ કહે એ પહેલાં જ ભારતી બોલી, ‘અરે સાહેબ ! હું તમને એક વાત કહું આજે મંદિરમાં ગીર્દીમાં મારું પાકીટ ( પર્સ ) એક સ્ત્રીએ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડીને બૂમાબૂમ કરી, પરંતુ એ ભાગવા જતાં પૂરપાટ આવતી બસની અડફેટે આવી ગઈ એટલે મને આવતાં મોડું થયું..

સૉરી સાહેબ ! 

બહું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું ને પાકીટ લોહીવાળું થયું હતું અને લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું એ જોઈને મને કમકમાટી આવી એટલે હું મારું ( પર્સ ) પાકીટ લેવા નાં રોકાઈ અને ચાલતી ઘરે આવી..

આશિષ ફરીથી અવાચક અને પૂતળા જેવો બની ગયો ! બે ક્ષણ પછી એ દોડીને ભારતીને ભેટી પડ્યો ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષનાં કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !

આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ?

આશિષ મનમાં વિચાર કરી રહ્યો અને માતાજીનો આભાર માની રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama