અનોખો પ્રેમ
અનોખો પ્રેમ
મોબાઇલની સ્ક્રીન પર "પ્રેરણા" નામ બ્લીંક થતું જોઈને નિસર્ગની આંખો ચમકી ઉઠી. ચહેરા પર સુરખી છવાઈ ગઈ. આજે ચાર મહિના પછી પ્રેરણાએ ફોન કર્યો હતો. ચાર મહિના પહેલાંની એક સાંજે તેણે ફોન કરીને પૂછેલું- "નિસર્ગ, પાંચ દિવસની ધ્યાન શિબિર છે. હું જોડાઉં?"
- "તારે હવે ક્યાં પહોંચવા વિચાર છે, પ્રેરણા? અલ્ટરનેટીવ થેરાપીના લગભગ બધાં ક્ષેત્રોમાં તેં માસ્ટરી મેળવી લીધી છે. તારી ધ્યાન શિબિરોમાં આવવા લોકો પડાપડી કરે છે. અને તું અન્ય શિબિરમાં જોડાવા જાય છે?" નિસર્ગે થોડી સમજાવટ અને થોડી નારાજગીથી કહ્યું.
પ્રેરણા એક નિષ્ણાંત પ્રાકૃતિક ચિકિત્સક હતી. વૈકલ્પિક સારવાર પદ્ધતિઓમાં તે એટલી નિષ્ણાંત હતી કે દર્દીઓનું વેઇટીંગ-લીસ્ટ મોટું રહેતુંં. નિસર્ગને પ્રેરણાની આવી રીતે ગમે ત્યાંથી, ગમે તેવું "જ્ઞાન" મેળવી લેવાની તલપ ગમતી નહીં. પણ તે પ્રેરણાની ખુશીમાં ખુશ રહેતો.
"આ નવા પ્રકારની 'ઇન્સ્ટન્ટ મેડિટેશન' ની પદ્ધતિ છે. એટલે મને થાય છે કે...."
"ધ્યાન કદી ઇન્સ્ટન્ટ હોઈ શકે જ નહીં" - નિસર્ગે પ્રેરણાની વાત કાપતાં કહ્યું.
"યોગવિદ્યામાં આટલી ઉંડી ઉતરી તે છતાં ....?" નિસર્ગ વધુ નારાજગીથી બોલ્યો.
"નવો અનુભવ, યાર. મને આવું બધું બહુ ગમે છે. પણ તું ના કહીશ તો નહીં જોડાઉં, બસ?" - પ્રેરણા નરમાશથી બોલી.
"ઓકે,લવ. તને ગમે તો એ અનુભવ પણ લઇ જો."
આખરે પ્રેરણા ધાર્યું કરશે જ એવી ખાત્રી સાથે નિસર્ગે કમને હા પાડી.
એ પછી ધ્યાન શિબિર દરમિયાન પણ તેનો એક વાર ફોન આવેલો. શિબિરમાં બે-બે ની જોડી બનેલી. તેમાં તેના પાર્ટનરનું નામ અનંગ હતું. નિસર્ગે એમ જ મજાકમાં કહેલું - "પાછી ધ્યાન રાખજે!! તું એક તો ભોળી છે, વળી અતિ સુંદર છે. અનંગના મોહપાશમાં લપેટાઇ જતી નહીં."
"અરે યાર, એ તો પરણેલો છે અને બે છોકરાનો બાપ છે, તું ચિંતા કર મા." હસતા હસતા પ્રેરણાએ જવાબ આપેલો. બસ, એ હતી નિસર્ગ અને પ્રેરણા વચ્ચેની છેલ્લી વાતચીત. ત્યાર પછી ધ્યાન શિબિરમાં શું પ્રાપ્ત થયું? કેવો અનુભવ રહ્યો? તે અંગે પ્રેરણાએ કદી કોઈ ફોન ન કર્યો. નિસર્ગને તેનું આશ્ચર્ય અને દુઃખ પણ હતું. પરંતુ તે સામેથી પ્રેરણાને ફોન કરી શકે તેવું ન હતું. તે આનંદની પત્ની હતી અને આશુતોષની માતા !! 'પરાઈ સ્ત્રી' બની ગયેલી પોતાની એક વખતની પ્રિયતમાના આવા વ્યવહારથી હવે નિસર્ગ ટેવાઈ ગયો હતો.
આજે ચાર મહિના પછી પ્રેરણાને લાઇન પર જોઈને નિસર્ગે ફોન રિસીવ કર્યો. નિસર્ગ કશું બોલે એ પહેલાં જ સામેથી પ્રેરણાનું રુદન સંભળાયું. તે હૈયાફાટ આક્રંદ કરી રહી હતી.
નિસર્ગને ધ્રાસ્કો પડ્યો. શું થયું હશે? આટલું બધું રુદન? પ્રેરણાના એરેન્જ્ડ મેરેજ હતા. વાસ્તવમાં આ લગ્ન તેણે પોતાના જીવન સાથે કરેલું સમાધાન હતું..........અચાનક ફોન કપાઈ ગયો. કદાચ ઘરે કોઈ આવી ગયું હતું.
અમંગળની આશંકાથી ઘેરાયેલો નિસર્ગ મોબાઈલ બાજુમાં મૂકીને દોઢ દાયકા પહેલાંના ભૂતકાળમાં સરી પડ્યો.
***
અષાઢ અનરાધાર વરસતો હતો. ગગન આખું વસુંધરાને વહાલ કરવા વરસી પડ્યું હતું. શત- સહસ્ત્ર ધારાએ મેહુલો મલ્હાર સંભળાવી રહ્યો હતો. શ્યામલ મેઘઘટાએ આસમાનના શ્વેત- નીલા રંગને ઢાંકી દીધો હતો. મોસમના પહેલા વરસાદનો આસ્વાદ માણી રહેલો નિસર્ગ ધોધમાર વરસાદમાં ભીંજાવાનાં સુખને માણી રહ્યો હતો.
એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના બે બ્લોક પૈકીનો પહેલો જ બ્લોક નિસર્ગનો હતો. અચાનક જ બાજુના બ્લોકમાં રહેતી પ્રેરણા વરસાદી નીરમાં નીતરતી આવી પહોંચી.
પોતાના ઘરના દરવાજા પર તાળું લટકતું જોઈ,નિસર્ગને જ પૂછ્યું-
" મમ્મી તમને ચાવી આપતા ગયા છે?"
નિસર્ગે માથું ધુણાવી ના પાડી. વરસાદની સાથે પવન ફૂંકાતો હોવાથી પ્રેરણા ધ્રુજી રહી હતી. આસપાસમાં બીજું કોઈ હતું નહીં. વરસાદનું જોર વધતું જતું હતું. રસ્તા પર કાંડાબૂડ પાણી ભરાયું હતું. હવે શું કરવું એના વિચારમાં ધ્રુજતી પ્રેરણાને નિસર્ગે કહ્યું-" અંદર જઈને ફ્રેશ થઈ જા. હું બહાર છું."
બે વર્ષથી પડોશમાં જ રહેતા હોવાથી પારિવારિક સંબંધોથી જોડાયેલા નિસર્ગનાં ઘરે જવું કે નહીં, એની અવઢવ અનુભવતી પ્રેરણા ત્યાં જ ઉભી રહી. પણ બીજો છૂટકો ય ન હતો. વરસાદ અનરાધાર હતો. હમણાં તેના મમ્મી શહેરમાંથી આવે, તેવી કોઇ સંભાવના ન હતી. નિસર્ગે બ્લોકનો દરવાજો ખોલી, તેને અંદર જવા આંખોથી જ ઈશારો કર્યો.
પ્રેરણા હજી તો ઘરમાં દાખલ થવા ગઈ, ત્યાં જ વાદળાંના ભયાનક ગડગડાટ સાથે વીજળીનો જોરદાર ચમકારો થયો. સ્ત્રી સહજ ડરથી પ્રેરણા અનાયાસ જ દોડીને નિસર્ગને વળગી પડી.
વર્ષાનુ તાંડવ, પવનના સૂસવાટા, વીજળીના કડાકા, મેઘની ગર્જના, સૂર્યના ઢંકાઈ જવાથી ઘેરાયેલો આછેરો અંધકાર અને અષાઢી મોસમના પહેલા વરસાદમાં ભીંજાઈને નીતરતા બે યુવાન દેહ ચપોચપ ભીંસાયા. શ્વાસ સાથે શ્વાસ ટકરાતા રહ્યા. તનબદનમાં ઉષ્મા પ્રકટી ઉઠી. કોઇ અદ્રશ્ય શક્તિથી ખેંચાતા હોય તેમ બંને ઘરમાં પ્રવેશ્યાં. સ્થળ, કાળ અને સંબંધનું ભાન ભૂલીને બે યુવાન દેહ એકબીજામાં ઓગળી ગયા.
બે કલાક પછી વરસાદનું જોર ઘટયું. વાદળ વિખરાયા ને હળવે હળવે કદમ માંડતી સંધ્યાએ રાત્રી પહેલાનો આછેરો ઉજાસ વહાવ્યો. રસ્તા પર વધેલી ચહલ-પહલ અને વાહનોના અવાજથી બંનેની ભાવ સમાધિ તૂટી ને દેહભાન પાછું આવ્યું. પૂર્ણતા પામ્યાના પરમ સુખથી નીતરતી નેહભરી નજરો પરસ્પર ટકરાઇ અને લજ્જાથી ઝૂકી ગઈ. પ્રેરણાએ પોતાના ભીના વસ્ત્રો ઉષ્માથી તર-બતર દેહ પર ધારણ કર્યા. આંખોથી જ નિસર્ગની વિદાય માગીને દબાતા પગલે દરવાજા બહાર જતી રહી.
સમય સરતો ગયો. પ્રણય પાંગરતો ગયો. પુરુષ અને પ્રકૃતિ જાણે સદાય માટે પરસ્પર સાથે જ રહેવા સર્જાયા હોય એવા ભાવ સાથે આત્મઐક્યને પામી ગયા. જીવન પર્યંત સાથ નિભાવવાના શમણાંમાં રાચતા બન્ને લગ્નબંધનથી જોડાઈને કાયમી સંગાથ ઇચ્છતા હતા. પણ એ સ્વપ્ન પુરું થાય, એ પહેલાં જ એક અઘટિત ઘટનાચક્ર રચાઈ ગયું.
ધંધાના હેતુથી નિસર્ગને મુંબઈ જવાનું ગોઠવાયું. નિસર્ગ માટે મુંબઈ અજાણ્યું શહેર હતું. પ્રથમ વખત જ મુંબઇ જઈ રહેલો નિસર્ગ પ્રેરણાના ખ્યાલોમાં ખોવાઈને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. બોરીવલી સ્ટેશન આવે એ પહેલાં જ એને ખ્યાલ આવ્યો કે નીચે મૂકેલી પોતાની બેગ અને પોતાની હેન્ડબેગ કે જેમાં મોબાઈલ પર્સ, જરૂરી કાગળો, ઓળખ પત્ર અને એડ્રેસ બધું જ હતું તે સઘળું ચોરાઈ ગયું હતું !
બોરીવલી પહોંચતા પહોંચતા તો મોડી રાત થઈ ગઈ હતી. આટલી રાત્રે કોઈને ફોન કરીને પરેશાન કરવાને બદલે નિસર્ગે વિચાર્યું કે પોતે બોરીવલી જ કોઈક સસ્તી હોટેલમાં રાત્રી રોકાણ કરી લેશે. શર્ટના ખિસ્સામાં દોઢેક હજાર રૂપિયા પડ્યા હતા. સ્ટેશનની આસપાસની એક સસ્તી હોટેલમાં તે પહોંચ્યો. પોતાનું આઈ કાર્ડ અને મોબાઇલ તેમજ બેગ ચોરાઈ ગઈ હોવાની વાત કરીને બીજા દિવસે પોતાનું આઈ કાર્ડ મંગાવી લેવાની શરતે રૂમ મેળવી.
ચિંતા અને થાકથી હજી તો તેની આંખ મળી, ત્યાં જ અચાનક જોર જોરથી દરવાજો ખખડ્યો. ઘેન ભરી આંખે તેણે રૂમ નું ડોર ખોલ્યું તો સામે પોલીસ ઉભેલી જોઈ. હજી તો કંઈ સમજે, એ પહેલાં તો હોટેલમાંથી અનૈતિક ધંધા માટે આવેલી રૂપજીવિનીઓની સાથે પકડાયેલા ગ્રાહકોની સાથોસાથ તેને પણ પહેર્યા કપડે જ પોલીસે લોકઅપમાં નાખ્યો. કોઈપણ પ્રકારના ઓળખ પત્ર કે સરસામાન વિનાના એકલા યુવાન ઉપર પોલીસની શંકા વધુ મજબૂત બની. બીજા દિવસે સવારના છાપાઓમાં પકડાયેલા લોકોની યાદીમાં નિસર્ગનું પણ નામ હતું. સાચી- ખોટી સ્ટોરી બનાવીને ટીઆરપી વધારનારા ન્યુઝ રિપોર્ટરોએ પણ ટીવી ન્યૂઝમાં આ સમાચાર ચમકાવ્યા.
નિસર્ગના ઘર- પરિવાર અને આડોશપાડોશ, સગા- સંબંધીઓમાં દાવાનળની જેમ આ સમાચાર ફેલાઈ ગયા. સત્ય ને બદલે સનસનાટીમાં રસ ધરાવનારા સમાજમાં સાચી અને સારી વાત કરતા ખોટી અને ખરાબ વાત વધુ ઝડપથી ફેલાય પણ છે અને સ્વીકારાય પણ છે એ સમજાયું, ત્યાં તો નિસર્ગ ચોતરફની બદનામીથી ઘેરાઈ ચૂક્યો હતો.
કોર્ટમાં અવશ્ય નિર્દોષ છુટવાનો હતો. પરંતુ ત્યાં સુધી તો સૌની અણિયાળી નજરો અને ધારદાર પ્રશ્નોનો તેને સામનો કરવાનો હતો.
બીજું તો જે થયું તે, પરંતુ પ્રેરણાના ઘર-પરિવારમાં નિસર્ગની એક દુર્જન અને દુરાચારી વ્યક્તિ તરીકેની છાપ ઉભી થઇ. તેમના પારિવારિક સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. તેમનું મળવું કાયમને માટે બંધ થયું. પ્રેરણાની મમ્મીને બંને વચ્ચેના મીઠા સબંધોનો અણસાર હતો. તેથી પતિને કહીને તેમણે એક સપ્તાહમાં જ પ્રેરણાને મુંબઈમાં વસતા તેમના મામાના ઘરે વળાવી દીધી. પ્રેરણાને નિસર્ગ પર પૂરો ભરોસો હતો, તેમ છતાં અસમંજમાં અટવાયેલી તે નિસર્ગનો સંપર્ક કરી શકી નહીં. જન્મોજન્મ સાથ નિભાવવાનું વચન આપી ચૂકેલા પ્રેમી પંખીડા વિખુટા પડ્યા. પ્રેરણાના લગ્ન મુંબઈમાં વસતા આનંદ સાથે થયા. આજે પ્રેરણા આનંદ સાથેના દાંપત્યના પરિપાકરૂપે આશુતોષની માતા તરીકેનું સ્થાન ભોગવતી હતી. નિસર્ગે ઋણાનુબંધ પૂરા થયા સમજીને મન મનાવી લીધું.
પ્રેરણાના લગ્ન થઈ ગયા, છતાં ન તો નિસર્ગ તેને ભૂલી શક્યો હતો કે ન પ્રેરણા નિસર્ગને વિસરી શકી હતી. લગ્ન પછીના ચાર- છ મહિનામાં જ બન્નેનો મોબાઈલ દ્વારા સંપર્ક થઈ ચૂક્યો હતો. પરિવાર અને સમાજની નજરોથી બચીને તેઓ બંને એકબીજાના સંપર્કમાં હતા. બન્નેની વચ્ચે કોઇ પ્રત્યક્ષ સંબંધ હતો નહીં. પરંતુ બંને એકબીજાના ઉત્તમ મિત્ર હોવાની ફરજ નિભાવતા હતા. બન્ને એક બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનારા હતા. પ્રેરણાનાં જીવનમાં કોઇપણ સમસ્યા આવે, તો નિસર્ગ અચૂક પણે અદ્રશ્ય રીતે એની સાથે જ હતો એની પ્રેરણાને પણ ખાતરી હતી.
***
એકાદ કલાક પછી ફરી નિસર્ગનો મોબાઇલ રણકયો. રડતાં રડતાં જ પ્રેરણા બોલી રહી હતી-" હું અનંગ વિના નહીં જીવી શકું, નિસર્ગ !"
પ્રેરણાના શબ્દોથી તે હચમચી ગયો. ક્ષણભર તો અવાચક બની ગયો. તે માની જ નહોતો શકતો કે પોતાનો પ્રેમ, આનંદની પત્ની અને આશુતોષની માતા - પ્રેરણા જેવી સ્ત્રી- આમ ત્રણ દિવસના સહવાસમાં સાવ અજાણ્યા એવા પરાયા પુરુષને પામવા માટે આટલી વ્યાકુળતાથી આક્રંદ કરી રહી છે !!
વિચારશૂન્ય થઇને તે બેસી રહ્યો. પ્રેરણા બોલી રહી હતી- "નિસર્ગ, હું સમજુ છું કે તને અત્યંત આઘાત લાગશે. પણ હું મજબૂર છું. હું સમજુ છું કે હું તદ્દન અયોગ્ય અને અનૈતિક પગલું ભરી રહી છું. પણ પ્લીઝ, મને સમજવાની કોશિશ કર. તું મારા જીવનનો આધાર છે. તું મારો પ્રેમી છે, મારો મિત્ર છે, માર્ગદર્શક છે."
નિસર્ગ રડી રહ્યો હતો. પ્રેરણાની કેટલી ઊંચી છબી કંડારી હતી તેણે પોતાના મનમાં!! પોતાની પ્રેરણા, પોતાની જિંદગી, પોતાના પ્રેમની દેવી- અન્ય પુરુષ માટે આટલી તડપી રહી છે? તેના માન્યામાં જ આવતું ન હતું.
બે મિનીટ બંને વચ્ચે મૌન છવાયું. નિસર્ગે કહ્યું -" તું સમજદાર છે, પ્રેરણા. તું મને ભૂલી જા.પણ તારા પતિ- પુત્રનો વિચાર કરીને પાછી વળી જા. તારૂં લગ્ન જીવન બરબાદ થઇ જશે..... પતનના માર્ગે જવામાં હું તને મદદ કરું એવું તું ઇચ્છે છે?"
"તું ગુસ્સે થા, ગાળો દે, પણ સત્ય બદલાવાનું નથી. હું અનંગ વિના નહીં જીવી શકું. મને ખબર નથી કે આ કેમ બન્યું? બસ, બની ગયું. એણે મને હિપ્નોટાઇઝ કરી છે. અથવા આગલા જન્મના અમારાં ઋણાનુબંધથી અમે આમ ફરી મળ્યા છીએ. બસ, મારે તો હવે અનંગ જોઈએ, કાં તો મૃત્યુ ! "
પ્રેરણાના શબ્દે-શબ્દે નિસર્ગનાં કાળજાં પર કરવત ફરી રહી હતી.
" પ્રેરણા, આ બધું તારી ધ્યાન શિબિર વખતથી શરૂ થયું, તો તેં મને છેક આજે- ચાર મહિના પછી- કહ્યું?"
" હા, અત્યાર સુધી બધું સરસ ચાલતું હતું."
" સરસ એટલે? તું એની સાથે કેટલી આગળ વધી છે?"
- " હું એને મારું સર્વસ્વ આપી ચૂકી છું."
- નિસર્ગના હાથમાંથી મોબાઈલ પડી ગયો. મગજ તો શૂન્ય થઈ ગયું હતું, હવે હૃદય બંધ પડી જશે એવું અનુભવતો તે અન્યમનસ્ક થઈને બેસી રહ્યો. મોબાઈલમાંથી હજી પ્રેરણાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. નિસર્ગને પારાવાર ગુસ્સો ચડ્યો. ક્રોધથી ધ્રુજતા હાથે તેણે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો.પણ પછી તે પોતાના જાતને સંભાળી ન શક્યો અને મોટા અવાજે રડી પડ્યો....
"શું આ એ જ પ્રેરણા હતી, જેણે નિસર્ગ માટે સર્વસ્વ ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો?.....
આ એ જ પ્રેરણા હતી, જેણે માતા-પિતાની આબરૂ સાચવવા માટે આનંદ સાથે લગ્ન કર્યા હતા?...
આ એજ પ્રેરણા હતી, જે પતિ અને પુત્રની સાથોસાથ પોતાના પ્રથમ પ્રેમનું સુખ પણ પ્રાર્થતી હતી?"
નિસર્ગનું મસ્તક ઘૂમી રહ્યું હતું. તે પ્રેરણાની જીદને જાણતો હતો. કોઈપણ કારણથી અનંગ તરફ આકર્ષાયેલી પ્રેરણા સારાસારનો વિવેક ચૂકી ગઈ હતી. અનંગ પરણિત હતો. સુંદર પત્ની અને બે સંતાનોનો પિતા હતો. પોતાની ચાહતમાં શું ખામી રહી ગઈ કે પ્રેરણા આ દલદલમાં ફસાઈ ગઈ? હિપ્નોટાઇઝ કર્યાની વાત સાચી હશે કે કેવળ આત્મવંચના? આગલા ભવના ઋણાનુબંધની વાત તો પોતે ય સ્વીકારતો. શું પરપુરુષ તરફના આકર્ષણને યોગ્ય ઠેરવવા માટેના કુટીલ મનના આ ઉધામા તો ન હતા?
પણ પ્રેરણા દોષિત હોઈ શકે ? પોતાને સંપૂર્ણ સમર્પિત પ્રેરણા તો બીજે ક્યાંય લગ્ન કરવા ઈચ્છતી જ ન હતી. સંજોગો વિપરીત ન થયા હોત, તો આજે તે નિસર્ગની પત્ની હોત. નિસર્ગે દર્દ ભર્યો નિ:શ્વાસ નાખ્યો. પ્રેરણાને કેટલો વિશ્વાસ હતો તેના પર, કે કોઈને ન કહી શકાય એવી પોતાના ચરિત્રના પતનની વાત તે નિસર્ગને કહી શકે છે!!
નિસર્ગને લાગ્યું કે પ્રેરણાના પતન માટે ક્યાંક ને ક્યાંક પોતે જ જવાબદાર હતો. પોતે પરિસ્થિતિથી ભાગી છૂટવાને બદલે મક્કમ રહ્યો હોત, તો પ્રેરણાને બીજા સાથે લગ્ન ન કરવા પડ્યા હોત. એક રીતે તો તે પોતે જ બેવફા હતો. એની બેવફાઇનો બદલો જાણ્યે -અજાણ્યે પ્રેરણા દ્વારા બેવફાઇથી જ મળી રહ્યો હતો!!
નિસર્ગ આખરે સાચો પ્રેમી હતો. પ્રેરણા તરફનો તેનો પ્રેમ અપેક્ષારહીત હતો. પ્રાપ્તિ પછીની પૂર્ણતાને આત્મસાત કરી ચૂકેલા બન્ને એક ઉંચાઇ પરથી પરસ્પરને ચાહતા હતા. અંતે પુરુષ તરીકેનો તેનો અહંકાર તેનામાં વસતા પ્રેમી સામે હારી ગયો.
તેણે પ્રેરણાને ફોન લગાડ્યો. કશી ફરિયાદ વિના, સહજ સહાનુભૂતિથી પૂછ્યું- "મારી પાસેથી શું ઈચ્છે છે?"
- "મને વિશ્વાસ હતો નિસર્ગ, કે તું મને સમજી શકીશ અને મદદ પણ કરીશ."
- તે મૌન રહ્યો.
"હું તને અનંગનો નંબર મોકલું છું. એણે મને છોડી દીધી છે. હવે એ મારી પાસે નથી આવતો. એને સમજાવ કે એ મને તરછોડે નહીં."
"ભલે" - તેણે ટૂંકો જવાબ આપીને ફોન બંધ કર્યો.
જગતમાં કોઇ પ્રેમીને એની પ્રિયતમાએ નહીં સોંપ્યું હોય, એવું દુષ્કર કાર્ય નિસર્ગને કરવાનું હતું. અનંગ સુરત રહેતો હતો. નિસર્ગે તેને ફોન લગાડ્યો. અનંગ પાસેથી તેને જાણવા મળ્યું કે પ્રકૃતિ તો એની પાછળ પાગલ થઇ ગઇ હતી. આવી સુંદર સ્ત્રીનો ભરપૂર ઉપયોગ કરી લીધા પછી, તે હવે પોતાના હર્યાભર્યા પરિવારને છોડીને એક પરણેલી સ્ત્રી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો ન હતો. નિસર્ગ સમજી ગયો કે અનંગ અત્યંત લુચ્ચો, કપટી અને લાલચુ છે. તે કોઇ હિપ્નોટીઝ જાણતો નથી. તેણે વાતોથી જ પ્રેરણાને ભરમાવી હતી. માનવ મનને કોણ જાણી શકે? પ્રેરણાનું મન જ કદાચ તેને ભરમાવી રહ્યું હતું. નિસર્ગને થયું કે આવા હીન વૃત્તિના નાલાયક વ્યક્તિને જીવતો ન રહેવા દેવો જોઈએ. પણ આ લંપટ ઠગને બરાબર પાઠ ભણાવવની ઇચ્છાને તેણે દબાવી દેવી પડી. કારણકે પ્રેરણા એનો કોઇ દોષ સ્વીકારવા તૈયાર ન હતી. આખરે ગમે તે રીતે આ ચક્રવ્યુહમાંથી બિચારી પ્રેરણા અને તેના પરિવારને ઉગારવાનો નિસર્ગે સંકલ્પ કર્યો.
પાગલ પ્રેરણાએ પરણ્યા પહેલાના પોતાની સાથેના સંબંધની વાત પણ અનંગને કહી દીધી હતી!! એટલે જ તેણે તો નિસર્ગને આ સ્ત્રીને છોડી દેવાની વણમાગી સલાહ પણ આપી દીધી. નિસર્ગે એને સમજાવવા કોશિશ કરી કે તે ધારે છે એવી ચારિત્રહીન સ્ત્રી પ્રેરણા નથી. એ ખરેખર અનંગને ચાહવા લાગી છે. જો અનંગ તેને તરછોડશે, તો તે આત્મહત્યા કરી લેશે. પોલીસ તપાસમાં મોબાઇલ કોલ ડિટેલ્સમાં અનંગ પણ પકડાઈ જશે એવો ડર પણ બતાવ્યો.
નિસર્ગે તેને સમજાવ્યું કે તે મુંબઇમાં ભાડે રૂમ રાખે અને એની સાથે રહેવાની ઇચ્છા પૂર્ણ કરી, ધીમે ધીમે તેની સાથેનો સંબંધ ઓછો કરતો જાય. તે એવો વ્યવહાર કરે કે પ્રેરણાના મિથ્યા પ્રેમનો અને "આગલા જન્મના સંબંધ" નો બધો ભ્રમ ભાંગી જાય. અનંગે પોતાની આર્થિક મજબૂરી વર્ણવી. નિસર્ગે અનંગના સુરતના ઘરનો ખર્ચ ઉપાડવાની જવાબદારી સ્વીકારી. પ્રતિમાસ એક લાખ રૂપિયા મુજબ પ્રેરણા સાથે રહી, તેને ત્રણ મહિનામાં છોડી દેવાના ત્રણ લાખ રૂપિયામાં સોદો પાર પડ્યો...!
પ્રેરણા ખુશ હતી. દિવસે અનંગ સાથે રહી, સાંજે આનંદના આવ્યા પહેલાં ઘરે પહોંચી જતી. અનંગ પણ ખુશ હતો. આ બધા નાટકથી બેખબર આનંદ પોતાનો પતિ-ધર્મ ખુશીથી નિભાવી રહ્યો હતો. ભીતરથી ભાંગી પડેલો નિસર્ગ નિર્મોહી થઈને જીવ્યે જતો હતો.
ત્રણ મહિનામાં જ પ્રેરણાને છોડીને અનંગ પોતાના પરિવારમાં પાછો ફરી ગયો. પ્રેરણા પણ અનંગના સંમોહનમાંથી બહાર આવી, પરિસ્થિતિ સાથે સમાધાન સાધી, પોતાના ઘર સંસારમાં ગોઠવાઈ ગઈ. નિસર્ગને યાદ કરીને તે એકલી એકલી મુંગું રૂદન કરી લેતી. કારણકે હવે તે ન હતો. નિસર્ગ પોતાની પ્રિયતમાનું લગ્નજીવન બચાવીને અને તેના પરિવારને ઉંડા કળણમાંથી ઉગારીને તેના જીવનમાંથી હંમેશ માટે વિદાય થઇ ગયો હતો...!