અનોખી બોણી
અનોખી બોણી


દિવાળીના બે દિવસ પહેલા અતિસુખરાય એમના પત્ની શકુંતલાને લઈને શોપિંગ માટે એક શાનદાર મોલ માં ગયા. સૌથી પહેલા એમણે ફટાકડાં કોઇપણ જાતનાં ભાવતાલ કર્યા વગર પાંચ હજારના ખરીદ્યા. ત્યારબાદ મીઠાઈ વિભાગમાં જઈ મોંઘી મીઠાઈ ખરીદી. ત્યારબાદ પૂજા માટેનો સામાન અને રંગોળી માટે ના રંગ અને બીબા લીધાં. ત્યારબાદ પેમેન્ટ એમણે ક્રેડીટ કાર્ડથી વટથી કર્યું. અને શોપિંગ થી થાકી ગયેલી પત્નીને લઈને બાજુમાં જ મોંઘા કોફી હાઉસમાં ગયા. અને ૨૦ રૂપિયાની કોફી ૧૦૦ રૂપિયા ચૂકવી ઉપરથી ૨૦ રૂપિયાની ટીપ આપી કોફી હાઉસની બહાર નીકળ્યા. અને ગાડીમાં બેસવા જતા હતાને જ એમની પત્નીને યાદ આવ્યું ; “અરે દીવા કરવા માટે કોડિયા તો રહી ગયા ? ”
અને એ ફૂટપાથની ધારે બેસી ને ધંધો કરતાં રાજુ પર પડી. શકુંતલા બેન રાજુ પાસે ગયા , રાજુ પાથરણા પર દીવા ફુગ્ગા રમકડાં પાથરીને બેઠેલો હતો. આંખમાં લાચારી અને પેટમાં ભૂખ અને ગળામાં તરસ વર્તાતી હતી. સાંજ થવા આવી હોવા છતાં એક પણ ઘરાક આવ્યો નહોતો. ભાવ પૂછીને ચાલ્યા જતાં હતા. શકુંતલા બેને પણ દીવાનો ભાવ જ પૂછ્યો. રાજુ એ કહ્યું , “ ૧૦ રુપિયા ના ૬ નંગ,બેન. લઈ જાવ અને બોણી કરાવો “
“ અરે આટલા મોંઘા ? લુંટવા જ બેઠો છું ? વ્યાજબી બોલ. માટીના દીવડાની આટલી કિંમત હોય ? “
“અરે બેન બિલકુલ વ્યાજબી ભાવ જ છે. જુઓને આજકાલ શહેર વિસ્તારમાં માટી જ ક્યાં મળે છે ? અને મુશ્કેલીથી મળે છે ત્યારે એને બનાવવાની પણ મહેનત કરવી પડે છે બેન. આમ પણ મીણબત્તી અને વીજળીથી ચાલતા તોરણો ને કારણે બહુ થોડા લોકો આ માટીના કોડિયા ખરીદે છે. બેન લઇ જાવ બોણી કરાવો.
ઘરે મા બીમાર છે અને બેન ભૂખી છે. બાપ દારૂડિયો છે. બોણી કરાવો બેન “
“ ચાલ ખાલી ખાલી ઢોંગ નહી કર...૧૦ રૂપિયા ના દસ આપવા છે ? અને આ જો તારા કોડિયા એક પણ સાઈઝમાં સરખું છે “
“બેન , અમે હાથ થી કોડિયા બનાવીએ છીએ અમારી પાસે મશીન નથી, એટલે સાઈઝમાં ફેર છે. બેન તમને હું હાથ જોડું છું લઇ ને બોણી કરાવો નહી ઘરે બાપ મને મારશે..” એટલામાં અતિસુખરાય આવ્યા અને કહ્યું , ચાલ આ લોકો લુંટે છે હું તને ઘરે જઈને ઓનલાઈનથી હેન્ડલુમ હાઉસમાંથી મંગાવી આપીશ”
અને એણે ૫ રૂપિયા નો સિક્કો ફેંક્યો ;” લે કટિંગ ચા પી લે જે “
રાજુ એ સિક્કો ઊંચકી પાછો આપ્યો ને કહ્યું , શેઠ , ગરીબ જરૂર છું પણ ભિખારી નથી. મહેનત નું જ ખાવું છું. ભલે બોણી નહી થાય”. શકુંતલા બેને છણકો કરી સિક્કો પાછો લઈ ને પર્સમાં મૂકી બોલ્યાં , ગરીબ છે પણ ટણી તો જુઓ....” અને મો મચકોડી આગળ નીકળી ગયા. રાજુ એ વિચાર્યું કે હે ભગવાન તું જ નક્કી કર ખરેખર કોણ ગરીબ નીકળ્યું ? અને ફરી નવા ઘરાકની વાટ જોવા લાગ્યો. એણે હાથમાં વાંસળી લઈ વગાડવા લાગ્યો જેથી એની વાંસળી વેચાઈ. પછી ફુગ્ગા ને ઘસી ને અવાજ કરવા લાગ્યો કે એનો અવાજ સાંભળી કોઈ ઘરાક આવે.
એટલામાં એક ગરીબ સ્ત્રી માથામાં ટોપલામાં સામાન મૂકી ને હાથમાં એના બાળકની આંગળી પકડી ને આવતી દેખાઈ. પરસેવાથી એ રેબઝેબ હતી. બાળક એની પાછળ ઘસડાતું હતું. અને એણે જેવો ફુગ્ગો જોયો કે મા ની આગળી છોડી રાજુ પાસે દોડી આવ્યો અને ફુગ્ગો લેવા માટે જીદ કરવા લાગ્યો. રાજુની આંખમાં ચમક આવી ચાલો બોણી થશે. પણ મજુરણ સ્ત્રી એ પહેલા સમજાવી ને કહ્યું “ ચાલ બેટા આપણા થી આજે નહી લેવાશે કાલે ચોક્કસ અપાવીશ.” પણ બાળક તો જીદે ભરાઈ ગયો ને જમીન પર બેસી રડવા લાગ્યો ને જીદ કરવા લાગ્યો કે બસ ફુગ્ગો અપાવ જ હવે એની મા નો મજબુરીવશ ચહેરો ગુસ્સામાં પલટાયો અને જોરથી એક તમાચો ગાલ પર ચોડી દીધો. બાળક જોર જોર થી રડવા લાગ્યો. એટલે એણે ઘાંટો પાડી ચિલ્લાઈ , “ આજે આખો દિવસની મજુરી કરી તો પણ મુકાદમે નાની અમસ્તી ભૂલ કાઢી આખા દિવસનો રોજ કાપી નાખ્યો. ક્યાંથી પૈસા લાવ ?” અને એ પોતે પણ રડવા લાગી. રાજુ ઉભો થયો એણે એક ફુગ્ગો અને એક વાંસળી એણે પેલા રડતા બાળકને અને એની મા ને એક ૩ કોડિયા આપી દીધા.અને કહ્યું મા દિવાળી તો બે દિવસ પછી છે પણ મારી દિવાળી તો આજે થઇ ગઈ...જો તારા દીકરાનું મો જો કેવો હસતો રમતો થઇ ગયો..જાણે એના મો પર સો દીવા ઝળહળ્યા..અને મા એને આશીર્વાદ આપી ચાલી નીકળી ને પેલો બાળક હસતા હસતા આવજો કહી રહ્યો હતો.
રાજુ એ ડાબી બાજુના ગજવામાંથી ફુગ્ગા વાંસળી અને કોડિયા ની કિમતના પૈસા કાઢીને જમણા ગજવામાં મૂકી દીધાં અને ઉપર જોઈ એટલું જ બોલ્યો, આજે અનોખી બોણી કરી. આત્મસંતોષની બોણી કરી..અને લુખ્ખું હસી એ પણ ઘરે જવા નીકળ્યો અને એક ગીત હવામાં ગૂંજ્યું , “ રામ રાખે તેમ રહીએ...ઓધવજી....”