અનંત યાત્રી
અનંત યાત્રી
એની આંખો અંદર ધસી ગઈ હતી.
ઉનાળાની ગરમીમાં એ રાત્રે ધાબા પર સૂતા સૂતા આકાશના તારા જોતો હતો.
ટમટમતા તારલા..ને આઠમ -નોમનો ચંદ્ર..
હા... એનું નામ ધવલ. એ ગમગીન થઇ ગયો, જાણે એને કંઈ ક દુઃખદ બનાવ યાદ આવ્યો હોય !.. એનું મગજ ચકરાવે ચડી ગયું...થોડો સ્વસ્થ થયો.. પાસેની બોટલમાંથી પાણી પીધું. પાછો એ પથારીમાં સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો...
પણ ઊંઘ આવતી નહોતી...
એણે આકાશના ટમટમતા તારલા જોવા માંડ્યા.
એક પછી એક તારા ગણવાનો પ્રયત્ન કર્યો....
એક..બે.. ત્રણ...ચાર.. પાંચ ..
એ અટકી ગયો.. એની નજર આઠમના ચંદ્ર પર પડી.. જાણે એની સામે જોઈ ને હસતો ના હોય ! એને એનું બાળપણ યાદ આવ્યું... ધવલ ને જુની યાદો તાજી થઈ...
'બેટા, આજે શીરો બનાવ્યો છે..તારા પસંદનો..
સ્કૂલ જતા પહેલા રોટલી,શાક, શીરો ખાઈને જજે.
ને હા દાળ ભાત પણ છે.. દાળ થોડી પીવાની..પેટ સાફ રહે..જો.. તારી દાળમાં પણ ઘી નાખ્યું છે...કાલે જ ગામડાનું ઘી આવ્યું છે..'
'માં'બોલતી.. હું હરખાઈ જતો... પ્રેમથી 'માં' એ જમાડીને માથે હાથ ફેરવ્યો... બોલી.. 'તોફાન મસ્તી હવે બંધ કરવાની... મારો ડાહ્યો દીકરો છે ને !.. ને હા.. નાસ્તો પણ તૈયાર છે.. તારો નાસ્તો ડબ્બામાં ભરી દીધો છે.'
'પણ 'માં' નાસ્તો કયો છે?'
'એ જ તારો પસંદનો... વઘારેલા મમરા ને ઝીણી સેવ..કાલે જ સેવ બનાવી છે..'
'પણ 'માં' બીજું.. ગળ્યું... ચોકલેટ છે?'
'ના.. બેટા.. ચોકલેટ બહુ ના ખવાય.. જો ગળ્યામાં સુખડી મૂકી છે.. તને ભાવે છે ને..'
'હા.. માં... સુખડી મલે એટલે ભગવાન મળ્યાં." માં " તું કેટલી સારી છે..'
'મારો રાજા બેટા..'
આ યાદ આવતા એના મુખ પર ચમક આવી..
એ હસ્યો...
સાથે તારા પણ હસતા હોય એમ લાગ્યું. ! ! એના મુખ પરની ચિંતા દૂર થતી હોય એમ લાગ્યું.. પાછું એણે આકાશમાં જોવા માંડ્યું.. અચાનક એક તૂટતાં તારાને જોયો...
એ મનમાં બબડ્યો... માં પણ મને જોતી હોય એમ લાગે છે !... લાગે છે કે એ આશીર્વાદ આપવા માંગે છે... કાલે જ કંપની એ પ્રમોશન આપ્યું છે... માં ના આશીર્વાદ ફળ્યા...
પાછો તારા ગણવા માંડ્યો...
છ....સાત..આઠ..નવ...ને દસ...
ને...
"માં" નો અવાજ સંભળાયો...
'બેટા.. ઉતાવળ કરજે..
હવે નાનો નથી.. હાઈસ્કૂલ માં આવ્યો..
મોટા સાહેબ બનવું છે ને...
મારા રાજા બેટા ને સારી નોકરી મલશે..ને સાહેબ બનશે..'
'હા.. માં... તારૂં સપનું પુરુ કરીશ..
મન લગાવીને ભણીશ..
હવે તારે કહેવું નહીં પડે...
તેં મારા માટે કેટલો ભોગ આપ્યો છે..'
આ યાદ કરે છે ત્યાં..જ... આકાશમાં ફટાકડા ફૂટવાનો અવાજ સંભળાયો...
કદાચ કોઈના લગ્ન ના ફટાકડા ફૂટતા હશે ! !..
એ ચમક્યો...
એને યાદ આવ્યો ..એ દિવસ...
'માં.... મને આ દિવાળીએ બહુ બધા ફટાકડા લાવી આપજે..બહુ મજા આવે છે.. જોવાની ને ફોડવાની..'
'સારૂં બેટા.. પણ હજુ તું નાનો છે.. સાદા ફટાકડા ફોડવાના.. ને હા.. ફોડતી વખતે તારી સાથે મારે રહેવું પડશે...'
'સારૂં માં... પણ ચોક્કસ..લાવજે..'
માં.. કંઈ.. બોલે એ પહેલાં..
બહાર...શેરીના નાકે....રોડ પર બુમરાણ થઈ...
કોમી તોફાન થયું છે...
સાવચેતી રાખજો..
એ પણ આઠમ...કે નોમ..
માં એ રાત્રે માથા પર હાથ ફેરવતા ફેરવતા સુવડાવાનો પ્રયત્ન કર્યો..
હાલરડું સાંભળીને સુઈ ગયો.
અચાનક.. અવાજો સંભળાયા..
જાગ્યો.. તો..
આગ
માથા પર આવી ગઈ..
બુમો પાડી..
માં.. માં...
માં... માં..
ક્યાં છે !..
એટલામાં કોઈ એ ખેંચીને ઘરની બહાર લઈ ગયો...
બહુ બૂમો પાડી...
માં..અંદર હશે...
બચાવો... બચાવો..
લાયબંબા.. આગ ઓલવવા ના પ્રયત્ન કરતા..
ધવલની આંખોમાંથી આંસુ ટપ ટપ પડવા લાગ્યા..
એણે હાથ રૂમાલ કાઢ્યો.
આંસુ લુછ્યા.. ! !.
આ આંસુ કાયમ માટે.. !
ફરીથી એની નજર આકાશમાં ગઈ.
હવે એ ઉત્તર બાજુ જોવા લાગ્યો..
એક ટમ ટમ થતો તારો...
જાણે.. ધ્રુવ ના તારા તરફ જતો હોય એમ લાગ્યું !
માં.. કહેતી હતી..કે..
"ધ્રુવના તારા પાસે વૈકુંઠ છે.. ભગવાન હંમેશા ભક્ત પાસે જ રહે છે...
જ્યારે મારી યાદ આવે તો...
ધ્રુવના તારા તરફ જોવું...
મારા આશીર્વાદ કાયમ તારી સાથે રહેશે.
