Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Rohit Prajapati

Romance Others

5.0  

Rohit Prajapati

Romance Others

અનંત દિશા ભાગ - ૪

અનંત દિશા ભાગ - ૪

6 mins
439


આ વાર્તા એ "અનંત"ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓની છે. ફરી એક વાર અનંતના વિચારોને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે. તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ. છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે !

આપણે જોયું ત્રીજા ભાગમાં કે અનંત અને દિશા ફોન પર ચેટ કરવાનું શરૂ કર્યું અને વિશ્વાનું મહત્વ શું છે અનંતની જીંદગીમાં. હવે આગળ........

અનંતથી આજે સવારમાં વહેલું જાગી જવાયું. મનમાં ફરી દિશા સાથે થયેલી એ ચેટિંગ યાદ આવી અને મન પ્રફુલ્લિત થઈ ઉઠયું ! તરતજ, ગુડ મોર્નીંગ... જય શ્રી કૃષ્ણનો મેસેજ વોટ્સએપ પર કરી નાખ્યો.


હવે થોડું ધ્યાન મારું વિશ્વા તરફ ગયું. વિશ્વા એકની એક દીકરી હતી એના મા-બાપની. ઉંમર પણ એકત્રીસ વર્ષની થઈ હતી. પણ પહેલાથી થોડી વધુ આધ્યાત્મિક એટલે એનું મન બ્રહ્માકુમારી પંથ તરફ વળેલું હતું. અને એટલે જ એણે લગ્ન નહીં કરવા એવું નક્કી કરેલું ! અને એ જ કારણ હતું કે એ જીવનમાં એક્દમ શાંત અને ઠરેલ હતી ! અને એટલે જ એ અનંતને સારી રીતે સમજી શકતી હતી અને અનંતની કાળજી લેતી બની હતી. જીવનનું અંતિમ લક્ષ્ય ભલે બ્રહ્માકુમારી હોય પણ છેલ્લા બે વર્ષથી એની મા બિમાર રહેતી હતી. એટલે વિશ્વા બ્રહ્માકુમારીમાં ઓછું ધ્યાન આપતી અને એની માની ઇચ્છા પુરી કરવા માની સાથે જ રહેતી હતી અને માની ઈચ્છા પ્રમાણે જિંદગી જીવતી.

આમતો હું પણ ઉમરના એક પડાવમાં હતો. મારી ઉમર પણ એકત્રીસ વર્ષની હતી. છતાં લગ્ન નહોતા કર્યા ! કારણ એ જ મારો અનંત ગુસ્સો. એ ગમે ત્યારે ગમે તેને દુ:ખી કરી નાખતો એટલે હું એવા પાત્રની તલાશમાં હતો જે આ ગુસ્સો જીરવે, મને લાગણીઓ આપે અને અનંતમય બની જાય ! જેના સાથથી હું મારા સ્વભાવમાં અને મારા જીવનમાં અમૂલ પરિવર્તન લાવી શકું. ઘણીવાર થાય કે હું કંઈ વધુ આશા તો નથી રાખતો ને ? કંઈ વધારે પડતું તો નથી માંગતોને જીંદગીથી ?

આ બધા વિચારોમાંજ નોકરી જવાનો સમય થવા આવ્યો. ફટાફટ તૈયાર થઈને રોબટીક ની દુનિયામાં જવા નિકળી ગયો.


કંપની પર પહોંચ્યો અને તરતજ કામ પર લાગી ગયો. આમને આમ સમય ક્યાં વીત્યો ખબરજ ના રહી. બસ દિવસો વીતતાં જતાં હતાં અને દિશા વિશે જાણવાની બેકરારી પણ વધતી જતી હતી. શું ખબર, મન શું વિચારી રહ્યું હતું ? પણ જાણે એ અનંતને કહી રહ્યું હતું કે જા એને મળ, તારા જીવનની કોઈ લેતીદેતી એની સાથે જોડાયેલી છે ! એટલેજ કદાચ મન એનામાં પરોવાયેલું રહેતું. હું દરરોજ મેસેજ કરતો કે કદાચ કોઈવાર દિશા સાથે વાત થઈ જાય ! મુલાકાત થઈ જાય ! દરરોજ શોધી શોધીને સારા સુવિચાર મોકલતો.

કદાચ હું ખાસ તો નથી એના માટે,

એટલેજ હું આસપાસ નથી એની,

એટલેજ એ, બેકરારી ના જાણી શકી મારી, 

એટલેજ ખુશ છે એ, એની જિંદગીમાં,

એટલેજ એ યાદ પણ નથી કરતી મને,

હા, હું ખાસ નથી જ એના માટે.

આમને આમ દિવસો જતાં હતાં પણ કોઈ પોઝિટિવ જવાબ નહોતો.

આખરે એક દિવસ શનિવારે હું ઊંઘવાની તૈયારી જ કરતો હતો, ત્યાંજ વોટ્સએપની મેસેજ ટોન વાગી. જોયું તો દિશા.


દિશા: "હાય."

હું: "હાય, કેમ છો ?"

દિશા: "હું એક્દમ મજામાં છું ! તમે કેમ છો ?"

હું: "હું પણ એક્દમ મજામાં. કેટલા દિવસથી તમારી રાહ જોતો હતો." મારાથી બોલાઈ ગયું.

દિશા: "મારી રાહ ? કેમ?? શું થયું ?"

સવાલો જ સવાલો...

હું: "અરે કાંઈ નહીં, રાહ એટલે તમારા જવાબની રાહ. આ તો ગુડ મોર્નિંગ મેસેજ મોકલું એટલે કોઈકોઈ વાર જવાબ આવતો કોઈવાર ના આવતો."

દિશા: "ઓહ ઓકે ઓકે, અનંતજી... બાય ધ વે, તમારા મોકલેલા સુવિચારો ખુબ સરસ હોય છે. આભાર. "

અનંત: "ઓહ, આમ અનંતજી ના કહેશો, અનંત કહો તો ચાલશે. મારા સુવિચાર ગમ્યા એમાં બધું આવી ગયું. એ ખાસ તમારા માટે શોધીને મોકલું છું. આભારની જરૂર નથી."

ફરી બોલવામાં બફાઇ ગયું...

દિશા: "ખાસ મારા માટે ?"

હું: "એટલે નવાનવા એમ, તમને ગમે એવા. તમને ગમ્યું એટલે હું ખુશ."

દિશા: "ઓકે ઓકે... ચાલો મને ઊંઘ આવે છે, હું સુઈ જાઉં."

હું: "હા હા... જય શ્રી કૃષ્ણ, પણ યાદ કરતા રહેજો."

દિશા: "હા ચોક્કસ, તમારી સાથે વાત કરીને સારું લાગ્યું. જય શ્રી કૃષ્ણ."

હું: "હા, મને પણ... બાય..."

"સંબંધો તો એક્દમ ખાસ છે જીવનમાં !

પણ, 

સંબંધો ને સાચવનાર તો શ્વાસ છે જીવનમાં."

વાહ ! વાહ ! અનંત, આજે તો દિશા સાથે વાત થઈ ગઈ. આમજ અનંત જાણે પોતાની સાથે જ વાત કરતો હોય એમ કહી રહ્યો હતો. ખુબ ખુશી હતી, કે આજે વાત થઈ. દિશાના વિચારોમાં ક્યારે ઊંઘ આવી ખબરજ ના રહી. સવારે જેવો ઉઠયો તરતજ વિચાર આવ્યો આજે એક ખાસ મેસેજ વોટ્સએપમાં મોકલું.

"એક રાત એવી પણ આવી જ્યાં વાત થઈ એની સાથે,

એ વાત એવી તો થઈ કે રાહ જોવાઈ સવારની સાથે !

ઉંઘ આખી રાત ના આવી એ વાતોની યાદોની સાથે,

સવારે મોકલાયો મેસેજ એ જ યાદ ના એહસાસ સાથે."


આ મેસેજ સેંડ કરીને શું જવાબ આવે છે એની રાહ જોવામાં લાગી ગયો. ખબર નહી, હું કેમ બદલાઈ રહ્યો હતો ? જે અનંત માટે નોકરી, ઘર, વિશ્વા આ જ મહત્વનું હતું એના મનમાં દિશા માટે પણ એક જગ્યા બની રહી હતી. આજ વિચારોમાં તૈયાર થયો અને ફરી એ જ રૂટીન જિંદગી માટે નીકળી પડ્યો. ગીતો સાંભળતો સાંભળતો મારા કામ તરફ.

આજે એક અંદરથી ખુશી મહેસુસ થતી હતી. હા કાલની વાત, બહુ દિવસે કોઈ નવા વ્યક્તિ સાથે વાત થઈ હતી અને આમપણ પહેલીવાર મળ્યા પછી બીજીવાર ક્યારે મળાશે એ બેકરારી હતી. દિશાની જિંદગીના રહસ્યો જાણવાની જાણે એક જિજ્ઞાસા જાગી હતી. આ એક માનવસહજ કુતૂહલ હતું કે કંઈ ખાસ હતું એ જ સમજમાં નહતું આવતું ! કદાચ કાઇ ખાસ જ એટલે તો વારેવારે મોબાઇલ જોતો હતો. પણ ક્યાય સુધી દિશાનો જવાબ આવ્યો નહોતો. આવી જ અવઢવમાં દિવસ ક્યાં પસાર થઈ ગયો એની ખબરજ ના રહી ! ઘરે આવવા નીકળ્યો તો થયું કે વિશ્વા સાથે જ વાત કરી લઉં. મનની લાગણીઓ શેર કરી લઉં અને તરતજ ફોન જોડ્યો.


વિશ્વા: "હેલો"

હું: "હેલો, કેમ છે ડિયર ?"

વિશ્વા: "હું એક્દમ મસ્ત, તું ડિયર ?"

હું: "હું પણ મસ્ત, આ તો કાલે રાત્રે દિશા સાથે વોટ્સએપમાં વાત થઈ તો થયું તારી સાથે શેર કરું."

વિશ્વા: "અરે વાહ ! મેરા બચ્ચા, શું વાત છે. દિશા સાથે વાત પણ ! શું કહેતી હતી ?"

હું: "કઈ ખાસ નહી, કેમ છો, સારું છે, એવું બધું."

વિશ્વા: "ખુબ સરસ... પણ ડિયર, ધ્યાન રાખજે કોઈવાર એને દુખ થાય એવું ના કરતો !"

હું: "હા ચોક્કસ. હું પ્રયત્ન કરીશ. આવજે... જય શ્રી કૃષ્ણ."

વિશ્વા: "જય શ્રી કૃષ્ણ."

આમ વિશ્વા સાથે વાત પતાવીને ઘરે આવતો હતો, પણ મનમાં ક્યાંક ને ક્યાંક દિશા જ રમતી હતી. એ જ સવાલો સાથે જેના જવાબ શોધવા હવે મારા માટે જરૂરી બનતા જતા હતા. આમને આમ ઘરે પહોંચી રૂટીનમાં જોડાઈ ગયો. રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મેસેજ ટોન વાગી. જોયું તો દિશાનો મેસેજ. એક ખુશી ની લહેર શરીરમાંથી પસાર થઈ ગઈ.

દિશા: "ગુડ મોર્નિંગ! ખુબ સરસ મેસેજ હતો."

હું: "અત્યારે ગુડ મોર્નિંગ ? ખુબ ખુબ આભાર. ખાસ આપના માટે હતો."

દિશા: "હા... મારે તો જાગ્યા ત્યારથી સવાર. આમપણ કામમાં વ્યસ્ત વધુ હોવ છું. પણ શું કહ્યું તમે મારા માટે ? તમે લખેલો હતો. ?"

હું: "લખેલો તો મેં હતો પણ લખાયો તમારા લીધે ! બાકી મારી શું વિસાત !"

દિશા: "હા એ તો જોયું, ખુબ સરસ લખ્યું છે."

હું: "તમને ગમ્યો ?"

દિશા: "હા.. ખૂબજ ! એક્ચુલી બહું દિવસે આટલી સારી રચના જોઈ."

હું: "ખુબ ખુબ આભાર... તમને મોકલું તો વાંધો તો નહીં ને ?"

દિશા: "હા, મોકલજો પણ સમયસર જવાબની અપેક્ષા ના રાખતા ! મારું નક્કી ના હોય."

હું: "હા, ચોક્કસ. સારું ચાલો ઊંઘી જઈએ. નહીં તો કાલે ઉઠાશે નહીં !"

દિશા: "હા.. ગુડનાઈટ."

હું: "જય શ્રી કૃષ્ણ, bye..."

દિશા: "જય શ્રી કૃષ્ણ."

આ વાત પૂરી કરી ફોન મૂક્યો અને ફરી મન વિચારોમાં પરોવાઈ ગયું. એ જ દિશાના વિચારો. આજે તો ખૂબજ યાદગાર દિવસ રહ્યો. વિશ્વા અને દિશા બંને સાથે વાત થઈ અને મન શાંત થયું.

"સાચવી શકીશ આ સંબંધોનો તાર, 

કે તુટી જશે આ સંબંધોનો આધાર !"

ઘણીવાર આમ જ નિરાશા ઘેરી વળતી. એટલે આ વાત મનમાં આવી ગઈ. ક્યારે મને ઊંઘ આવી ખબરજ ના રહી.


**********

શું અનંત દિશાને જીવનના સવાલો પૂછી શકશે ?

ફરી એકવાર જલ્દી મળશું, આ અનંતની અનંત સફરમાં...


ક્રમશ:


Rate this content
Log in