અંગ્રેજી તહેવાર
અંગ્રેજી તહેવાર


સવારે ડાઈનિંગ ટેબલ પર રોજની જેમ ચા-નાસ્તા માટે ભેગા થયેલા પરિવાર વચ્ચે તરલ અને ત્વરાએ જાહેરાત કરી.
“અમે વેલેન્ટાઈન ડે ઉજવવા માટે બે દિવસ ગોવા જવાનાં છીએ.”
પપ્પા-મમ્મીએ ખુશનુમા ચહેરે રજા આપી. અને બીજી જાહેરાત કરી.
“અમે પણ મિત્રો સાથે વેલેન્ટાઈન ડે ઉજવવા ફાર્મ પર નાઈટઆઉટ કરવાનાં છીએ.”
ચારેય જણાં અરસપરસ બહાર જવાની વાતોમાં મશગુલ થઈ ગયાં હતાં.
દાદા નિરાંતે પોતાનો નાસ્તો કરતા રહ્યા. દાદીને સહેજ મનમાં અઘોળાટ થતો હતો,
“આ નવા નવા ફતુર ભારે હોં!
તરલ અને ત્વરા એની મસ્તીમાં અને કેયુર અને ચારુ એના મિત્રોમાં પડી જશે. આ બુઢ્ઢાં શું કરશે એની ચિંતા કોને છે?”
આમ પણ ત્રણ પેઢી ઘરમાં સાથે રહેતી હોય તો દરેક જણે એકબીજાના વિચારોને આવકારવા જોઈએ એવું દાદા કહેતા રહેતા એટલે દાદીએ પોતાના વિચારોને લગામ મારી દીધી.
વેલેન્ટાઈન ડે ની સવાર પડી.
તરલ અને ત્વરા પહેલાં પપ્પા-મમ્મીને વિશ કરવા ગયાં અને પછી દાદા-દાદીને હેપ્પી વેલેન્ટાઈન ડે વિશ કરીને એરપોર્ટ જવા રવાના થયાં.
એકાદ કલાક બાદ કેયુર અને ચારુ મિત્રો સાથે ગાડીમાં નીકળી ગયાં.
આવજો-આવજોના શોરબકોર પછી દાદા-દાદી ખાલી ઘરમાં ગોઠવાયાં.
“જોયું? તમે ભલે કહો પણ ઘરમાં વડીલ છે એની ચિંતા કોઈએ કરી?”
“પ્રેમલતા કેમ આવું વક્ર બોલે છે?”
દાદા સૂર્યપ્રતાપ સમજાવતા બોલ્યા.
“જો પ્રતાપ તમારે જે માનવું કે મને મનાવવું હોય એ ભલે પણ આ અંગ્રેજી તહેવાર અને સંસ્કારોએ દાટ વાળ્યો છે.”
સૂર્યપ્રતાપ બોલ્યા,
“ચાલ પ્રેમલતા આપણે બહાર બગીચામાં હિંચકે બેસીએ.”
પરાણે મન સરખું રાખીને પ્રેમલતા સૂર્યપ્રતાપ સાથે હિંચકે બેઠાં.
“જો સાંભળ જરા મન મોટું રાખીને વિચારીએ તો આપણી વસંતપંચમી જેવો જ તહેવાર છે. એ દિવસે આપણે પીળાં વસ્ત્રો પહેરીને બહાર નથી જતાં?
શરદપૂનમે સફેદ પરિધાનનો મહિમા નથી? આપણા તહેવારોય એવા જ છે ને!”
તોય દાદીને બહુ સંતોષ ન થયો હોય એમ જણાતાં સૂર્યપ્રતાપ હિંચકેથી ઉઠીને ફૂલોના ક્યારા તરફ ગયા.
એક સુંદર લાલ ગુલાબનું ફૂલ લઈને પાછા આવ્યા.
“લે ચાલ આપણેય આજે અંગ્રેજી તહેવાર ઉજવીએ. તનેય અસંતોષ ન રહેવો જોઈએ ને!”
દાદા દાદીના શ્વેતરંગી પાંખા વાળમાં લાલ ગુલાબ સજાવીને કહી રહ્યા હતા,
"અંગ્રેજી તહેવારને દિવસે આપણો પ્રેમ કેવો એ તો કહે!”
દાદીનો ચહેરો શરમમાં ગુલાબી થઈ ગયો.
“શું તમેય આ ઉંમરે!”
“તે તને ખુશ રાખવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. તહેવાર દેશી-વિદેશી ગમે તે હોય,
એ એક જ સંદેશ આપીને જાય છે કે, પોતાનાં માણસોને હંમેશાં ખુશ રાખવાં. અરસપરસ પ્રેમ વહેંચવો. અરસપરસ વિચારોને આવકારવા.”
પ્રેમલતાના રતુંબડા ચહેરા પર એક મજાનું સ્મિત પ્રગટ્યું.
બટવામાંથી પાનનું બીડું કાઢીને દાદાને વ્હાલથી ખવડાવ્યું,
"લ્યો, સૂડીથી કાતરેલું છે. ચાવવામાં ફાવશે. આજે જમવામાં ચારુ મહારાજ પાસે આપણને બેયને ભાવતી પૂરણપોળી બનાવડાવી ગઈ છે.”
અને આગલી પેઢી અંગ્રેજી તહેવારની ઉજવણી માટે બહાર ગયેલી બે પેઢીની હોંશેહોંશે પ્રતિક્ષા કરી રહી હતી.