અમર દેશપ્રેમ
અમર દેશપ્રેમ


બી.એસ.ફ છાવણીમાં બધા સૈનિકો પોત- પોતાની રોજીંદી ક્રિયા પૂરી કરી, બ્રેકફાસ્ટ કરી કરી રહ્યાં છે. આપણાં દેશમાં આ એક જ સ્થળ એવું છે કે જ્યાં અલગ -અલગ જાતિનાં લોકો કોઈપણ ભેદભાવ રાખ્યા વગર ફકત ભારતમાતાનાં રક્ષણ માટે જીવતા હોય એવું લાગી રહ્યું હતું.
આજે બધા સૈનિકોને સેનાનાં વડાએ કોઈ ખાસ આદેશ કે સૂચના આપવા માટે બોલાવ્યા હતા અને બધા એ સવાર ના 9 કલાકે છાવણીનાં મેદાન પર એકઠા થવાનો અગાવ આદેશ મળી ગયો હતો. આથી બધા સૈનિકો બ્રેકફાસ્ટ કરી મેદાન પર એકઠા થવા લાગ્યા.
બરાબર સવારના 9 કલાકે સેનાના વડા આવી પહોંચ્યા, સેનાવડા થોડા ગભરાયેલા હોય તેવું તેના વ્યક્તવય પરથી લાગી રહ્યું હતું. “ તમે જાણો છો કે શા માટે આપણે અત્યારે તાત્કાલિક મિટિંગ બોલાવી ?” - સેનાના વડા એ સૈનિકોને પૂછ્યું.
બધાં સૈનિકોને ખબર હતી કે કોઈ ખાસ સૂચના કે આદેશ અપવા માટે બોલાવ્યા છે પરંતુ કોઈ ચોક્કસ કારણ કોઈને ખબર હતી નહીં.
“ મિત્રો ! ગુપ્તચરોની માહિતી મુજબ આપણાં દેશ પર દુશ્મન દેશ ગમે ત્યારે હુમલો કરે તેવી માહિતી મળેલ છે અને દુશ્મન દેશે હુમલા માટેની સંપુર્ણ તૈયારી કરી લીધી છે.”
“તમે બધા માનસિક અને શારીરિક રીતે તૈયાર અને સાવધ થઈ જાઓ એ ઉદેશ્યથી મેં આ મિટિંગનું ખાસ આયોજન કરેલ હતું.”
સૈનિકોનો આટલી જરૂરી સૂચનાં આપી સેનાના વડા જતા રહ્યાં. બધા સૈનિકો હુમલાની તૈયારી કરવામાં જોડાઇ ગયાં. એક દિવસ વીત્યો,બીજો દિવસ વીત્યો પરંતુ દુશ્મનદેશનાં હુમલાના કોઈ અણસાર આવી રહ્યા હતા નહીં.
મિટિંગનાં બરાબર ત્રીજા દિવસે રાત્રે અચાનક જ દુશ્મનદેશ આપણાં સૈનિકો પર હુમલો બોલી દીધો છતાં પણ આપણા દેશના વીર સૈનિકોએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો પરંતુ કમનસીબે અચાનક જ હુમલો કર્યો હોવાથી આપણાં ઘણાબધા સૈનિકો ઘાયલ થયા અને ભારતમાતા નાં ચાર વિરપુત્રો શહીદ થયાં.
આ લડાઈ સતત ચાર દિવસ ચાલી જેમાં આપણાં દેશના હિંમતવાન સૈનિકોને લીધે દુશ્મન દેશને હારનો સામનો કરવો પડ્યો.
દુશ્મન દેશને લડાઈમાં ધૂળ ચટાડયા બાદ ભારતીય સૈનિકો અને દરેક ભારતીય એ એક રાહતનો શ્વાસ લીધો સાથે પોતાના દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર વીરશહીદો ને હૃદયપૂર્વક અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી.
સવારના 8 કલાકનો સમય હતો બરાબર હુમલો થયાના ત્રીજા દિવસે મેજર તેજપાલસિંહ જયારે બોર્ડર પર રાઉન્ડમાં ગયાં ત્યાં તેનું ધ્યાન અચાનક જ છાવણી થી પાંચ કે સાત કિલોમીટરનાં દૂર દુશ્મન સૈનિકો નાં પડેલા મૃતદેહો પર પડી એ જોતાં એવું લાગી રહયું હતું કે એ લોકો થોડા કલાક પહેલાં જ મૃત્યુને ભેટયા હશે.
આ બધું જોઈ મેજર તેજપાલસિંહ એકદમ વ્યથિત થઈ ગયા અને અનેક પ્રશ્નો તેના મનમાં એકસાથે ઉદભવી રહ્યા હતાં. તે એકદમ વ્યાકુળ અને અસમંજસ અનુભવી રહ્યા હતા કે છેલ્લાં ત્રણ દિવસમાં તો કોઈ હુમલો થયો નથી તો આ દુશ્મનદેશનાં સૈનિકો અહીંયા કેવી રીતે આવ્યા હશે ? શુ ખરેખર હુમલો થયો હશે ? આ બધાં સૈનિકો સામે કોણ લડયું હશે ? … આવા અનેક પ્રશ્નો મેજર તેજાપાલસિંહના મનમાં ઉદભવી રહ્યાં હતાં.
આ વિચારતા - વિચારતા મેજર તેજપાલસિંહનું ધ્યાન જમીન પર પડેલી કોઈક વસ્તુ તરફ આકર્ષાયું ….એ વસ્તુ હતી આપણા સૈનિકો ને આપવામાં આવતી નેમપ્લેટ કે બકલ અને ભારતીય સૈનિકો ના ખભા પર ગર્વથી લગાવામાં આવતું બી.એસ.એફ લખેલ બકલ.
તેજપાલસિંહ ઝડપથી જીપમાંથી ઉતર્યા અને પેલી નેમપ્લેટ ઉઠાવી અને નેમપ્લેટ પર લખેલ નામ વાંચ્યું. નામ વાંચ્યા બાદ મેજર તેજપાલસિંહના આશ્ચર્યચકિત થઈ ગયાં જેના પર નામ લખેલ હતું સુરપાલસિંહ.
મેજર તેજપાલનાં મનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા કારણ કે એને ખબર હતી કે સુરપાલસિંહ તો પાંચ વર્ષ અગાવ આવા જ એક દુશ્મન દેશનાં હુમલામાં વીરગતિને પામ્યાં હતાં. મેજર તેજપાલસિંહ વિચારી રહ્યા હતા કે ખરેખર શું બન્યું હશે ? તે ખુદ પણ પોતાની આંખે જે જોયું તેના પર વિશ્વાસ કરવા માટે અસમર્થ હતાં, મેજર તેજપાલસિંહ એ વિચારોનાં ઊંડા વમળમાં ડૂબી ગયા.
એવામાં અચાનક જ વોકી ટોકી પર મેસેજ આવ્યો કે ગઈ કાલે રાત્રિનાં ત્રણ કલાકે દુશ્મનદેશે હુમલો બોલાવ્યો હતો, અને સેટેલાઇટ સિસ્ટમ અને સી.સી.ટી.વી કેમેરા નું રેકોર્ડિંગ જોતા ખ્યાલ આવ્યો કે આ બધાં દુશમનો સામે ભારતમાતાનો કોઈ એક વિરપુત્ર લોહીલુહાણ હાલતમાં ખુલ્લી છાતીએ સામનો કરી રહ્યો હતો અને દુશ્મનદેશ ના બધાજ સૈનિકો નો ઠાર બોલાવી દીધો એ વિરપુત્ર બીજું કોઈ નહીં પરંતુ એ હતાં. ભારતમાતા નો શૂરવીર પુત્ર સુરપાલસિંહ કે જેણે મૃત્યુ પામ્યા પછી પણ આપણા દેશની સેવા કરવાનું છોડ્યું હતું નહીં. સુરપાલસિંહ જીવ્યાં પણ દેશનાં રક્ષણ ખાતર અને શહીદ પણ થયાં દેશનાં રક્ષણ માટે.
મિત્રો આ તાકાત છે ભારતીય સેનાની અને આવો દેશપ્રેમ છે આપણાં દેશના દરેક સૈનિકના હૃદયમાં. સુરપાલસિંહ અને બીજા બધા ભારતીય સૈનિકોના આવા દેશપ્રેમને સો સો સલામ છે.