અમેરિકામાં કોરેન્ટીન 6
અમેરિકામાં કોરેન્ટીન 6
આજ મારે ભારતથી આવે લગભગ ત્રણ અઠવાડિયા થઇ ગયા. ભારતે આવતી કાલથી બીજું કોરેન્ટીન ચાલુ કર્યું છે 3 મે સુધી. ભારતમાં ફક્ત 12,000 કેસ છે અને 376 ના મૃત્યુ થયા છે, જ્યારે અમેરિકામાં આજની કોરોના થયાની સંખ્યા 608,000 અને મૃત્યુની સંખ્યા 2,576 ની થઇ છે. લોકો હજારોની સંખ્યામાં મરી રહ્યા છે. "મૌતકા ઝહેર હૈ હવાઓંમેં અબ કહા જાકે સાંસ લી જાય." મૌત ચારે તરફથી માણસને ઘેરી રહ્યું છે. કુરાનની એક આયાત છે કે " તું સાત કિલ્લામાં પણ છૂપાઈ જા મૌત તને પકડી લેશે! હા, દરેકનું મૃત્યુ માટે સમય લખાયેલો છે. તો પછી મારે ડરવું જોઈએ? શું મારું મૃત્યુ કોરોનાથી લખાયેલું હશે? મારે કેરફૂલ રહેવું જોઈએ કે નહિ? પણ જો મૃત્યુ લખાયેલું જ હશે તો પછી....પણ આ શરીર ખુદાએ આપેલી અમાનત છે, હું ખુદા તરફથી છું અને ખુદા તરફ પાછી ફરવાની છું. પણ ત્યાં સુધી આ શરીરની હિંમત સાથે સંભાળ લેવાની છે. ડરીને નહિ. હા એમ કરવા છતાં જો મારું ખુદા ને મળવાનું નક્કી હશે તો જેવી એની મરજી! ઘણીવાર મૌત નો ડર કરતા પ્રિયજનોથી જુદા થવાનું અઘરું હોય છે. ડાયરી, આવતી કાલે આપણે બંને વિશ્વ માટે પ્રાર્થના કરીશું, આમ તો હું આખો દિવસ આજ કામ કરું છું, પણ આવતી કાલે તારી સાથે !