Leena Vachhrajani

Drama

4  

Leena Vachhrajani

Drama

અખંડ કટકો

અખંડ કટકો

1 min
277


નાનકડી અંજલી બહુ વિસ્મયપૂર્વક જોઈ રહી હતી. પહેલીવાર એના જન્મદિવસે મા કેક લઈને આવી હતી. 

“શું જોવે છે અંજલી ? તું કહે કરે છે ને કે બધાના જન્મદિવસ ઉજવાય છે અને હું તારો જન્મદિવસ નથી ઉજવતી ! તે આજે પગાર મળ્યો એટલે પહેલી કેક લીધી તેય તને બહુ ભાવતી ચોકલેટ કેક.” હજી અંજલી બહુ નવાઈથી કેક સામે નિરખતી હતી. “લે હવે ચાલ કેક કાપ અને ખાઈ લે. તારા જન્મદિવસે કાંઈ નથી લાવતી એમ ન કહેતી હવે. અને તેં કેક પહેલી વાર જોઈ છે તે આમ જોયા કરે છે ?”

“મા આ કેક છે ?”

“તો શું છે ? કેમ તું પેલાં માનસી શેઠાણી મોકલાવે છે એ કેક નથી ખાતી ? પેલા સારંગશેઠના છોકરાના જન્મદિવસની કેક હું નહોતી લાવી ?”

“હા મા એ કેક મેં ખાધી હતી.પણ..”

“બહુ લપ કરી તેં તો.. પણ શું ?”

“મા એ કેક પરનાં ફૂલ તૂટી ગયાં હતાં. એ કેક તો એક કટકો અને ભૂક્કો એવી હતી અને આ તો જો કેટલી સરસ ગોળ છે ! કેક આવી હોય એ મને ખબર જ નથી. મને એમ કે બધા હું ખાતી હતી એવી જ કેક ખાતા હશે.”

મા એ અંજલીને સોડમાં લીધી.“બેટા એ કેક દાનમાં મળેલી હોય છે અને આ કેક મારી દીકરી માટે એના નસીબમાં લખાયેલી છે.”

ધીરે રહીને મા એ પાંપણ લૂછી. અંજલીએ વટથી કેક કાપી અને અખંડ કટકો ખાધો.


Rate this content
Log in

Similar gujarati story from Drama