'અકાળે મોત'
'અકાળે મોત'


સમીર મધુબેન અને રમણીકભાઈ નો સૌથી લાડલો પુત્ર. ત્રણ ભાઈઓમાં એ સૌથી નાનો હતો. દેખાવમાં ખૂબ જ સુંદર એકવડિયો બાંધો, ઉજળો વાન મોટી મોટી આંખો, હસે તો ગાલમાં ખંજન પડે. કોલેજમાં યુવતીઓ તેની પાછળ ગાંડી બનતી.સમીર પણ ખૂબ જ શોખીન હતો. મમ્મી પપ્પાની આવક સારી હતી. માંગે તેટલા રૂપિયા વાપરવા મળતા. વધારે પડતી સ્વતંત્રતા ધીમે-ધીમે સ્વચ્છંદતામાં પરિણમવા લાગી. પોકેટમની એ વ્યસનમાં વાપરતો. સિગારેટ પીતો, ગુટકા ખાતો. વ્યસન વધવા લાગ્યું, ગુટકા વગર એક મિનિટ પણ ન ચાલે. રાત્રે પણ સાથે જ રાખે. સગા સંબંધી મિત્રો વગેરે વધારે પડતા ગુટકા ખાવાની ના પાડતા. તમાકુવાળાએ ગુટકા બંધ કરવાની તેના મમ્મી-પપ્પા પણ સલાહ આપતા અને કહેતા બેટા, વધારે પડતા તારા આ વ્યસનથી અમને ડર લાગે છે તુ હાથે કરીને બિમારીને નોંતરે છે. તું તારું આ વ્યસન છોડી દે. ત્યારે તે હસી દેતો અને કહેતો તમે નાહકની ચિંતા કરો છો. મને કશું જ થવાનું નથી. એ વધુ લાપરવાહ બનતો જતો હતો. કોઈની સલાહ માનવા તૈયાર ન હતો. આ બધી વસ્તુને તે મોર્ડન ગણતો. સમીર ના મમ્મી પપ્પા હવે તેના લગ્ન કરી દેવા માંગતા હતા. તેણે પોતાની નાતમાં વાત બહાર પાડી. સમીર છોકરીઓ જોવા જતો પરંતુ પસંદ કરતો ન હતો. તેને સુંદર અને મોર્ડન વિચારો ધરાવતી છોકરી જોઇતી હતી. જે તેને બધી જ બાબતમાં કંપની આપે.!
અચાનક સમીર તાવની બિમારીમાં પટકાયો દવા ચાલુ હતી એવામાં તેના મોંમા ગલોફામાં નાની ગાંઠ જેવું નીકળ્યું. તેણે ડોક્ટરને બતાવી દવા લીધી, ધીમે ધીમે તાવ ઉતરી ગયો. પરંતુ તેના મોંમા નીકળેલી ગાંઠ મટતી ન હતી. ફરીથી દવા લીધી છતાં કંઈ ફેર ન પડ્યો. બાદમાં સારા ડોક્ટરને બતાવી લેબોરેટરી ચેક અપ કરાવ્યું. રિપોર્ટ ડોક્ટરે તેને ના આપતા તેના પપ્પાને મોકલવાનું કહ્યું. તેના પપ્પા હોસ્પિટલ ગયા ડોક્ટરે તેને કહ્યું જુઓ સમીરને કેન્સર થયું છે, તેના વધુ પડતા ગુટકાના વ્યસનથી તે આ બીમારીનું ભોગ બન્યો છે. હવે તેને આ બધું બિલકુલ બંધ કરવું પડશે. સમીર ના પપ્પા ને આશ્વાસન આપતા કહ્યું પ્રથમ તબક્કો છે એટલે કદાચ સારું થઈ જશે. પરંતુ કેન્સરનું નામ સાંભળીને જ સમીર ના પપ્પા ના પગ તળેથી જાણે જમીન સરકી રહી હોય તેવું લાગ્યું.! તે મહાપ્રયત્ને પોતાની જાતને સંભાળી શક્યા. ધીમે પગલે ઘરે આવ્યા તેની પત્નીને હિંમત રાખવાનું કહ્યું. અને સઘળી વાત કરી તેની વાત અચાનક ઘરે આવેલો સમીર પણ સાંભળી ગયો.
હવે તેને પોતાની ભૂલ સમજાઇ ગઇ. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. આ બીમારીનું નામ સાંભળી જાણે તેનું નૂર ઊડી ગયું તેની આંખ સામે મોત નાચતું દેખાયું. તે એકદમ ગભરાઈ ગયો પરંતુ હવે તે કશું જ કરી શકે તેમ ન હતો.
સમીર ના મમ્મી પપ્પા સમીર ને કેન્સર ના નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ ગયા. ત્યાં ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ તેનો ચહેરો બિહામણો લાગવા માંડ્યો. હવે તે રડતો ખૂબ પસ્તાતો. પરંતુ લાચાર હતો. ડોક્ટર તથા સગા વાહલા તેને હિંમત આપતા પ્લાસ્ટિક સર્જરી થી ફરી તારો ચહેરો હતો તેઓ સુંદર બની જશે. તેને થોડો દિલાસો મળતો. પરંતુ અંદરથી તે ડરી ગયો હતો.
ઓપરેશન બાદ થોડો સમય સારું થઈ ગયું. તે હવે હરતો ફરતો પરંતુ તેના શરીરમાં જાણે પહેલા જેવી સ્ફૂર્તિ ન હતી. તે ઉદાસ રહેવા લાગ્યો. કોઈ જ વાતમાં તેને હવે રસ ન પડતો. હસવાનું તો જાણે ભૂલી જ ગયો હતો. સમીરના મમ્મી-પપ્પા પણ ઉદાસ બની ગયા હતા. જુવાન દીકરા ની આવી બીમારીથી ક્યા મા-બાપ શાંતિથી જીવી શકે? સમીર ના પપ્પા તો બ્લડપ્રેશરના દર્દી હતા. વધારે ચિંતાથી તેનું બ્લડ પ્રેસર વધી જતું. એક દિવસ અચાનક તેને છાતીમાં દર્દ ઉપડ્યું અને ડોક્ટર આવે એ પહેલા જ પ્રભુને પ્યારા થઈ ગયા.! સમીર અને તેના મમ્મી તથા તેના બંને ભાઈઓ પર જાણે આપ તૂટ્યું. સમીર ની બીમારી અને ઉપરથી પિતાનું અવસાન. હસતા ખેલતા એક કુટુંબ પર જાણે દુઃખના વાદળ છવાઈ ગયા.
પિતાના ક્રિયાકર્મ પતાવી સમીર ના બંને ભાઈઓ પોતપોતાના ધંધે બહાર ગયા. હવે ઘરમાં સમીર તથા તેના મમ્મી બે જ હતા. સમીર હવે ઘરમાં જ રહેતો. બહાર ન નીકળતો. તેનું શરીર ધીમે ધીમે નબળું પડવા લાગ્યું હતું. તેના સ્વપ્નો તો હવે ચૂર થઈ ગયા હતા. અંદરથી મૃત્યુનો ડર તેને કોરી ખાતો. થોડા સમય પછી ફરી તેને પાછળ ગાંઠ દેખાણી. હવે તો બધા જ ગભરાઈ ગયા. ફરી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પણ હવે બધા ચિંતામાં પડી ગયા. હવે કોઈ ઈલાજ પણ શક્ય ન હતો. બીમારી વધી ગઈ હતી. ડોક્ટર સમીરના ભાઈઓને બોલાવી કહ્યું, સોરી હવે અમે સમીરને બચાવી શકીએ તેમ નથી. હવે તે થોડા જ દિવસનો મહેમાન છે. તેને ઘરે લઈ જાઓ અને બને તેટલી સેવા કરો.તેને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરો.
સમીર ને ઘરે લઈ આવ્યા. જાણે હાલતું ચાલતું એક હાડપિંજર.! તે ધીમે ધીમે પોતાની તરફ આવી રહેલા મૃત્યુ ને જોઈ રહેતો. તેના મમ્મી અને તેના ભાઈઓ પણ ધીમે ધીમે મરતા આ યુવાનને લાચાર નજરે જોઇ રહેતા. તે કંઈ જ કરી શકે તેમ ન હતા.
સમીર વિધવા મા સામે જોઈ રહેતો. તેનું દુઃખ સમજી શકતો હતો. તેને થતું હવે જલ્દી મોત આવે તો છુટકારો થાય. છેલ્લા દિવસો ભયાનક બની ગયા. તે સાવ અશક્ત બની ગયો. કંઈ ખોરાક પણ લઈ શકતો ન હતો. એક એક ક્ષણે મૃત્યુનો ડર તેને સતાવતો. દર્દ વધી ગયું હતું. અને એક દિવસ દર્દની તીવ્રતા વધી ગઈ. ઉલટીઓ થવા માંડી. અને છેવટે મૃત્યુ તેને ભરખી ગયું.
( આ એક સત્ય ઘટના છે પાત્રોના નામ બદલ્યા છે. મે એ અકાળે મોત પામતા યુવાનને જોયો છે. એના ચહેરા પર લીંપાયેલા મૃત્યુના ડરને નજરે નિહાળ્યો છે. વધુ પડતા વ્યસનનું આ દર્દનાક પરિણામ છે. તો શા માટે આવા ઉગતા યુવાનો વ્યસનને વળગી રહેતા હશે? )