અહેસાસ
અહેસાસ
આછા ગુલાબી રંગની સાડી પહેરીને પથારીમાં આડા પડેલા ૭૫ વર્ષનો હંસાબેનની નજર જેવી સામે દિવાલ પર લટકતા ઘડિયાળ પડી બરાબર બપોરના સાડા બાર વાગ્યા હતા. વર્ષોથી હંસાબેનનો બપોરે જમવાનો એ જ સમય હતો. પહેલેથી હંસાબેન કામ માં જેટલા ચપળ એટલા જ દરેક કામમાં ચોક્કસ પણ. એમની આખા દિવસની દિનચર્યા નિર્ધારિત સમય પર થતી અને એમાં ક્યારેય કોઈ બાંધછોડ ના થાય. પોતાના આહાર પ્રતિ પણ એ હંમેશા એટલાં જાગૃત રહેતા. પરંતુ હવે સમય બદલાયો હતો. એમનો સમય ધીરે ધીરે અસ્ત થઈ રહ્યો હતો અને ઘરનો બધો જ વહીવટ એમની વહુ સોનલના હાથમાં હતો. આમ તો ૭૫ વર્ષના હંસાબેન અત્યાર સુધી સવારની બધી રસોઈ જાતે જ બનાવતા. એ હોંશે હોંશે પરિવારના બધા સભ્ય ને ધ્યાનમાં રાખીને બધાને અનુકૂળ આવે એવું ભોજન બનાવતા. પરંતુ છેલ્લે થોડા સમયથી એમનું શરીર થોડું કમજોર થઈ ગયું હતું. શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઓછી થઈ જવાને કારણે ડોક્ટરે એમને સંપૂર્ણ આરામ કરવાની સૂચના આપી હતી. બસ ત્યારથી જ તેમનું ખાવા-પીવાનું ટાઈમ ટેબલ બદલાય ગયું હતું કારણકે હવે એ સોનલ ના હાથમાં હતું. જે વ્યક્તિએ પોતાનું આખું જીવન પરિવારના દરેક સભ્યની પસંદ નાપસંદ અનુરૂપ આહાર બનાવવા નું ધ્યાન રાખવામાં પોતાનું જીવન વ્યતિત કર્યું એ જ વ્યક્તિ આજે પોતાની પસંદ-નાપસંદ અને અનુકૂળતા માટે બીજા પર આધારિત થઈ ગયા હતા એ વિચાર એમને ક્યારેય ખૂબ જ પજવતો પણ આખરે એ જ સમયની માંગ હતી અથવા તો તેમની લાચારી કહો. પથારીમાં પડ્યા પડ્યા એમણે ફરી એકવાર પોતાની દ્રષ્ટિ ઘડિયાળ ઉપર નાખી અને પછી મનમાં ઊંડો નિસાસો નીકળી ગયો. બરાબર એક વાગી ગયો હતો અને એમને ખુબ જ ભૂખ લાગી હતી પણ પુત્રવધૂ સામે પોતાની કોઈપણ દુભાતી લાગણી વ્યક્ત કરવાનું એમના સૌમ્ય વ્યક્તિત્વની વિરુદ્ધ હતું. ધીરે-ધીરે એકના દોઢ અને દોઢ ના પોણા બે થઈ ગયા. તેમનું શરીર એટલું કમજોર થઈ ગયું હતું કે પોતે ઊભા થઈને રસોડામાં જઈ શકે એ સ્થિતિમાં પણ ન હતા. થોડીવારમાં દરવાજો ખખડ્યો અને એમની વહુ સોનલ તૈયાર થઈને એકદમ ઉતાવળે હાથમાં થાળી લઈને અંદર પ્રવેશી. થાળીમાં પડેલી બે ઠંડી રોટલીઓ અને પાપડી નું શાક, જે કદાચ ગઈકાલનું વાસી હતું, એ જોઈને નિરાશ થયેલા હંસાબેનથી બોલાઈ જવાયું," બેટા સોનલ ઠંડી અને કડક થયેલી રોટલી મને ચાવવામાં મુશ્કેલી પડે છે અને પાપડીનું શાક બેઠા બેઠા પચાવવું મુશ્કેલ છે. એના કરતાં તો તું મને ખાલી થોડા દાળ ભાત બનાવી આપે તો મને વધુ અનુકૂળ આવે." તેમનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ તો સોનલ છંછેડાઈ ને બોલી," બા, તમે તો રોજ કંઈક ને કંઈક વાંધા વચકા પાડો છો.એક તો દાળ ભાત ઘરમાં કોઈ ખાતું નથી મારે માત્ર તમારા માટે બનાવવા પડે છે. અને વળી આજે મારે મારી મમ્મીના ઘરે કોઈ કામથી જવાનું છે અને એમ પણ મને મોડું થઈ ગયું છે. એટલે જે છે એ જ શાંતિથી ખાઈ લો. મને સાંજે આવતા મોડું થશે." કહીને ત્યાંથી બહાર નીકળી ગઈ. અને આ સિલસિલો તો એમના ઘરમાં લગભગ રોજ ચાલતો.
કમજોર પડી ગયેલા હંસાબેનના ખાવાપીવાના સમયનું ક્યારેય કોઈ ઠેકાણું ન પડતું. સોનલના ગયા પછી હંસાબેન આંખમાં પાણી આવી ગયા અને એમણે જેમ તેમ કરીને ધીરે ધીરે કડક થઈ ગયેલી ઠંડી રોટલી ખાવાનું શરૂ કર્યું. એમના રૂમમાંથી બહાર નીકળીને સોનલ એ પોતાને મમ્મીને ફોન લગાડ્યો અને પૂછ્યું" હલો મમ્મી કેમ છે તારી તબિયત ? સામે છેડે એની મમ્મી એ ખાંસી ખાતા ખાતા ભારી અવાજમાં જવાબ આપ્યો," હું ઠીક છું .તું કેમ છે બેટા ?" પોતાની મમ્મીનો ભારી થયેલો અવાજ સાંભળીને સોનલ એ ચિંતિત સ્વરમાં પૂછ્યું," તારા અવાજ ને શું થયું મમ્મી ? અને તને બોલતા બોલતા ખાંસી પણ કેટલી થાય છે ? તે ડૉક્ટરને બતાવ્યું ? દવા લીધી કે નહીં ?" પોતાની મા પ્રત્યે ચિંતિત થઈને સોનાલી ઉતાવળા અવાજે એક સાથે બધા જ પ્રશ્નો પૂછી નાખ્યા. સામે છેડે મમ્મી એ જવાબ આપ્યો," મારી તબિયત તો ઠીક છે બેટા. બસ આતો હમણાં જ મારા રસોડામાંથી મારી રસોઈ કરીને બહાર નીકળી એટલે થોડું થાકી ગઈ છું. બસ બીજું કંઈ નહીં." સોનલ ને કઈ સમજણ ના પડી. તેણે ફરી પૂછ્યું." તારા રસોડામાંથી તારી રસોઈ ? એટલે તું કહેવા શું માંગે છે ? કેમ ભાભી કશે બહાર ગયા છે ?" મમ્મી જવાબ આપ્યો," અરે બેટા, તારી ભાભીની વાત જવા દે. એને તો મારા માટે બે ટાઈમ સાદુ ભોજન બનાવવામાં પણ કંટાળો આવે છે. ક્યારેક ઠંડી રોટલી પકડાવી દે છે તો ક્યારેક વાસી શાક જે આ ઉંમરે મારા શરીરને અનુકૂળ નથી આવતું. અને કંઈ કહું તો પછી કકળાટ થાય એટલે પછી મેં કંટાળીને મારી રસોઈ અલગ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ તો તું દૂર બેઠાબેઠા ચિંતા ના કરે એટલે હું તને કહેતી ન હતી. પણ આજે તુ અહીં આવવાની છે એટલે મેં તને પહેલેથી જ આ વાત જણાવી દીધી.." મમ્મીની વાત સાંભળીને સોનલ ઉશ્કેરાઈ ગઈ," અરે આવું તો કંઈ ચાલતું હશે. મારે ભાભી સાથે વાત કરવી પડશે. ઘરડા મા-બાપ માટે બે ટાઈમ સાદું ભોજન બનાવવામાં પણ એને કંટાળો આવે છે. એમના ઘરે પણ એમના ઘરડા મા-બાપ છે અને અગર એમની સાથે કોઈ આવું કરે તો એમના દિલ પર શું વીતે એવું ક્યારેય વિચાર્યું છે ?" પોતાનું બોલાયેલું આ વાક્ય પૂરું થતાં સોનાના મનમાં ચમકારો થયો અંતરમાં એના જ બોલ્યા શબ્દોનો પડઘો સંભળાયો' એમના મા-બાપ સાથે કોઈ આવું કરે તો એમના દિલ પર શું વીતે' અને તરત જ એને પોતાની ભૂલ સમજાઈ ગયું. ફોન મુકીને તરત જ બા ના રૂમ તરફ દોડી અને ધીમે રહી ને અંદર જેવું ડોકિયું કર્યું એની આંખમાં પસ્તાવાના આંસુ આવી ગયા. બા સામે પડેલી થાળીમાંથી માંડ અડધી રોટલી પૂરી થઈ હતી અને શાક પણ લગભગ એમનું એમ જ પડ્યું હતું. અને પલંગ પર બા નિસ્તેજ થઈને સૂઈ ગયા હતા. એ ફટાફટ રસોડામાં ગઈ અને દાળ ભાત કુકર ચડાવ્યું અને બા માટે ગરમ દાળ ભાત બનાવ્યા.
