Pushpak Goswami

Horror Inspirational Children

3  

Pushpak Goswami

Horror Inspirational Children

અગોચર વિશ્વ

અગોચર વિશ્વ

3 mins
229


સુબોધભાઈ રહ્યા વિજ્ઞાનના માણસ, એટલે તે અગોચર વિશ્વમાં બહુ માનતાં નહીં. તેથી તેમણે એક વર્ષોથી બંધ પડેલી હવેલી કે જેને લોકોએ ભૂત બંગલો નામ આપી દીધું હતું, તેમાં રાત્રે ૧૨ વાગ્યે પ્રવેશી અને સહી સલામત બહાર નીકળવાનું બીડું ઝડપ્યું. ગામલોકોએ અને તેમના પોતાના પરિવારે તેમને ખૂબ સમજાવ્યા, પરંતુ તેમણે કોઈનું કીધું માન્યું નહીં, અને તે હવેલીમાં જવાનો મક્કમ નિર્ણય કરી લીધો. તેમને એમ જ હતું કે ગમે તે કરીને લોકોના મગજમાંથી આ ભૂતનું ભૂત ભગાડવું જ છે. સર્વ સંમતિથી એક તારીખ નક્કી કરવામાં આવી, અને નિર્ધારિત તારીખે સુબોધભાઇ તે હવેલીમાં ગામલોકોની સાક્ષીમાં પ્રવેશ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું.

અંતે નિર્ધારિત કરેલો દિવસ આવી જ ગયો. ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે રાત્રે બાર વાગ્યે સૌ કોઈ ગામલોકોએ તે હવેલી બહાર એકઠા થવું, અને સાથે એક ટોર્ચ અને હનુમાન ચાલીસાની ચોપડી રાખવી. ગામમાંથી કોઈ પણ માણસ તે હવેલી બાજુ જવાની હિંમત નહોતું કરતું, તો ત્યાં એકઠું તો કોણ થાય ? માંડ દસેક લોકો ભેગા થયા હશે, અને તેમની હાજરીમાં જ બધું સંપન્ન કરવાનું નક્કી કર્યું. ૧૧:૩૦નો સમય થયો ત્યાં કૂતરાઓએ જોર જોરથી ભસવાનું શરૂ કરી દીધું. ત્યાં હાજર ઉભેલા સૌ કોઈ ડરવા લાગ્યા. એક બાજુ કૂતરાં જોરથી ભસતા હતાં, એક બાજુ કોઈની ઝાંઝરનો અવાજ, એક બાજુ કોઈના દરવાજાનો ખટખટનો અવાજ... ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો એટલી હદે ડરી ગયા કે હનુમાન ચાલીસા ના જાપ કરવા લાગ્યા. દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવને યાદ કરવા લાગી. જોત જોતામાં ૧૨ વાગી ગયા.

જેવા ૧૨:૦૦ વાગ્યા કે સુબોધભાઇએ હવેલીમાં પ્રવેશ કર્યો. તેમના પ્રવેશ કરતાંની સાથે જ હવેલીનો દરવાજો આપમેળે બંધ થઈ ગયો. દરેકના મોઢેથી એક ચીસ નીકળી ગઈ. થોડા સમય બાદ સુબોધભાઇના વિચિત્ર પ્રકારના અવાજો આવવા લાગ્યા. તપાસ કરતાં ખબર પડી કે તેઓ "બચાઓ બચાઓ..." ની બૂમો પડી રહ્યા હતાં. આ બધું થયું ત્યાં સુધીમાં રાતનાં ૨:૦૦ વાગી ગયા હતાં અને સૌ કોઈ ખુબ જ ડરી ગયા હતાં. થોડી વારમાં અંદરથી કોઈ પ્રેતાત્માનો અવાજ આવ્યો કે, " જેને પણ પોતાનો જીવ વહાલો હોય તે અત્યારે જ આ જગ્યા છોડીને ચાલ્યા જાય." ગામલોકો એટલા બધા ડરેલા હતા કે તરત જ ભાગવા લાગ્યા. જેવા લોકો ભાગ્યા કે થોડી જ વારમાં હવેલીનો દરવાજો ખૂલ્યો. અંદરથી સુબોધભાઈ એક મેલાં ઘેલાં કપડાં પહેરેલી સ્ત્રીને લઈને બહાર આવ્યા. તેને જોતા જ ગામલોકોએ અફડા તફડી મચાવાની શરૂ કરી દીધી. લોકોને ભાગતા જોઈ સુબોધભાઈ બોલ્યા, " ઊભા રહો અહીં બધા. આજે હું તમારા ભૂત બંગલાની પ્રેતાત્મા ને તમારી સમક્ષ લાવ્યો છું. સૌ કોઈ ચાલીસા વાંચવામાં વ્યસ્ત હતા. દરેકને પોતાનું જીવન વ્હાલું લાગતું હતું. અંતે સુબોધભાઈએ આખી વાતનો ફોળ પાડ્યો. 

તેમણે આખી વાત સમજાવતાં કહ્યું, "આ કોઈ ભૂત પ્રેત નથી, પરંતુ મારી તમારી જેમ સામાન્ય માણસ જ છે. બાજુના ગામવાળાએ તેનો વિરોધ કરી અને તેને ત્યજી દીધી હતી એટલે તે ગામ છોડીને આવતી રહી છે. આ હવેલી વિશે તેણે પહેલાં પણ દંતકથા સાંભળી હતી, એટલે તેનો આશરો લઈ અને આ હવેલીને પોતાનું ઘર બનાવી દીધું હતું. ગામની કોઈ વ્યક્તિ આવે નહીં, અને પોતાની પોલ ખુલે નહીં એટલે તેણે આવું નાટક કર્યું હતું."

હવે સૌ કોઈને ટાઢક વળી અને સુબોધભાઇના કહેવા પ્રમાણે, બધાએ અગોચર વિશ્વમાં ભરોસો રાખવાને બદલે ભગવાનમાં આસ્થા રાખવાનું નક્કી કર્યું. આ વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ અને આખા ગામે રાહતનો શ્વાસ લીધો.

ખરેખર મિત્રો, અગોચર વિશ્વ જેવું કંઈ છે જ નહિં, તે બધું ફક્ત આપણાં મને ઉપજાવી કાઢેલ વાતો છે. જેટલી બીક અગોચર વિશ્વ પ્રત્યે રાખીએ છીએ, તેટલો જ ભરોસો જો ઈશ્વર પર રાખવામાં આવે તો કોઈ તાકાત આપણને હરાવી ન શકે. માટે ઈશ્વર જ સનાતન સત્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror