અશ્ક રેશમિયા

Drama Romance

3  

અશ્ક રેશમિયા

Drama Romance

અધુરા અરમાનો-૪

અધુરા અરમાનો-૪

6 mins
475


અધુરા અરમાનો-૪

ક્ષણભર રહીને સેજલે એના રૂમમાંથી જેવી દેખા દીધી એવો જ સૂરજ આભો બની, પ્રેમાતુર થઈને એને તાકી રહ્યો.સેજલની પણ સૂરજ પર નજર પડી.એને દોડીને સૂરજને ભેટી પડવાનું મન થયું.પરંતું એ અટકી પડી.સ્ત્રીવશ સંયમે એના ચરણોમાં બેડી બાંધી.પ્રેમના પવિત્ર છાંટા ઉડાડતી એ સૂરજના પડખેથી તીતલીની જેમ ફોરમ ફેલાવતી નીકળી પડી.

સૂરજ એના મિત્રોને લઈ સેજલના ઘર ભણી પહોંચી ગયો.જાણે એ જ એનું ઘર ન હોય! રોજ ઝાંઝાવાડા જવા ભાગતું સૂરજનું મન આજે સેજલના ઘરને જ પોતાનું ઘર માની બેઠું હતું!

પાલનવાડાની એક ગલીના નાકે જ સેજલું ઘર હતું.

અંધારૂ મારતે ઘોડે અવની પર ઓળા લેતું દોડતું આવતું હતું.સમયને સાથ આપવા અને મિત્રોની વાત માનવા ખાતર સૂરજ એ જ વેળાએ ત્યાંથી હાઈવે પરની ચોકડીએ આવ્યો.

ઝાંઝાવાડા જવાવાળી ટેક્સી ઉપડવાને હજી વાર હતી એટલે સૌ દોસ્તારો અંદરો અંદર વાતે વળગ્યા.પરંતું રોજ ઘણુંબધું બોલતો સૂરજ આજે સાવ ચૂપ હતો.

ચૂપ એટલે માત્ર એના હોઠ ચૂપ હતાં બાકી એનું હૈયું તો સેજલના સંગીન ઓળા સંગે વાતે વળગ્યું હતું.

એને મૂંગામંતર તથા કંઈક ગડમથલમાં ગરકાવ જોઈ વિજય બોલ્યો:'કેમ સૂરજ, આજે તું કંઈ બોલતો નથી યાર?'

'બસ,એમ જ.તમે જે વાતો કરો છો એ સાંભળું તો છું.'

"ના,ના....સૂરજ ! તું ખોવાઈ ગયો છે.અને એ પણ એવો કે હવે તને હંમેશના જેવો જોવા માટે અમારે વલખા મારવા પડશે,વલખા! તું આજે ખુદને વીસરી ગયો છે.અને એ પણ પેલી સેજલની સુંદર દુનિયામાં!"

'ના,ભાઈ એવું કંઈ નથી હો જય. આ તો હું એક બીજો જ વિચાર કરતો હતો.' પોતાનો લુલો બચાવ કરતા સૂરજે જેવું મનમાં આવ્યું એ કહ્યું.

'બીજો વળી વિચાર જ શેનો આવે સેજલ સિવાય? તારી એકલી દુનિયામાં હતું વળી શું? તું જ અમને કહેતો હતો કે છોકરીઓથી અંતર રાખજો.અને ભાઈસા'બ તું જ આજે સીનાની શેરીએ સેજલ નામની સહેજાદીને આવકારી બેઠો છે! અરે,બધું તો જાય જનાલીવાડામાં. કિન્તું સૂરજ,તું જ હવે તારા અમર અરમાનોને આગ લગાવવા માંડ્યો છે.' પ્રકાશે હૈયાવરાળ ઉકેલી.

"અરે,આ ડોબાને પૂછવાની જરૂર જ ક્યાં છે ? આપણે સગી આંખે એ બેયને એકમેકમાં ઓગળતા ક્યાં નથી જોયા?' પ્રકાશે ગુસ્સો ઠાલવ્યો.અને આગળ કહેવા માંડ્યું,' સેજલ એના હૈયે હીંચી રહી છે એટલે જ તો એ અાપણને લઈને સેજલના ઘર સુધી ગયો હતો.સાચી વાતને ધર્મેશ?' ધર્મેશ સામે જોઈને પ્રકાશે વાત પૂરી કરી.સૌએ એની વાતમાં સૂર પુરાવ્યા.

સૂરજને લાગ્યું કે હવે મિત્રોથી કંઈ જ છૂપાવવાનો કંઈ મતલબ નથી.એટલે એણે સહશરમ ખુશીથી સ્વીકાર્યું કે એ સેજલને દિલ આપી બેઠો છે.

આ સાંભળીને સૌ મિત્રોના ગાત્રો ઢીલા થયા.સૌના મનમાં એકસાથે એક જ સવાલ ઉમટ્યો:'ક્યાં જવાનો હતો અને ક્યાં ફંટાઈ રહ્યો છે આ સૂરજડો?'

અંધારૂ વાતાવરણમાં ઓળઘોળ થવા માંડ્યું હતું. ટેક્સી ઉપડવાની તૈયારીમાં હતી.તે વેળા છેલ્લીવાર નોટીએ કહ્યું:"સૂરજ,બોલ તારે સ્નેહ જોઈએ છે કે શિક્ષણ? પુસ્તક જોઈએ છે કે પ્રેમ? ભવિષ્ય ઉજાળવું છે કે ભીતર ભાંગવું છે? તારા માવતરની,તારી અને વળી તારા આ પ્રેમાળ ભાઈબંધોની અમર આશા પૂરવી છે કે સેજલ નામની આશકાના રવાડે જીંદગી ઝુરવી છે?"

"બંને,બંને...!" દોડતા-દોડતા ચાલતી ટેક્સીમાં ચડતા સૂરજે ઉત્તર વાળ્યો.

"ત્યારે તો તું અકાળે આથમી જવાનો,સૂરજ....!"

"સૂરજ છું,આથમીનેય હેમખેમ ઊગી જવાનો....!"

"તો નક્કી જમાનો તને પૂજવાનો. જા અમારા દિવ્યાશિષ તારી અને તારા પ્રેમની સંગે છે."

સૂરજની ટેક્સી દેખાતી બંધ થઈ ત્યાં સુધી સૌ એને તાકી રહ્યાં.

"સૂરજને સમજાવવો પડશે હો!" ચિંતાભેર ધર્મેશે કહ્યું..

"હા,ભાઈ ! નહી તો એ બાવાના બેય બગાડશે.

'કહેતો હતો કે "હું ભણીશ.ભણીને ભારતના ભવ્યાતિભવ્ય ભવિષ્યને મારા હાથે કંડારીશ! ભ્રષ્ટાચારના ભયંકર ભૂતાવળને ઊભી પૂંછડીએ ભગાડીશ! લાંચરૂશ્વત નામની બેશરમ લલનાને લીલે લાકડે દઈશ! લાગવગશાહીને લાબડતોડ લાત મારીને ધૂળ ચાટતી કરીશ! ધર્મ,જાતિ અને કલંકી કોમવાદને અને ઝેરીલી જાતિવાદને દેશનિકાલ કરીશ અને માં ભારતીને વિશ્વના વિશાળ ફલક પર ઊંચા આશને બેસાડીશ!" કિન્તું ભણતરની ઉંમરે પ્રણયના પાવન પંથે પ્રણાય કરીને સૂરજ આમાનું કશું જ નહી કરી શકે કશું જ !' કહેતા - કહેતા સુમનની આંખ ભરાઈ આવી.

સાંજ ઢળી ચૂકી હતી.સૌ મિત્રો પોતપોતાની આખરી મંઝીલ સમાં ઘેર પહોંચી ચૂક્યા હતાં.

સૂરજ બારમાં ધોરણમાં ભણી રહ્યો છે.ભણવામાં આજ લગી હંમેશા એ અવ્વલ રહ્યો છે.આ શાળાજીવનની આખરી સફળતાના શિખરે પહોચું પહોચું થઈ રહ્યો છે.એની આ સફળતાનું આખરી શ્રેય એના માતાપિતાને છે.કેમ કે એમણે જ સૂરજને ભણવાની તીવ્ર તાલાવેલી જગાડી હતી.એની બુદ્ધિ પણ એટલી જ કુશાગ્ર છે.

સૂરજ દેખાવે સહેજ કમજોર લાગે છે.ચહેરો લંબગોળ,નાક નમણું અને સહેંજ મોટું.એને જોનારની પહેલી નજર એના નાક પર જ જાય! વાને જરા શ્યામ,હોઠ જરાક ઉપસેલા અને હસમુખા.મધુકરના પાંખો જેવી આંખ અને એ જ આંખમાં કાયમ રહેતી લાલાશ.એની આંખો સદાય લાલ જ હોય! જોનારને એમ જ લાગે કે હમણા જ એ મદિરાલયથી આવ્યો ન હોય! એ જ રતુમડી આંખોની નમણી કીકીઓમાં ભાવિના શમણાઓ માળો બાંધીને બેઠા હતાં.એનેય સેજલની જેમ વાાળમાં મહેંદી નાખવાનો જબરો શોખ.વાળ થોડા લાંબા અને સિલ્કી,કિન્તું એને ઓળવાની રીત તદન સાદી.એણે આજસુધી કદીયે વાળમાં કાંસકી નથી ફેરવી.બસ, આંગળા આમતેમ ફેરવે અને વાળ સીધાદોર! જાણે એ સૂરજની આગ્નાના સેવક ન હોય!

સૂરજ સ્વભાવે નિખાલસ અને ભોળો.એણે આજલગી ક્યારેય કોઈની સાથે નથી બાથ ભીડી કે નથી કોઈ યુવતી પર નજર કરી.એ એટલો શરમાળ કે શાયદ કોઈ છોકરી સામે આવી જાય તો નીચી નજરે,સીવેલા હોઠે અને બિલ્લી પગે ચાલી નીકળતો.'પ્રેમ શું છે? કેવો છે?અને કોણ કરી શકે?' એની જરાય ગતાગમ એને નહોતી. એ તો માત્ર એની મસ્ત દુનિયામાં મસ્તાન બનીને અભ્યાસ કર્યે જતો હતો.

કિન્તું આજની ઘટનાએ સઘળી બાબતોને અવળી ફેરવી નાખી હતી.

આ તરફ સેજલ પણ ઘેર પહોંચતા જ સોફામાં ઢળી પડી.દિવસે સ્હેંજમાં બનેલી ઘટનાનું સ્મરણ થતાં જ લજ્જાભેર તકિયા નીચે મો સંતાડી દીધું.આજ લગી જેને પ્રિતનો વાયરો નહોતો અડ્યો એ સેજલ હવે સૂરજ નામના પ્રિતસાગરમાં ગરકાવ થવા લાગી હતી.સાગરના પ્રચંડ મોજાની માફક એનું હૈયું ઘુઘવાટ કરવા લાગ્યું.છોટી-સી પરીની માફક એનું માસૂમ શરીર સોળે કળાએ ખીલવા લાગ્યું.એના સીનામાં ઊર્મિભર્યો આનંદ નહોતો સમાતો.આંખોમાં સૂરજના મોહની ગુલાબી લાલી છવાઈ ચૂકી હતી.

રાત્રે જમ્યા બાદ વિના લેશન કર્યે જ એ નીંદને ખોળે થઈ.

પ્રેમની અસર તો જુઓ! કેવી ગજબની! બે હૈયાની ખીલતી જવાની અને મધુર મહેંકતી જીંદગીએ એમના અસ્તિત્વને જ બદલી નાખ્યું.

સાચું જ છે કે પ્રેમ જ્યારે સીના પર સવાર થાય છે ત્યારે લાગણીના હણહણાટ કરતા અશ્વો ક્ષિતિજ છોડીને ક્યાંયના ક્યાંય પહોંચી જતાં હોય છે.અરે, વ્યક્તિને જ્યારે પ્રેમ થાય છે ને લાગણીથી જ્યારે નહાય છે ત્યારે એ આખેઆખો બરફની માફક પીગળી જાય છે.એનું આખું શરીરતંત્ર જ મઘમઘાટ કરવા લાગે છે.એ પોતાની જાત સુધ્ધાનેય વીસરી જાવ છે.ઘણીવાર તો વ્યક્તિના પ્રેમની લાગણી એટલી હદ સુધી પહોંચી જાય છે કે એ પોતાનો હોદો,માનમર્યાદા અને દરજ્જાનેય વીસરી જાય છે.એ પ્રેમના હિંડોળે હીંચવા લાગે છે.એક નવી જ અજાયબ દુનિયાની સફરે એ પહોંચી જાય છે.

મોડી સાંજે સૂરજ જ્યારે ઘેર પહોચ્યો ત્યારે વાળું બની ગયું હતું.હાથ-પગ ધોઈ એ જમવા બેઠો.કિન્તું સૌના અચરજ વચ્ચે ગળે ઊતરવાને બદલે કોળિયો કરમાં જ રહી જવા લાગ્યો.શમણાની પાંખે સવાર થઈને એ સ્વર્ગની સફરે ઉડવા લાગ્યો.

ભણવાની કાચી વયે જ એ પ્રેમમાં લપસ્યો.જીવન હવે જ જીવવા લાયક લાગ્યું.પ્રેમની સફરે સંસાર માણવા એ બેતાબ બન્યો.જીવનનો પ્રથમ પ્રેમ અને એ પણ મુગ્ધ પ્રેમ! આમ તો સૂરજે ઘણીવાર સેજલને જોઈ હતી.કિન્તું આજની નજરનું કામણ જ કંઈક અલગ હતું.અત્યારે જમતાં-જમતાં પણ એ સેજલે જાણે જોઈ રહ્યો હતો.એને મહેસૂસ થયું કે જાણે એને નવી આંખો આવી ગઈ છે. અને આંખ જાણે સેજલના દીદાર કરવા જ મળી છે.

સૂરજને જીવનમાં પ્રથમવાર અજીબ રીતે કોળિયો હાથમાં રાખીને વિચારતો જોઈ એની માં એ પૂછ્યું,'બેટા, સૂરજ ! કેમ જમતાં-જમતાં આમ અટકી ગયો? કે પછી જમવાનું સારૂ નથી બન્યું?'

'ના માં, એવું કંઈ જ નથી. જમવાનું તો સરસ જ બન્યું છે.પરંતું મને એક નવો જ વિચાર આવ્યો છે.'

સારૂ દીકરા,પહેલા જમી લે પછી આરામથી વિચારજે.'

સૂરજ શા વિચારે સવાર થયો એ વાંચો આવતા અંકે....!

ક્રમશ:


Rate this content
Log in