અશ્ક રેશમિયા

Drama Romance

3  

અશ્ક રેશમિયા

Drama Romance

અધુરા અરમાનો - ૩

અધુરા અરમાનો - ૩

6 mins
633


અધુરા અરમાનો-૩

સૂરજના જીવનમાં પણ પ્રેમનો પ્રાદુર્ભાવ થયો.શાંત સીનામાં તદન શીત અવસ્થાએ પડેલ પ્રેમના પવિત્ર તત્વોએ એના આખા અસ્તિત્વ પર હાર્ટએટેક સમો હુમલો બોલાવી દીધો! ને સૂરજ પ્રણયના સાગરમાં ગળાડૂબ ઊતરવા માંડ્યો.

એ સત્ય છે કે વ્યક્તિ જ્યારે પ્રેમ નામના મીઠા નીરને ગળે લગાવે છે ત્યારે એ પોતાના અસ્તિત્વવને,મોભાને પણ વીસરી જવા લાગે છે.પછી તો એ જીવનભર એ પ્રણયસાગરના મોજાઓમાં ફંગોળાતો રહે છે.ભાગ્યે જ કોઈ એવો ભાગ્યવાન મરજીવો નીકળે જે આ પ્રેમસાગરના તળિયે જઈને કંઈક પામીને હેમખેમ કિનારે આવતો હોય!

બાકી તો પ્રેમની સપ્રેમ ભેટ બેવફાઈ,બરબાદી અને બદનામી જ છે.

બન્યું એવું કે ૧૪મી ફેબ્લુઆરીનો દિવસ. એટલે કે 'વેલેન્ટાઈન ડે'! આશિકોનો મહાપાવન અવસર!દિલની દિવાનગીનો મહામેળો! જગતભરના અલગારી આશિકોએ ઉજવવાનો ખાસ દિવસ,પ્રગાઢ પ્રેમોત્સવ. પ્રેમવિહ્વળ હૈયાઓ એકમેકને પ્રેમના-ચાહતના-ઊભરતી લીલીનાઘેર જેવી લીલીછમ્મ લાગણીના પ્રચંડ પુરાવા રૂપે અને વિશ્વાસ માટે હૈયાને ગમતી મધુર ભેટ અર્પણ કરીને પ્રણયને વાસંતી સોળેકળાએ શણગારવાનો દિવસ એટલે જ શાયદ 'વેલેન્ટાઈન ડે!

આ પ્રેમ એટલે શું? અને વળી વેલેન્ટાઈન ડે કંઈ બલાનું નામ છે? એનીયે જેને કંઈ ગતાગમ નહોતી એ સૂરજ આજે એકસામટે બેયની ઊજવણીમાં પટકાયો.

આકાશનો સૂર્ય આસ્તે રહી અસ્તાચળ ભણી ઢળવા માંડ્યો હતો.ઘડીયાળમાં ૩:૪૫ ના ટકોરા પડ્યા એવો જ જ રિશેષનો ઘંટ રણક્યો.એ વેળાએ સૂરજ એના મોંઘેરી મિરાતસમાં મિત્રો સાથે પાણીની પરબ તરફ જતો હતો અને સહસા એ ખોવાયો....!

ચરણ વહાલી વસુંધરાને ચોંટ્યા અને નમણી નજર હવામાં જ....!

'પ્રેમની ધારા વહી ને હું ભીંજાઈ ગયો,

નજર એમની મળી ને પ્રેમ થઈ ગયો!'

અચાનક સૂરજની નજર સામેથી આવતી એક છોકરી પર પડી.

પોતાને ટીકીટીકીને જોઈ રહેલ યુવાન પર નજર પડતા જ એ અટકી. વસંતના લીલાછમ્મ જાજવલ્યમાન વૈભવસમી એ ઊભી રહી. જાણે પારિજાત! નજરોના તીક્ષ્ણ તીરથી નજરો વીંધાઈ અને સઘળું વાતાવરણ વીસરીને બંને એકમેકમાં ઊતરવા માંડ્યા.ને જોતજોતામાં જ એકમેકના હૈયા સોંસરવા થયા.

શશીની શીતળતાનેય શરમાવે એવું સુકુમાર યૌવન આટલું નજીકમાં જોઈ તેણીને વીંટળાઈ જવા મન લલચાયું,પરંતું એણે પ્રયત્નપૂર્વક સંયમનો વફાદાર શ્વાન પાળ્યો.

સૂરજના મિત્રોને આ બીનાની કંઈ જાણ રહી નહી.એ તો છેક પરબ જોડે પહોચ્યા ત્યારે એના પર નજર ગઈ ને કંઈક ચક્કર જડ્યું.એ પળે હરજીવન બોલ્યો:'અરે યારો, પેલી તરફ તો જુઓ...! નક્કી આજે તો સૂરજ ગયો જ!' સૌએ એ તરફ જોયું.ખડખડાટ હસ્યા.હસવાનો એ અવાજ સૂરજના કાને પડ્યો ને એ પેલી સસલા અને કાચબાની વાર્તામાં આવતા કાચબાની જેમ સંકોચાઈને સત્વરે સ્વસ્થ થયો.

પ્રેમમાં પાષાણનેય પીગળાવવાની પ્રચંડ શક્તિ રહેલી છે.તો બિચારો સૂરજ એક છોકરીને જોઈને પ્રચુર પ્રેમાતુર બની જાય એમાં એનો વાંકેય શું સમજવો?

પેલી છોકરીનું નામ સેજલ.

એ બંને નજરો મિલિવીને હજું ત્યાં જ ઊભા હતાં. શાળાના મોટાભાગના વિધ્યાર્થીની વેધક નજર એમના તરફ મંડાયેલી હતી. હ્રદયમાં ઉમટેલી ઊથલપાથલથી જ્યારે અંતરને ટાઢક વળી ત્યારે એ બંને નીચી નજરે ત્યાંથી અવળે રસ્તે થયા.

વર્ગમાં પ્રવેશતી વેળાએ ફરી એકમેકને નજરે કર્યા.

એક નાજુક નમણી મુગ્ધા પારાવાર પ્રેમમાં પડી.

ને પ્રેમના એકરારનામાં પર જાણે નેહભર્યા નયનોએ સુંદર સહી કરી.

'શું થયું યાર, સૂરજ? ક્યાં ખોવાઈ ગયો હતો?' હસતા-હસતા જયે પૂછ્યું.

'કંઈ નહી યાર ,અમસ્તા જ ...!' વાક્યને અધુરૂ રખડતું છોડીને સૂરજ શરમથી નીચે જોઈ ગયો.

'બહું જ નસીબદાર છે તું હો સૂરજડા ! આજનો દિવસ તારા માટે સોનાથીયે સવાયો બન્યો છે.એક છોકરી પર નજર પડી ને તે એને પ્રેમમાં પાડી દીધી! વાહ! મેરે શૅર વાહ!' કહેતા નોટીએ એની પીઠ થાબડી.

નોટીના મતે સુંદર છોકરીને પળમાં પોતાના પ્રેમમાં પાડવી એટલે જાણે ત્રીજું વિશ્વયુદ્ધ જીતવું.

આ નોટી એટલે નટીયો. એનું અસલ નામ નટીયો હતું. કિન્તું એના મિત્રો બહું જ લાડથી એને 'નોટી' કહીને જ બોલાવતા.

આ નટીયો અગિયારમાં ધોરણમાં હતો એ વખતે એક અજીબ ઘટના ઘટી ગઈ.શાળાનો પ્રથમ દિવસ હતો.નટીયો મૂળે ગામડાનો પણ એની શાનદાર અદા શહેરી જુવાનીયાનેય પાછળ પાડી દે એવી મોહક અને લલચાવનારી હતી.શોખીન અદાઓ સાથે બનીઠનીને એ આવ્યો હતો.વર્ગમાં જઈને છેલ્લી પાટલીએ જઈ બેઠો. એને શાયરીઓનો જબરો શોખ હતો.એ હળવા છતાં માદક સ્વરે શાયરી લલકારી રહ્યો હતો.

એના કેટલાંક મિત્રોએ એનું એક નામ શાયર પણ રાખેલું.

નટિયો શાયરી લલકારવામાં મસ્તાન હતો એવામાં જ પવનના મંદ ઝાપટાની માફક કલ્પના નામની કંચનસી કાયાવાળી છોકરીએ પ્રવેશ કર્યો.એની ચહેરા પર છવાયેલી માસૂમ ખુબસૂરતી, કાળી ભમ્મર આંખો, આંખોની અજબ ચમક અને અધરો કર કાયમ રહેતું સુગંધી સ્મિત,સુડોળ કાયા પર શોભતું ગુલાબી કલરનું ફ્રોક,પગમાં ઊંચી એડીના ચંપલ અને એ જ ચંપલના ટક...ટક અવાજે એ ત્રીજા નંબરની બેંચ પર આવી. પોતાની શહેરી અદાઓથી વાળની લટને હવામાં લહેરાવતી એ બેંચ પર ચોપડા મૂકીને બહાર નીકળવા રવાના થઈ કે એના સરવા કાને શાયરીનો રણકાર અથડાયો:

"કેવા મજાના ફૂલો ખીલ્યા છે,

હૈયાને સ્હેજ ગમી જાય છે!"

આ શૅર કાને પડતાં જ એણે હરણીની માફક ડોક ફેરવી.જેવી એની નજર નટીયા પર પડી એવો જ એ શરમથી કોકડું બનીને નીચું જોઈ ગયો.એટલીવારમાં એ કલ્પના કરે એ પહેલા જ કલ્પના નામની એ પરી એની સન્મુખ આવી આવી પહોંચી. એણે હળવેકથી બેંચ પર ટકોરા પાડ્યા.ને ગભરાયેલ નટીયાએ ધીમે રહીને ડોક ઊંચી કરી.એ કંઈક વિચારે પહેલા જ કલ્પના એની ગભરૂ આંખોમાં આંખ પરોવીને પળમાં રફુચક્કર થઈ ગઈ.

અને એ સ્વર્ગસા સ્મિતે નટીયાના ચહેરા પર,હરખાયેલા હૈયામાં અને આખા રોમરોમમાં પ્રેમાળ લાગણીની લીલીછમ્મ તીતલીઓ ઉડવા લાગી.એ સફાળે ઊભો થતાં જ બારણે આવી ગયો.

કલ્પનાને જતી જોઈ રહ્યો.

કલ્પના અમદાવાદથી નવી જ આવી હતી.અહીં આવ્યાને માત્ર પાંચ જ દિવસ થયા હશે ને એ નટીયાના દિલમાં ઊતરી.પછી તો સમયની અલ્પાયુમાં એ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો.ખૂબ ફેલાયો અને એની માદક ખુશ્બું ચોફેર પ્રસરી રહી.આ કલ્પનાએ જ બહું હરખથી લાડમાં નટીયાનુ નામ નોટી પાડ્યું હતું. બસ ત્યારથી એના દોસ્તોના મોઢે પણ એ જ નામ રમતું રહેતું.

નોટીના પ્રેમપ્રશંસાભર્યા વાક્યો સાંભળીને સૂરજ સંકોચવશ બોલ્યો, 'તો હવે ચાલો મિત્રો ક્લાસમાં જઈએ.'

અને સૌએ ક્લાસ ભણી પગ ઉપાડ્યા.

સૂરજથી પ્રણયદષ્ટિ લગાવ્યા બાદની સેજલ ખુશીની મારી પરીની માફક પરગ્રહની સફરે ઉડવા લાગી. પ્રીત નામના મહેરામણમાં એ છબછબિયા કરવા લાગી. ઘડીમાં એ બેય હાથે ચહેરાને છુપાવતી તો ઘડીકમાં ચોપડીના પાનામાં મોં છુપાવીની હસવા લાગતી. એ ક્લાસમાં હતી કિન્તું જાણે એ સ્વર્ગમાં વિહરતી હતી.એના ચહેરામાં અને અંગોમાં સ્ત્રીવશ શરમની સેર ઊભરાવા લાગી.પોતાના ઊભરાતા અસ્તિત્વ પર સૂરજ નામના સાહ્યબાના સ્નેહનું સામ્રાજ્ય છવાતું જોઈ એ મ્હોરાવા લાગી ગઈ.વર્ગમાં ક્યારે સર આવ્યા ને ક્યારે તાસ પૂરો થયો એનુયે એને ભાન ન રહ્યું.એનું હિલ્લોળા લેતું હૈયું પળેપળ સૂરજને જોવા ઝંખતું.

સેજલ ત્યારે દશમાં ધોરણમાં ભણતી હતી. એય સૂરજની જેમ ચપળ અને ભણવામાં બહું માહેર હતી.કિન્તું રૂપમાં એ સૂરજ કરતા ક્યાંય ચડીયાતી હતી.નમણી નાજુક અને સૌદર્યની દેવી સમું એનું ગૌર બદન! જાણે હમણાં જ વસંતમાં કોમળ કલી ખીલી ન હોય! પૂનમના ચાદાનેય શરમાવે એવો ખિલખિલાટ કરતો ગોળ ચહેરો.જરાક જ ફુલેલા ગાલ અને જમણા ગાલ પર તરતું તલનું નિશાન. તલ એના હસમુખા ચહેરાના સૌદર્યમાં ઑર વધારો કરતો.જાણે કે એ એના રૂપને કોઈની નજર લાગી ન જાય એ માટે પહેરો ભરી રહ્યો ન હોય! મદભર ગુલાબી અધર અને એ અધરો પર સદાય રહેતું સૌદર્યના ફુંવારા જેવું હાસ્ય.એ હસતી તો લાગતું જાણે એના મુખમાંથી ગુલાબની પાંખડીઓ લઈને પરી ઊડી રહી છે.આંખોમાં ગજબની ચમક અને એ જ આંખોમાંથી સ્નેહનો-પ્યારનો પ્રવાહ અવિરત વહ્યા કરતો.કાળીભમ્મર નશીલી પાંપણ,એને પાંપણમાં કાજલ લગાવવાની ક્યારેય જરૂર જ નહોતી પડતી.

દિલની દિવાલ પર જડબેસલાક રીતે ચોંટેલ ભવ્ય ઊભારો.એના વિકસીત ઊભારો એની ફટાફટ ખીલતી જવાનીની ચાડી ખાઈ રહ્યાં હતાં.અને શરીરની શોભામાં ઑર વધારો કરી રહ્યાં હતાં.એની ચાલમાં શેરની સમી ગજબની ખુમારી હતી.એનું આખું અસ્તિત્વ સૌદર્યના મેઘધનુષી ફુંવારા જેવું હતું.જીંદગીના મ્હોરાતા જતાં બાગમાં એ કલી ખીલું -ખીલું થઈ રહી હતી.બસ,એને ઈંતજાર હતો મનના મોહક માણીગરનો.અને એ સાહ્યબો સૂરજના રૂપમાં મળી ગયો હતો.

સૂરજની માત્ર એક જ પ્રેમાળ નજરે એના ઉભરાતા યૌવનના ઉરભવનને પ્રેમળજ્યોતિથી ઝળાંહળાં-ઝળાંહળાં કરી મૂક્યું હતું.

પાંચના ટકોરા પડ્યા.સ્કૂલ છુટી ને ગમાણમાંથી ગાય ભાગે એમ બાળકો ઘરભણી ભાગતા થયા.જાણે જેલમાંથી કેદીઓ છુટ્યા! આવી જ દોટમાં રોજ ભાગતો સૂરજ આજે એના રૂમના દરવાજે ઊભો હતો સેજલને જોવાના ઈંતજારે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama