અશ્ક રેશમિયા

Romance Inspirational

3  

અશ્ક રેશમિયા

Romance Inspirational

અધુરા અરમાનો- ૨૦

અધુરા અરમાનો- ૨૦

6 mins
420


"અરે, સૂર...જ, એવી તે વળી શી મજબૂરી છે કે તું આટલો રઘવાટ અનુભવે છે ?"

"કારણ અને મજબૂરી બંન્ને બચકે-બચકે મારો જીવ ખાઈ રહી છે, વિજય !"

"ભાયા સૂરજ ! મજબૂરી તો મહાભારતના યુદ્ધમા આતતાયીઓને હણવામાં ઓલ્યા અર્જુનનેય હતી. છતાં પણ એણે યુદ્ધ ખેલ્યું અને અમર અફર વિજય મેળવ્યો."


સૂરજ: "વિજય, એ ધર્મયુદ્ધ હતું. વળી જગતનો નાથ - સર્જનહાર ભગવાન ખુદ એની અડખે ને પડખે હતો. જ્યારે આ તો હળાહળ કળયુગ છે ! આ સંસાર, આ આલમ આ કળયુગમાં પવિત્ર પ્રેમને હળાહળ વિષ માની બેઠો છે. જે આ જગતમાં કદાચ પ્રેમને હેમખેમ ટકી રહેવા દેશે કે કેમ ? એ જ એક ઊંચો અને વણઉકેલ્યો સવાલ છે."


હરજીવન: "સૂરજ, હવે તું કોઈ જ વાતે ઉણો ઊતરે એમ લાગતું નથી. જા, તું જીત્યો ને અમે સૌ હાર્યા ! પણ તારી મજબૂરી તો બતાવ!"


સૂરજ:" કારણ અને મજબૂરી મને બૂરી રીતે ચીરી રહી છે. એ બંને મારી મૂલ્યવાન મહોબ્બતની શત્રું બની બેઠા છે. આજે હું નથી ઘરનો રહ્યો કે નથી કોઈ ઘાટનો ! અદ્ધર લટકી રહ્યો છું. હવાતિયા મારી રહ્યો છું. છતાંય હું સેજલ સંગે રંગે ચંગે લગન કરવા તો તૈયાર છું. પરંતું મારા પરિવારનો ખયાલ કરતા જ હું અટકી જાઉં છું, ભાંગી પડું છું ભાંગી. પરિવારના વિચારે અટકી પડ્યો છું એ મારી મજબૂરી છે અને જગતની બદનામીથી ડરું છું એ પ્રેમલગ્ન નહી કરવું મારું કારણ છે."


"અરે, તું જગતની શું કામ પરવા કરે છે ? શા માટે તું જગતથી ડરે છે, સૂરજ ? હું છું ને ! હું દુનિયા અને સમાજને પગ તળે ચગદીને તને પારાવાર ખુશ રાખવાની તરફેણમાં છું. તું નાહકનો શું કામ ડરે છે ?" વદનની ઉદાસીને દેશવટે ધકેલથી મુશ્કરાહટભેર સેજલ બોલી. સૂરજને સ્નેહનું શૂરાતન ચડાવવા કાજ જ!


"પરિવાર અને તારે શું લેવાદેવા ? આમેય તારા લગન તો થશે જ ને ? ગમે ત્યારે, ગમે ત્યાં ! તો પછી સેજલને જ કાયમ માટે જીવતરના આંગણે આવકારી લે ને ! જેથી તમે બંને સુખી થાઓ. અને તમારો પ્રેમ અફર-અમર રહે." મયુરી સૂરજને સામા પાણીએ ચડાવી રહી.


"અરે યાર, હુ હવે હું ક્યાં શબ્દોમાં આપ સૌને સમજાવું ! તમે તો મારો જાણે જીવ લેવા જ બેઠા છો ! જય, વિજય, મયુરી, હરજીવન અને સેજલ તું પણ સાંભળ- આજે હું જે કંઈ છું ને એ મારા પરિવારના લીધે જ છું. ને એમાં મારા પરિવારનો મારા પર બહું જ ઉપકાર છે. એમણે આજ સુધી ક્યારેય મને કે મારી લાગણીને ઠેસ પહોચવા નથી દીધી. બારમાંની પરીક્ષામાં જ્યારે એંસી પર ત્રીજા નંબરે ઉતીર્ણ થયો હતો એ વખતની એમની અદભૂત ખુશીયોને હું ભૂલી શક્યો નથી. એ વખતે એમના વરસોના અરમાનો સાકાર થશે એવી અખંડ આશા બંધાઈ હતી. ન જાણે કેટ-કેટલા અને કેવા-કેવા અરમાનો સજાવી રાખ્યા છે એમણે એમની આંખોમાં! એ અરમાનોને હું કેમ કુંઠિત કરું ? હું મારા અરમાનો ભલે બેઘર કરી દઉં, મારા પરીવારના એ ઝળહળતાં ઓરતાઓને ક્યારેય રઝળતા નહી મૂકી શકું!"


મયુરી: "સૂરજ, આવા સોનેરી અરમાનો તો જગતના બધા જ મા-બાપ સજાવી રાખે છે. અને સંતાનોને ભણાવવા માટે પોતાનાથી બનતું બધું જ કરે છે. અને એવું જ તારા માવતરે, તારા પરિવારે તારા માટે કર્યું છે. તને ઉછરીને કે ભણાવીને કોઈ મોટો ઉપકાર નથી કર્યો. એ તો એમની ફરજ છે."


સૂરજ: "ખબરદાર મયુરી, જો હવે પછી માવતર વિષે આવું ઊતરતું બોલી છે તો!" સૂરજે કડવા દાંત ભીંસ્યા અને મયુરી ઢીલી પડી.


હરજીવને તત્ક્ષણ બાઝી સંભાળી. કહ્યું: "સૂરજ, જાણ્યું કે મયુરી ઘટતું બોલી છે પણ તારા લગન પછી સેજલ તારા ઘેર જ આવશે ને ? એ તને ક્યાં તારા પરિવારથી દૂર ભાગી જવાનું કહે છે ? લગન પછી તને ફાવે એમ જ કરજે ને ! સેજલ ક્યાં આડી આવવાની છે ?"

હરજીવનની વાતમાં સૂર પુરાવતા સેજલે પણ કહેવા માંડ્યું: "હા સૂરજ, આપણી શાદી બાદ હું ક્યારેય તને નહી રોકું. તું મને બસ એક આટલું અરમાન પૂરું કરી આપ. પછી તું બિન્દાસ્ત બનીને જીંદગીભર તારા પરિવારના અરમાનો સુખેથી સજાવતો રહેજે. એમાં હુંય તને સાથ આપીશ."


સૂરજ: "સેજલ, બહું ઘેલી થા મા. કહેવું જેટલું સહેલું છે એનાથી અનેકઘણું ખતરનાક છે કાર્ય કરવું. તું જે ઘડીએ મારા ઘરના ઉંબરામાં પગ મૂકીશને, એ જ ઘડીએ તારા માટે તો શું ? મારા માટેય એ ઘરના દરવાજા હંમેશને માટે બંધ થઈ જશે, બંધ !"


સેજલ: "તે એમાં શું થઈ ગયું ! આપણે કોઈ શહેરમાં જઈને નવું ઘર વસાવીશું. એની જવાબદારી મારી. તને એમ હશે કે પ્રેમલગ્ન કરીને ક્યાં જઈશું, ક્યાં રહીશું, કેવી રીતે જીવશું ? તો એ સઘળી ચિંતાનો ટોપલો મારા માથે મૂકી દે. હું તને ક્યારેય નોંધારો કે ભૂખ્યો નહી રહેવા દઉં !"


સૂરજ:" સેજલ, તુંય મયુરીની માફક બકવાનું રહેવા દે. અને હવે પછી આવી વાહિયાત વાતો છડીશ નહી. હું તને પ્રેમ કરું છું, નહી કે તારા પિતાજીની દોલતને ? સમજી ! અને તું ભરોસે રહેતી હોય ને કે સૂરજ પાસે કશું જ નથી કિન્તું જીંદગીભર તને ખોબે-ખોબે સુખ અને સમૃદ્ધિ આપી શકું એટલી ત્રેવડ છે મારામાં. પરંતું અફસોસ કે પરિવારને દગો દેવાની ત્રેવડ મારામાં સહેંજેય નથી."


સેજલ: "સૂરજ બકા, મારી વાતોનું જરાય માઠું લગાડીશ નહી. મને ખબર નહોતી કે મારી ભોળી વાતો તને ભરમાવશે. મારા વાલમ મને માફ કરી દે. આઈ એમ સોરી."


વિજય: "સૂરજ, દુનિયા તો બે ઘડી વાતો કરીને, બદનામી અને બરબાદીના બળાપા કાઢીને શાંત થઈ જશે. જ્યારે તમારી જીંદગી સંવરી જશે. હજીય સમય છે. શાંતિથી વિચારી લે." કહી એણે સૂરજની પાંપણ કોરી કરી આપી.


સૂરજ: "માત્ર એ બે ઘડીની જ તો વાત છે વિજય ! બે પળની બરબાદી કે બદનામી બે યુગ સુધીયે શમતી નથી. છતાંય મારી બદનામી તો હું હસતા મોં એ સહી લઉં પણ પરિવાની ચિંતા મને ભમરીની જેમ કોરી ખાય છે."


"ધન્ય છે સૂરજ તારી પરિવારભક્તિને. તારા પરિવાર પ્રત્યેની તારી મીઠી લાગણીને. સ્વર્ગની અપ્સરા જેવી સેજલ તારી સાથે છે તેમ છતાંય તું પરિવારને નોંધારો છોડવા તૈયાર નથી. જગતમા બધાય માવતરોને તારા જેવો જ પુત્ર મળજો. અને અમારા જેવા આશિકોને સેજલ સરીખી પ્રેમિકા મળજો." હરજીવને સૂરજની પીઠ થાબડી.


"પરિવાર પર લાગણી કોને ન હોય હરજીવન ! પરિવારના આટઆટલા અરમાનો અને લાગણીઓને હું શી રીતે વીસરી શકું ! જે માવતરે જન્મ આપીને મોટા કર્યા હોય, ભણવાની તીવ્ર તાલાવેલી જગાડી હોય એમને કેમ ભૂલી શકાય. વળી, જે ભાઈએ મારા ખાતર પોતાના બધા ઘરેણા વેચ્યા, વ્યાજે રૂપિયા લાવીને મને ભણાવ્યો, કોલેજ કરાવી એ ભાઈના રૂણને હું કેવી રીતે ભૂલી શકું ? આવા અરમાનભર્યા ઉપકારનો બદલો શું હું પ્રેમલગ્નની બદનામી કે બરબાદી આપું ? હરગિજ નહી દોસ્તો, હરગિજ નહી ! આજે હું મારા પ્રેમને ખાતર એમની આબરૂને ઠેસ પહોચાડું, કલંક લગાડું તો મારા જેવો નીચ, અભાગિયો કોઈ જ નહી હોય. મારા આ દુષ્કાર્યનો આઘાત એ લોકો કેવી રીતે જીરવી શકશે ? આ વિચારે રાત્રે ઊંઘી શકતો નથી. મારી એક ભૂલને ખાતર મારી બેઈજ્જતી તો થશે જ પરંતું આખાય પરિવારની આબરુંને ધૂળ લાગશે. સમાજના લોકો મારા પરિવાર પર તીખી નજર નાખશે, વ્યંગ્ય કરશે. સમાજ મારા આ કાર્યને સ્વિકારશે નહી. ઉલટાનું મારા પરિવારને નાત બહાર કાઢી મૂકશે. હું તો શું મારો આખો પરિવાર જગતને મોં બતાવવા લાયક નહી રહે. અત્યાર સુધી શાનથી માથું ઊંચુ કરીને ચાલતા મારા કુટુંબને નીચા જોણું થશે. હું ભણેલો ગણેલો આવું નહી જ થવા દઉં, નહી જ ! તને ખબર છે વિજય ! મારા આખાય ગામમાં પહેલવહેલ હું છું જે શિક્ષક થવાનો છું ! અને હું ખૂદ ઊઠીને ગામના, પરિવારના અને મારા ખુદના ભાવિને આમ બદનામીની ધૂળમાં રગદોળી દઉં ! નહી જ સેજલ, નહી જ!"

સૂરજ હવે શું કરે છે એ જાણશો આવતા અંકે !


ક્રમશ:Rate this content
Log in

Similar gujarati story from Romance