અધિકાર
અધિકાર
"હું મારો અધિકાર ખોટો નહિ પસંદ કરું..!"
"આ શું..? સવાર સવારમાં મારા ઘરની બહાર વળી શેની ભીડ છે.?"
"નથી મારો જન્મદિવસ, નથી હું બીમાર પડ્યો, નથી ઘરમાં કોઈ પ્રસંગ, નથી કોઈ પણ કારણ છતાં પણ લોકોની આટલી બધી ભીડ કેમ છે?"
પચાસ વર્ષના વજેસિંગભાઈ સવાર સવારમાં વિચારે ચડ્યા.
ભવ્ય તેનું મકાન. તેના ઓરડાની એટલી સુંદર કાચની બારીઓ હતી કે બહારનું બધુંજ ચોખ્ખું દેખાય. હા પણ બારના કોઈ વ્યકતી ઘરની અંદર ના જોઈ શકે એવા તો કાચ.
સરસ મજાનો મજબૂત મેઈન ગેટ. તેની બાર બે ચોકીદાર,
અંદર સુંદર બે કાર, બગીચામાં ખુંખાર જર્મનશેફર્ડ કુતરાઓ, સ્વીવિંગ પુલ, અને વિશાળ મકાન.
આમ તો ઘરની બહાર ભીડ થવી એ કઈ નવીન વાત તો ન હતી. પણ આજે તો કોઈ પણ કારણ ન હતું ભીડ થવાનું.
આમ તો વજેસિંગભાઈનો જન્મદિવસ હોય તો ગામ આખાના લોકો ફૂલ લઈને મોંઘી મોંઘી ભેટ લઈને શુભેચ્છાઓ આપવા માટે આવતા હોય.વળી જો બીમાર હોય તો પણ એટલી જ ભીડ રહેતી.
અને બાકી તો ઉદ્યોગપતિ નામચિહ્નલોકો તો આવતા જતા રહેતા. ઘર ક્યારેય ખાલી રહેતું જ નહિ.
લોકોનું જબરું ટોળું જોઈ વજેસિંગભાઈ સફેદ કુર્તા ને ચામડાના ચપ્પલ પહેરી ફળિયામાં જ ઊભા રહ્યા. અને ચોકીદારને બહાર ઊભેલા બધા લોકોને અંદર મોકલવા ઈશારો કર્યો.
બધાજ હાથમાં ફૂલોના ગુચ્છાઓ લઈને આવ્યા હતા.
આ જોતા વજેસિંગભાઈને ઘણી નવાઈ લાગી પણ તે કશુંય બોલ્યા નહિ.
તેમાંથી એક પંદર વર્ષની દીકરી ફૂલ-ગુચ્છ લઈને આવી અને વજેસિંગની નજીક જઈ ખુબજ પ્રેમથી બોલી..
"આ મારી ભેટ...
ગયા વર્ષે તમે તમારા ઘરની બહાર સુંદર નવરાત્રી મહોત્સવ ઉજવ્યો હતો. જેમાં બે દિવસ માતાજીના ગરબા પર નૃત્ય કરવાનું હતું. જે જીતે તેને એક સ્કૂટી ભેટમાં મળતી હતી. હું પણ આવી હતી.
અમે બહુજ નાચ્યાં.
પણ પછી ખબર પડી કે આમાં રાજનીતિ હતી.!
તમે લોકોની ભીડ ભેગી કરી હતી તેની પાસ ફી પણ હતી. અને પછી ઇનામ મળ્યું તે તમારા જ અંગત વ્યક્તિઓને..
પણ જાણવા મળ્યું કે સૌથી સારું નૃત્ય મેં કર્યું હતું કેમકે નિર્ણાયકોમાં મારા જ ડાન્સના દીદી હતા. પણ તે મને વિજેતા જાહેર ના કરી શક્યા! તેને તો બધું જ સમજાવી દેવામાં આવ્યું હતું બધા જે કરે તે ઇનામ આજ વ્યક્તિને મળવું જોઈએ. કોણ ભેગા કરે બધાને પણ પ્રચાર થાય ને નામના વધે. માટે મારી હારનો આ તમને હું ઇનામ આપું છું..!"
બીજી વિસ વર્ષની દીકરી ફુલ આપતા બોલી...
"હું એચ.આઈ.વીથી પીડાઈને મૃત્યુ પામેલા માતાપિતાની અનાથ દીકરી છું. તમારા નામ પર ચાલતી વિકાસ ગૃહમાં રહું છું. અને તમારી જ બીજી સંસ્થા મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરું છું.
મારુ યોનશોષણ થયેલું તમારા જ અંગત વ્યક્તિઓ દ્વારા. કડક પગલાં તમે ત્યાં લીધા એવું કહીને કે, 'હું આ દીકરીને દત્તક લઉ છું' બધાની સામે કહ્યું પણ પછી તમે ક્યારેય જોવા મળ્યા નથી ને મને ન્યાય પણ મળ્યો નહિ!
હું અનાથ છું મને હવે ન્યાય નહિ મળ્યો કે મળશે..!
માટે આ ભેટ મારા તરફથી.."
ત્રીજા વ્યક્તિએ પણ ફૂલ આપ્યું. તે પચીસ વરસનો યુવાન હતો.
તેને કહ્યું.." હું ગામડે રહું છું. પિતાની ગેરહાજરી છે! ભણવા માટે પૈસા જોતા હતાં. તમારી સાથે રહેતા કાર્યકર્તાઓએ કહ્યું..
'ચૂંટણી હોય ત્યારે તમારો પ્રચાર કરવો' હું કરતો. તમારા નામના બેનરો લગાવવામાં તમારી પાછળ રખડતા કૂતરાની જેમ તનતોડ મહેનત કરતો. પણ,, દારૂની હેરફેર કરતા તમારા લોકો દ્વારા હું પણ ફસાઈ ગયો. એ બધાને તો તમારા પાવરથી પૈસાથી તમે છોડાવી લીધા હું હવે ક્યાયનો રહ્યો નથી..!
માટે આ ભેટ તમને મારા તરફથી.."
પછી એક સ્ત્રી બોલી..
"આધાર કાર્ડ, ચૂંટનીકાર્ડ, રેશનકાર્ડ, બધુંજ આખો દિવસ તડકામાં રહીને, ભૂખ્યા તરસ્યા રહીને, કઢાવી નાખ્યું છે.
પાણી હજી સુધી ઘરે આવતું નથી. પાણી પીવાનું તો મળી રહે છે હેમખેમ કરતા. પણ હજી કપડાં ધોવા નદીએ જાઉં છું..
આ ફૂલ તમને આપું છું.."
પછી ફરી એક આધેડવયના દાદા બોલ્યા.. "વર્ષોથી કમરનો દુખાવો હતો જ. શેરીએ શેરીએ મારે તમને સાયકલ લઈને ચાલવા માટે કહેવું હતું. કેમકે આ એ જ રસ્તાઓ છે જ્યાં વાહનો ચલાવવા તો દૂર શાંતિથી ચાલી પણ નથી શકાતું. ધૂળ એટલી બધી ઊડે છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ચારે કોર રસ્તાઓ ખાડાવાળા છે. ગટરો પણ તોડી ફરી પાછી જોડી નથી. રસ્તાઓ પર ચાલવાથી પણ સાંધાના દુખાવા થઈ જાય એમ છે. વાહનો તો બિલકુલ ચાલી શકે એમ નથી!
માટે આ ભેટ મારા તરફથી..!"
ફરી પાછા બે યુવાન પાછા આવ્યા અને બોલ્યા..
"તમે ગાયને માતા કહો છો?
અમે ગૌશાળામાંથી આવીએ છીએ. એટલી બધી ગંદકી છે કે તમારી માતાઓ શેરીએ શેરીએ પ્લાસ્ટિક ખાઈને દમ તોડી દે છે. ટ્રકો ભરી ભરીને ગાયનું માસ વેચાય છે. જો પકડાઈ જાય તો પણ કોઈ કાર્યવાહી નથી થતી..
તમે દાન કરવા આવ્યા હતા પણ એ બધાની જરૂર નથી. બસ આ ભેટ સ્વીકારી લ્યો.."
એક સ્ત્રી ફરી પાછી આવી...
"અત્યારે તો મારું બાળક નવ મહિનાનું થઈ ગયું હોત!
તમારી જ હોસ્પિટલમાં જો સરખી સારવાર થઈ હોત તો."
આ ફૂલનોહાર મારા મૃત બાળક તરફથી ભેટ આપું છું.."
અને છેલ્લે ફૂલ આપતા એક વ્યક્તિ તદ્દન સજ્જન માણસ લાગતો એ બોલી ઉઠ્યો...
"ચૂંટણી જીતવા માટે તમે બનાવેલી નિશાળ, અનાથ આશ્રમ, દવાખાનું ,રસ્તાઓ, એવી તમામ તમારા દ્વારા ચાલતી સંસ્થાઓમાં ચૂંટણી હોય ત્યાં સુધી બધુંજ બરાબર હોઈ છે પણ પછી એ બધુંજ ચીંથડે હાલ હોય છે.
રક્ષક જ ભક્ષક બને છે.
માટે અમે બધા તમારું સન્માન કરીયે છીએ. ભૂલ તમારી નથી ભૂલ અમારી છે.."
ત્યાંજ વળી એક જણ બોલ્યો..
"મારી ભણેલી ગણેલી દીકરી તે વખતે મને કહેતી હતી કે 'મત આપવો જ જોઈએ જે આપણો મૂળભુત અધિકાર છે પણ મારે નથી આપવો.'
મેં તેને સમજાવી કે, 'બેટા તારો પહેલો મત છે. તારે જવું જોઈએ તું અઢાર વર્ષની થઈ ગઈ છો.'
મારી આ ભૂલ તરફથી મારી પણ ભેટ સ્વીકાર કરો. મારુ ફૂલ પણ કબૂલ કરો...
મૌન શાંતિ પથરાઈ ગઈ.
લોકોનું ટોળું પલાયન થઈ ગયું. ફૂલથી અડધા ઢંકાઈ ગયેલ વજેસિંગભાઈની આંખમાં પવનથી ધૂળ ઉડીને આંખ અંજાઈ ગઈ.
