Leena Vachhrajani

Tragedy

3  

Leena Vachhrajani

Tragedy

અભિનય

અભિનય

2 mins
223


ઘણા સમય બાદ ફરી સ્ટુડિયો ધમધમતા થયા હતા. એક્ટ્રેસ પોલોમીએ ફરી શુટિંગ શરુ કર્યું હતું. કેમેરા, લાઈટ્સ, સાઉન્ડ ગોઠવાઈ રહ્યાં હતાં. પૌલોમી વેનિટીવેનમાં એક ભૂખી ગરીબ લાચાર સ્ત્રીનો રોલ માટે મેક અપ કરાવી રહી હતી.

ડાયેટિશિયન માલા એક હાથમાં સફરજન અને બીજા હાથમાં જ્યુસનો ગ્લાસ લઈને સામે ઊભી હતી.“મેડમ, આટલું ફિનિશ કરીને જ જાવ પ્લીઝ. તમારી સ્ટ્રેન્થ જળવાઈ રહેશે. શરીરમાં વોટર, પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ બેલન્સ રહેશે.”

પૌલોમીએ એક કટકો સફરજન ખાઈને મૂકી દીધું. એક ઘૂંટડો જ્યુસ પી લીધો. “માલા બસ હોં ! હવે કશું નહીં લેવાય.”

અને એ સેટ પર પહોંચી. ડાયરેક્ટર નથુલાલે સીન સમજાવવાની શરુઆત કરી. “જો પૌલોમી, આ પિક્ચરમાં તું એક ભૂખી, બેબસ છોકરી છે જે એક ટંક ખાવાનું પણ પામતી નથી. એટલે ચહેરા પર એટલી પીડા અને ભૂખ આવવાં જોઈએ કે દર્શકને દયા અને સહાનુભૂતિ ઉભરાઈ જાય.” 

પૌલોમીના હાથમાં એક અરધી બ્રેડનો ટુકડો પકડાવવામાં આવ્યો. અને સીન શરુ થયો.

એક રિટેક..બે રિટેક..ત્રણ રિટેક..પણ પૌલોમીના ચહેરા પર તો જાણે તાજગી જ જણાયા કરતી હતી. 

અંતે થાકીને, કંટાળીને નથુલાલ પોતાની ખુરશી પર જઈને બેઠા. “આ સીન કેવી રીતે કરવો ? આ સુખી સંપન્ન હિરોઈન ભૂખ શું સમજે !”

સેટ પર સફાઈ કરતા મુકેશના કાને ડાયરેક્ટર સાહેબની વાત પડી રહી હતી. એણે મનોમન કહ્યું, “સાચી વાત કહે છે સાહેબ. છેલ્લા દસ મહિનાથી બેકારી ભોગવતા મારા જેવા લાચાર ગરીબને પૂછો કે ભૂખ શું ચીજ છે ! એ બતાવવામાં અભિનયની જરૂર જ ન પડે. મારા જેવા કેટલાયની માત્ર આંખમાં જુઓ તો ભૂખની સાથે ગરીબી, મજબૂરી, અસહાયતા આવી તો કેટલીય અભિવ્યક્તિ વગર અભિનયે તાદ્રશ્ય થઈ જાય.” 

અને ઝાડુ વાળતાં વાળતાં એણે પૌલોમીએ કંટાળીને ફેંકી દીધેલો અરધો બ્રેડનો કટકો પોતાના ડબ્બામાં મૂકી દીધો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy