Rahul Makwana

Tragedy Inspirational

4  

Rahul Makwana

Tragedy Inspirational

આંતરનાદ

આંતરનાદ

10 mins
37


(વાત એક સ્ત્રીની મનોવ્યથાની)

સ્થળ - સરોજનું સાસરું.

સમય - રાતનાં 9 કલાક.

  સરોજ રસોઈ બનાવી રહી હતી, એવામાં તેનાં ઘરનાં હોલમાં રહેલ ટીપઈ પર પડેલો મોબાઈલ ફોન એકાએક રણકી ઉઠ્યો, આથી સરોજ ઝડપથી રસોડામાંથી હોલ તરફ ચાલવા લાગી, તેણે મોબાઈલ ફોનની ડિસ્પ્લેમાં નજર કરી તો તેમાં લખેલ હતું.."મોમ" - આ જોઈ સરોજની આંખોમાં આંસુ આવી ગયાં, મમ્મીનું નામ ડિસ્પ્લે પર જોઈને એક અલગ પ્રકારનો આનંદ તેની આંખોમાં તરી આવ્યો, હૈયામાં આનંદની લાગણીઓ પ્રસરી ગઈ, આંખોમાં અલગ જ પ્રકારની ચમક આવી ગઈ.

"હેલો ! મમ્મી ! જયશ્રી ક્રિષ્ના..!" - સરોજ ખુશ થતાં - થતાં હરખ સાથે બોલી.

"જયશ્રી ક્રિષ્ના ! બેટા....જમી લીધું…?" - સરોજનાં મમ્મી હેતલબેને સરોજને પૂછ્યું.

"ના ! મમ્મી ! હજુ જમવાનું બાકી છે...બસ હજુ તો રસોઈ બનાવીને ફ્રી થઈ…!" - સરોજ હેતલબેનને જણાવે છે.

"તો...મહેશકુમાર ! આવી ગયાં નોકરી પરથી…!" - હેતલબેન પૂછે છે.

"ના ! મમ્મી ! હાલ માર્ચ મહિનો ચાલતો હોવાથી હમણા તેઓ ઓફિસમાં ઓવરટાઈમ કરે છે...અને રાતે આવતાં - આવતાં તેઓને એકાદ વાગી જાય છે…!" - સરોજ તેનાં મમ્મીને જણાવતાં બોલે છે.

"સારું ! બેટા ! તો તું જમી લે જે...અને તારી તબિયતનું ધ્યાન રાખજે...અને મહેશકુમારને અમારી યાદ આપજે…!" - હેતલબેન બોલે છે.

"હા ! મમ્મી ! ચોક્કસ…! પપ્પા શું કરે છે…?" - સરોજ હળવા અવાજે પૂછે છે.

"બેટા ! તારા પપ્પા હાલ જ જમીને નીચે લટાર મારવા ગયેલાં છે…!" - હેતલબેન આગળ જણાવતાં બોલે છે.

"ઓકે ! મમ્મી ! એ આવે તો તેમને જણાવજે કે તેમને એમની લાડકી દીકરી સરોજ યાદ કરે છે…!" - સરોજ બોલે છે.

"જી ! બેટા ! ચોક્ક્સ…!" - આટલું બોલી હેતલબેન કોલ ડિસ્કનેક્ટ કરે છે.

  આ બાજુ સરોજ મોબાઈલ ફોન ફરી પાછો ટીપઈ પર મૂકે છે અને વિચારોની વમળોમાં સરી પડે છે...કે મારી હાલત હાલ કેવી છે…? હું હાલ કેટલી બધી હેરાન થઈ રહી છું…? હાલ મારા માટે વર્ષો, મહિના,અઠવાડિયા કે દિવસો તો બહુ દૂરની વાત છે પરંતુ એક-એક પળ વિતાવવી મુશ્કેલ થઈ ગયેલ છે...જે હું કેવી રીતે વિતાવી રહી છું..એ તો માત્ર મારું મન જ જાણે છે….? કે જેને મેં મારા પતિ પરમેશ્વર તરીકેની ઉપાધી આપી છે તેનામાં ના તો પતિ તરીકેના એકેય ગુણ છે કે ના તો પરમેશ્વર તરીકેના એકપણ ગુણ છે…! મારી હાલત હાલમાં નર્કથી પણ બદતર થઈ ગયેલ છે...એ મારે કેમ કરીને મારા માતા પિતાને જણાવું….? જો હું મારા માતા પિતાને મારી આવી હાલત વિશે જણાવીશ તો તેઓ વધુ દુઃખી થશે…! અને તેમને કંઈક થઈ જશે તો તેમની પાસે સંભાળ રાખવાં માટે પણ કોઈ નહિ હોય..!" - આમ સરોજના મનમાં આવા અનેક વિચારોની ટ્રેન દોડી રહી હતી.

  આ બાજુ હેતલબેનની હાલત પણ સરોજ જેવી જ હતી કારણ કે તેઓએ સરોજને એવું કહ્યું હતું કે ""બેટા ! તારા પપ્પા હાલ જ જમીને નીચે લટાર મારવા ગયેલાં છે…!" - પરંતુ વાસ્તવમાં સરોજનાં પિતા અશોકભાઈનો અકસ્માત થયો હોવાને લીધે તેમને શહેરની વેદ હોસ્પિટલમાં દાખલ કરેલ હતાં…પરંતુ હેતલબેને સરોજને આ બાબતની ભણક પણ ના લાગવા દીધી...કારણ કે હેતલબેને દ્રઢ પણે એવું માની રહ્યાં હતાં કે જો તેઓ હાલમાં સરોજને તેનાં પિતાનાં અકસ્માત વિશે જણાવશે તો તે વધુ પડતી ચિંતાઓ કરશે...અને તાત્કાલિક અહીં આવવા માટે જીદ કરશે...તો પછી મહેશકુમારનું કોણ ધ્યાન રાખશે…?" - આવા વિચારો આવવાથી હેતલબેને સરોજને તેનાં પિતા અશોકભાઈની હાલત કે તબિયત વિશે સાચું ન જણાવતા "નીચે લટાર મારવા ગયેલાં છે..!" - એવું જૂઠ જણાવ્યું.

 એવામાં સરોજના હોલની બરાબર સામે રહેલ રૂમમાંથી અવાજ આવ્યો.

"સરોજ ! ક્યાં મરી ગઈ….મારા માટે પીવાનું પાણી લઈને ઝડપથી આવ…!" - હોલની સામે રહેલ રૂમમાંથી મહેશે બૂમ પાડી.

"જી ! આવી…!" - આટલું બોલી સરોજ રસોડામાં જાય છે.

  થોડીવારમાં સરોજ રસોડામાં રહેલાં ફ્રીઝમાંથી પાણીની બોટલ લઈને મહેશનાં રૂમમાં જાય છે, ત્યાં જઈને જુએ છે કે મહેશ અર્ધ નગ્ન હાલતમાં બેડ પર સૂતેલો છે, અને તેની બાજુમાં તેની સેક્રેટરી રીટા માત્ર આંતરવસ્ત્રો પહેરીને સૂતેલ હતી, તેનાં વાળ વેરવિખેર હતાં….સરોજને રૂમમાં આવતી જોઈને રીટાએ બેડ પર રહેલ ચાદરથી પોતાનું શરીર ઢાંકી લીધું...આ જોઈને સરોજને એકદમ ગુસ્સો આવ્યો...પરંતુ હાલ તે સંજોગોથી લાચાર હોવાને લીધે પોતાનો બધો જ ગુસ્સો પોતાનાં ગળા નીચે ઝેરની માફક ઉતારી ગઈ….અને બેડની સામે રહેલ ટીપાઈ પર પાણીની બોટલ મૂકીને આંખોમાં રહેલાં આંસુઓ લૂછતાં - લૂછતાં અને રડતાં - રડતાં ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ.

***

સરોજનાં લગ્નનાં બીજા વર્ષે…

  સરોજ અને મહેશ રાજીખુશીથી એકસાથે રહી રહ્યાં હતાં, તે લોકોએ ઘણીવાર પ્રેગ્નન્સી પ્લાન કરી પરંતુ દરવખતે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો હતો….આથી તે બંને તેમનાં શહેરની એક ગાયનેક હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે ગયાં… બધી તપાસનાં અંતે તે લોકોને ડોકટર દ્વારા જાણવા મળ્યું કે સરોજના નસીબમાં "માઁ" બનવાનું સુખ ભગવાને લખ્યું જ નથી...આ સાંભળી સરોજની આંખોમાં આંસુ આવી ગયાં, જાણે ભગવાને પળવારમાં જ સરોજે જોયેલાં હાજરો સપનાઓ એકીસાથે જ ઝટકાભેર છીનવી લીધાં હોય તેવું સરોજને લાગી રહ્યું હતું….ત્યારબાદ તે બનેવ હતાશ અને ઉદાસ થઈને ઘરે પાછા ફરે છે.

  આ વાતનાં લગભગ અઠવાડિયા બાદ એકરાતે મહેશ નશાની હાલતમાં તેની સેક્રેટરી રીટાને લઈને આવ્યો, આ જોઈ સરોજને ખુબ જ ગુસ્સો આવ્યો…

"મહેશ ! તમે આ બધું શું આદર્યું છે…?" - સરોજ ગુસ્સા સાથે બોલે છે.

"ચૂપ ! બેસ ! વાંઝણી ! તું મને ક્યારેય બાપ બનવાનું સુખ નહીં આપી શકે...માટે હું આ મારી સેક્રેટરી રીટાને લઈને આવ્યો છું… જેણે મને બાપ બનાવવા માટેનું વચન આપેલ છે…!" - આટલું બોલી મહેશ અને રીટા બેડરૂમમાં ચાલ્યાં જાય છે.

  આ બાજુ સરોજ ખૂબ જ દુઃખી થઈ ગઈ...થોડીવાર તેને એવું લાગ્યું કે આ બધી બાબતોની જાણ તેમનાં માતા પિતાને કરે...અને સરોજે પોતાનો મોબાઈલ ફોન લીધો અને "મોમ" લખેલ નંબર બે ત્રણ વખત ડાઈલ કરીને જાતે જ ડિસ્કનેક્ટ કરી નાખ્યો...કારણ કે હાલમાં તેની સાથે જે કાંઈ બની રહ્યું હતું તેની પાછળ સરોજ પોતાની જાતને જ જવાબદાર ગણી રહી હતી….તે મનોમન વિચારી રહી હતી કે જો ભગવાને તેને માઁ બનવા માટેનું સુખ આપેલ હોત તો હાલમાં જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે, એ પરિસ્થિતિ કદાચ નિર્માણ જ ના પામી હોત….ત્યારબાદ સરોજ પોતાનો મોબાઈલ ફોન ટીપઈ પર રાખીને આખે આખી રાત રડતી રહી….જે તેનાં જીવનની સૌથી દુઃખી રાત હતી.

***

એક મહિના બાદ…

  મહેશને માનો કે રીટાની એક પ્રકારની લત લાગી ગઈ, રીટા અઠવાડિયામાં પાંચ દિવસ મહેશનાં ઘરે જ રોકાતી હતી, અને એ પણ સરોજની નજરો સામે જ તે...સરોજ પણ મનોમન પોતાની જાત પ્રત્યે ખુબ જ દુઃખ અનુભવી રહી હતી...પોતાનાં પતિ મહેશ પર તેને ખૂબ જ ગુસ્સો આવતો હતો, પરંતુ તે ધારે કે ઇચ્છે તો પણ કાંઈ કરી શકે તેમ ન હતી...સરોજ જાણે દેખાવ ખાતર કે સમાજની રસમ જળવાય રહે માત્ર તે માટે જ ગળામાં મંગળસૂત્ર અને માથામાં સેથો પુરી રહી હોય તેવું લાગી રહ્યું હતું….લગ્ન સમયે સપ્તપદી વખતે લીધેલાં બધાં જ નિયમો જાણે સરોજને જ લાગુ પડતાં હોય તેવું મહેશ તેની સાથે વર્તન કરી રહ્યો હતો, સરોજ હાલમાં અંદરથી પૂરેપૂરી રીતે તૂટી ગયેલ હતી, હતાશા અને ઉદાસીએ જાણે તેનાં ચહેરાની રોનક કાયમિક માટે છીનવી લીધેલ હોય તેવું લાગી રહ્યું હતું….સરોજને ઘણીવાર આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો પરંતુ ત્યારે તેનાં મનમાં તેનાં માતા પિતાએ વિદાય વખતે કહેલી વાત યાદ આવી ગઈ…"કે બેટા દીકરીનું સાચું ઘર તો તેનાં પતિનું જે ઘર હોય એ જ ગણાય...માટે તું તારા પતિનું ઘર છોડીને ક્યારેય પાછી આવતી નહીં...જો તું પાછી આવીશ તો અમારો અંતરઆત્મો ખૂબ જ દુઃખી થશે…!" - આ વાત યાદ આવવાથી સરોજે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો.

  આવું એકાદ મહિનો ચાલ્યું અને એ પણ પોતાની જ નજરો સમક્ષ એ હવે સરોજ માટે અસહ્ય બની ગયું હતું, આથી હવે સરોજની હિંમત તૂટી ગઈ...મનોમન તેણે નક્કી કર્યું કે આજે તેનાં માતાપિતાને સાચે સાચી વાસ્તવિકતા કોઈપણ પ્રકારના ભય કે સંકોચ વિના જણાવી જ દઈશ.

  એ દિવસે મહેશ સવારનાં દસ કલાકે તેની સેક્રેટરી રીટા સાથે ઓફિસે જવાં માટે રવાનાં થયો...આ બાજુ સરોજે તેનાં મમ્મીનાં મોબાઈલ ફોન પર કોલ કર્યો.

"હેલ્લો ! મમ્મી ! જયશ્રી ક્રિષ્ના…!" - સરોજ થોડાં દુઃખી અવાજે બોલી.

"હા ! બેટા ! જયશ્રી ક્રિષ્ના…!" - હેતલબેન જવાબ આપતાં બોલે છે.

"મમ્મી ! તારો અવાજ કેમ ભારે થઈ ગયેલા છે…? મને તારો અવાજ બદલાયેલો - બદલાયેલો લાગી રહ્યો છે…!" - સરોજ ચિંતા સાથે હેતલબેનને પૂછે છે.

"ના ! બેટા એવું કંઈ નથી…!" - હેતલબેન કંઈક બાબત છુપાવી રહ્યાં હોય તેમ ખચકાતા - ખચકાતા બોલ્યાં.

"ના ! મમ્મી ! તમે મારાથી કંઇક તો છુપાવી રહ્યાં છો..! પ્લીઝ મને કહો…!" - સરોજ ઝીદ્દ પકડતાં બોલી.

  સરોજ તેનાં મમ્મી સાથે વાત કરી રહી હતી બરાબર તે જ સમયે સરોજને તેનાં મમ્મી હેતલબેનની પાસે આવીને કોઇ વ્યક્તિ કંઈક બોલી રહ્યું હતું...તે સંભળાયું….

"હેતલબેન ! આ તમારા પતિ અશોકભાઈનું ડેથ ફોર્મ છે...જે ફોર્મ લઈને તમારે અઠવાડિયા પછી જિલ્લા પંચાયતે જવાનું રહેશે...અને જિલ્લા પંચાયતેથી તમને તમારા પતિનું ડેથ સર્ટિફિકેટ મળી જશે…!" - હેતલબેનની નજીક આવીને હોસ્પિટલનાં કર્મચારીએ જે વાત કહી તે વાત સરોજને એકદમ સ્પષ્ટ સંભળાય ગઈ…!" 

"મમ્મી ! શું ! છે…? આ...બધું…? શું… થયું...પપ્પાને…? તમે મને કેમ કઈ ના કહ્યું…? શું હું તમારી દીકરી નથી….? શું હું તમારા માટે એટલી બધી પારકી બની ગઈ છું કે એક દીકરીને તેનાં પિતાનું મૃત્યું થયું એ પણ ના જણાવ્યું…?" - સરોજે રડતાં રડતાં હેતલબેનને ઘણાં બધાં પ્રશ્નો એક સાથે પૂછી લીધાં.

"બેટા ! તારા ! પપ્પા એક મહિના પહેલાં જ્યારે બજારમાંથી પાછા ઘેર આવી રહ્યાં હતાં બરાબર એ જ સમયે એક કાર સાથે તેમનો અકસ્માત થયો અને ત્યારથી માંડીને આજસુધી તારા પપ્પા બેભાન હાલતમાં જ છે….!" - હેતલબેન હિંમત હારતાં - હારતાં ધ્રુસકે ધ્રૂસ્કે બોલ્યા.

"મમ્મી ! તો તમે મને કેમ આ બાબતની જાણ ના કરી...હું જ્યારે પણ મારી પપ્પા સાથે વાત કરાવવા માટે જિદ કરતી ત્યારે તમે દર વખતે કોઈને કોઈ બહાનું બતાવીને મારી સાથે જૂઠ બોલતાં હતાં એવું ને….!" - સરોજને હવે ધીમેં ધીમે પરિસ્થિતિનો ખ્યાલ આવી રહ્યો હતો...પરંતુ હાલ ખુબ જ મોડું થઈ ગયું હતું.

"હા ! બેટા….તારી વાત સાચી છે...પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે તને આ બાબતની જાણ કરીશ તો તું વધુ પડતી ચિંતા કરીશ…મને એવું હતું કે તારા પપ્પાને સારું થઈ જશે...અને હોસ્પિટલમાંથી રજા આપશે...પછી હું તને આ બધી વાત જણાવીશ….પરંતુ અફસોસ કે એવો સમય આપણા કે મારા નસીબમાં આવ્યો જ નહીં…!" - હેતલબેન વલોપાત કરતાં કરતાં બોલ્યાં.

"પણ….મમ્મી….પપ્પા છેલ્લાં એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતાં….તો હોસ્પિટલનો, દવાનો, સારવારનો આ બધો ખર્ચ પણ થયો હશેને…? તો એટલાં બધાં રૂપિયા તો આપણી પાસે ન હોય... તો …તમે....?" - સરોજ થોડુંક ખચકાતાં પૂછે છે.

"બેટા ! તારા પપ્પાનું અકસ્માત જે કાર સાથે થયેલ હતો તે કાર બીજા કોઈની નહિ પરંતુ ડૉ. હર્ષિલ જે આપણા શહેરનાં જાણીતા ન્યુરોફિઝિશિયન છે…તેમની જ કાર હતી અને તેમણે પોતાની જ હોસ્પિટલમાં તારા પપ્પાને દાખલ કરીને બધી જ સારવાર કરી...અને એ પણ એકપણ રૂપિયો લીધાં વગર…!" - હેતલબેન વધુ વિગતો જણાવતાં બોલે છે.

"મમ્મી ! ડૉ. હર્ષિલ અગ્રાવત….?" - સરોજે ચમક સાથે પૂછ્યું.

"હા ! બેટા ડૉ. હર્ષિલ અગ્રાવત….પણ તું એમને કેવી રીતે ઓળખે….?" - હેતલબેને નવાઈ સાથે સરોજને પૂછ્યું.

"મમ્મી ! ડૉ. હર્ષિલ અગ્રાવત બીજું કોઈ નહિ પરંતુ મારી સાથે જ ભણતો હતો...જે મારો કલાસમેટ હતો...અને અમેં બનેવ સારા મિત્રો પણ હતાં….એ ખરેખર ખુબ વિનિયી, દયાળુ, અને વિવેકી હતો….!" - સરોજ હેતલબેનને ડૉ. હર્ષિલ અગ્રાવતનો ટૂંકો પરિચય આપતાં જણાવે છે.

"હા ! બેટા ! તારી વાત સો ટકા સાચી છે...બાકીનાં હાલના સંજોગોમાં તો આપણા પોતાનાં સગાં-વહાલાંઓ પણ હાથ ઊંચા કરી બેસેલાં હતાં…એ તો આભાર માનો કે ડૉ. હર્ષિલ અગ્રાવતનાં રૂપમાં આપણને ભગવાન મળી ગયાં…બાકી આપણે તારા પપ્પાની આટલી મોંઘી સારવાર પણ કરાવવા માટે સક્ષમ ન હતાં….અને એ અકસ્માત પણ આકસ્મિક હતો…!" - હેતલબેન જણાવે છે.

  હેતલબેનનું દુઃખ જોઈને સરોજને પોતાનું દુઃખ એકદમ તુચ્છ લાગ્યું, આથી સરોજે હકીકતમાં જે વાત તેનાં માતાપિતાને જણાવવા માટે કોલ કરેલ હતો, તે વાત તો સરોજે પોતાનાં હૃદયનાં એક ખુણામાં કાયમિક માટે દબાબી લીધી.

 ત્યારબાદ સરોજ તેનાં પતિ મહેશ સાથે અશોકભાઈની અંતિમસંસ્કાર વિધિમાં આવી પહોંચે છે...અને સરોજ મહેશને જણાવે છે કે પોતે થોડાક દિવસ તેનાં મમ્મી સાથે રહેવાં માંગે છે, મહેશને પણ એટલુ જ જોઇતું હતું….મહેશને તો આ વાત "ભાવતું હતું અને વૈદે કહ્યું" એનાં જેવી લાગી રહી હતી...આથી મહેશ પણ સરોજની વાત સાથે સહમત થઈ ગયો...અને એકલો પોતાનાં ઘરે પાછો ફર્યો.

  ધીમે ધીમેં દિવસો, અઠવાડિયા, મહિનાઓ વીતવા લાગ્યાં, અને સરોજે પોતાનાં મનમાં જે કઈ દુઃખ સાચવેલાં હતાં, તે બધી જ દુઃખ ભરેલ વાતો હેતલબેનને ખુલ્લા મનથી જણાવી દીધી...આથી હેતલબેને જાણીતા એક વકીલની મદદ વડે સરોજના મહેશ સાથે ડિવોર્સ લેવડાવી દીધાં…અને મહેશે રાજીખુશીથી સરોજને ડિવોર્સ પણ આપી દીધા.

 પરંતુ મિત્રો કહેવાય છે કે,"ઉપર વાલે કે ઘરમે દેર હે લેકિન અંધેર નહિ.. !" - આ કહેવત જાણે સરોજ અને હેતલબેન માટે સાચી ઠરેલ હોય તેવું લાગી રહ્યું હતું….એક દિવસ ડૉ. હર્ષિલ અગ્રાવત હેતલબેનનાં ઘરે હેતલબેનનાં હાલચાલ પૂછવા માટે આવ્યાં, ત્યારે તે સરોજને મળ્યાં, ત્યારબાદ તેમને માલુમ પડ્યું કે સરોજે તેનાં પતિ સાથે ડિવોર્સ લઈ લીધેલાં છે, સરોજને જોઈને ડૉ. હર્ષિલ અગ્રાવતનાં હૃદયનાં કોઈ એક ઊંડા ખુણે રહેલો સરોજ પ્રત્યે વર્ષોથી દબાવી રાખેલાં પ્રેમમાં જાણે નવી કૂંપળો ફૂટી હોય એવું લાગી રહ્યું હતું…..ત્યારબાદ ડૉ. હર્ષિલ અગ્રાવત હેતલબેનની સામે જોઇને બોલ્યાં કે,

"હેતલબેન ! હું જાણું છું કે હાલમાં તમારા પર અને સરોજ પર શું વિતતી હશે….? તમારા પરિવારમાંથી એક સભ્ય ઓછા થયાં છે...એ પાછળ હું ક્યાંકને ક્યાંક તો જવાબદાર છું જ તે…! હું તમારી મારાથી બનતી બધી જ મદદ કરવાં માંગુ છું...તો શું હું તમારા પરિવારનો એક સભ્ય બની શકુ…? જો તમને વાંધો ના હોય તો હું સરોજ સાથે લગ્ન કરીને તમારું અને સરોજનું આજીવન ધ્યાન રાખી શકું….?" - ડૉ. હર્ષિલ અગ્રાવત વિનંતી કરતાં - કરતાં બોલે છે.

  આ સાંભળીને સરોજ અને હેતલબેનને પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, આ સાંભળીને સરોજ અને હેતલબેનની આંખોમાં ખુશીઓનાં આંસુ આવી ગયાં…અને હેતલબેન અને સરોજ ડૉ. હર્ષિલ અગ્રાવતની વાત સાથે સહમત થઈ ગયાં….અંતે જાણે સરોજની અને હેતલબેનનાં જીવનમાં એક નવી સોનેરી સવાર હજારો આશાઓ, સપનાઓ, અને ખુશીઓ એકસાથે લઈને આવી હોય તેવું લાગી રહ્યું હતું…..ત્યારબાદ ડૉ. હર્ષિલ અગ્રાવત અને સરોજના લગ્ન પણ લેવાઈ ગયાં…અને તે બધાં જ એક જ ઘરમાં એક જ છત નીચે ફરીથી પહેલાંની માફક રાજીખુશીથી રહેવા લાગ્યાં.

  મિત્રો, ક્યારેક આપણાં જીવનમાં એવી પરિસ્થિતિ આવતી હોય છે કે આપણે ચારેકોરથી દુઃખ રૂપી અંધકારથી ઘેરાઈ જતાં હોઈએ છીએ...આપણે શું કરવું એ ખ્યાલ આવતો હોતો નથી...આપણે કોઈને આપણા દુઃખ કે દર્દ વિશે જણાવવા માંગતા હોવાછતાં પણ આપણે કોઈને જણાવી શકતાં નથી….પરંતુ જો આપણને ઈશ્વર કે અલ્લાહ પર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો તે આપણને આ અંધકારમાંથી બહાર નીકળવા માટેનો કોઈને કોઈ રસ્તો ચોક્ક્સથી દેખાડતા જ હોય છે...કદાચ એ થોડું મોડું હોઈ શકે….પરંતુ તેઓ આપણને મદદ તો ચોક્ક્સથી કરે જ છે…!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy