Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy Inspirational

4.7  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy Inspirational

આંબાનો છાંયડો

આંબાનો છાંયડો

3 mins
342


"હેં દાદુ, આંબે કેરી નીચે કેમ ફેંકી છે ?"

"એ ઘરડી થઈ હશે એટલે આંબા એ ફેંકી દીધી...હા હા હા...!!"

પશા દાદા પોતાના ત્રણ પોતરાઓને લઈને કુવેતરવાળા ખેતરમાં આવ્યા હતા. ને પોતે ઉછેરેલ ચાર મોટા આંબાના ઘટાદારને કેરીઓથી લચી રહેલ વૃક્ષો નીચે આ નાના ટાબરિયાઓને લઈ ને બેઠા હતા. 

આમ તો, તેમના બે દીકરા જેમાં મોટા ને બે જોડિયા દીકરા હતા. ને નાના ને એક દીકરો નામે કિશન પણ લાડમાં બધા 'કાનો' કહેતા. સતત પ્રશ્નો પૂછી દાદાને વ્યસ્ત રાખતો કાનો તોફાની પણ જબરો. પશાભાઈ મૂળ ગામડા ગામના નાના ખેડૂત. દીકરાઓને પેટે પાટા બાંધી ભણાવેલ, બન્ને દીકરા ખેતીની સાથે નાના મોટા ધંધે વળગી સુખી હતા. અલગ અલગ મકાનોમાં ગામમાં જ રહેતા. 

આજે, ત્રણે 'વ્યાજ' ને લઈ દાદા પોતાના વડવાઓના હાથે સિંચાયેલ અને પોતાના હાથોની કાળી મજૂરીની સાક્ષી રૂપ 'કુવેતર' કહેવાતી જમીન ઉપર આંટો દેવા આવ્યા હતા. જમીન હવે બન્ને દીકરાઓને વહેંચી દીધી હતી ફકત ખેતરની મધ્યમાં ઊભા ચાર આંબા સહિયાળા હતા !

દાદુ બાજુના ખેતરમાંથી ચોળીની લીલી શીંગો લઈ આવ્યા, કૂવા પાસેની નાની ઓરડીમાં થી જૂની નાની મટકી કાઢી ટાંકીમાં રહેલ પાણીથી ધોઈ નાખી. થોડું પાણી મટકીમાં રાખી તેમાં ચોળીની શીંગો નાખીને હળવેથી ખમિસના ખીસામાંથી એક પડીકી કાઢી તેમાંથી સફેદ પાવડર જેવું કંઇક નાખ્યું મટકીમાં !


"દાદુ, એ શું છે ?"

"કાનુડા, એ તો સબરસ છે...!"

"સબરસ ?!"

"હા, મીઠું ! તે નાખીએ તો સ્વાદ આવે ને ! સ્વાદ વગર મારા કાના ને ભાવે ખરું કંઈ"

આંબાના સૂકા લાકડાને બે ઇંટોના ટુકડાથી બનેલ ચૂલો સળગ્યોને મટકી તેના ઉપર મુકાઈ.

***

"હેં, દાદુ...આ ચોળીનું શાક મને મમ્મી બનાવે તે નથી ભાવતું ને આ તમારી ચોળી બહુ ભાવે છે આજે"

મટકી ઠંડી પડતાં, તેમાંથી બફાયેલી ચોળીની શીંગો એક પછી એક કાઢીને દાદુ પોતરાઓને ખવડાવે જતા હતા.

"કાના, ભેગા બેસીને દાદા સાથે ખાઈએને તો બધું ભાવે, એકલા એકલા ખાવાનું ના ભાવે"

"હેં, દાદુ...પપ્પાને પણ તમે આ રીતે ખવડાવતા...જ્યારે તે નાના હતા ?"

"હા, આ રીતે જ... તારા મોટા કાકા ને તારા પપ્પાને ખોળામાં બેસાડી ખવડાવતો હું..."

"અત્યારે કેમ નથી ખવડાવતા...દાદુ ?"

"એ હવે બહુ ' મોટ્ટા ' થઈ ગયા...!"

***

ખેતરના શીતળ પવનની લહેરથી ત્રણે પોતરા દાદુના ખોળામાંને બાજુમાં ઊંઘી ગયા હતા. દાદુને યાદ હતું કે આ રીતે જ પોતાના બંને દીકરાઓને આંબાના ઝાડ નીચે સુવાડી, પોતે પોતાની પત્ની સાથે ખરા તાપમાં આ ખેતરમાં મજૂરી કરતા.એ દિવસો પણ ખરા હતા ! નમતા પહોરે ત્રણ ટાબરિયા ને દાદુ ની સવારી ઘર ભણી ચાલી.

"હેં, દાદુ...આંબાની બધી કેરીઓ તમારી છે ?"

"ના, અડધી તારીને અડધી તારા મોટા કાકાની..."

"ને, તમારા માટે ?"

"મારા માટે આંબાનો છાંયડો ..."...

દાદુ બોલતા અટકી ગયા...કાનાનું ઘર નજીક આવી ગયું હતું. કાનાની મમ્મી દરવાજે જ ઉભી રાહ જોતી હતી.

"દાદુ, ચાલો... મારા ઘેર, મમ્મી ચોળીનું શાક બરાબર નથી બનાવતી, તમે શીખવાડો "

"કાના..., પે'લી તારીખથી આવશે દાદા આપણા ઘેર, અત્યારે મોટા કાકાનો વારો છે એમને વેઠવાનો "

કાનાને છોડાવી ઘરમાં લઈ જતાં જતાં તેની મમ્મી સમજાવતી હતી ને, પશા દાદા મોટાના બે દીકરાઓને આંગળીએ વળગાડી પોતાનો 'વારો' પૂરો કરવા ધીમે ડગલે મોટાના ઘર તરફ જઈ રહ્યા હતા...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy