આખરી પડાવ
આખરી પડાવ
આનંદવન વૃદ્ધાશ્રમનાં બગીચાનાં બાંકડા ઉપર સુધીરભાઈ બેઠા છે. તે કોઈ નવલકથા વાંચે છે. સુધીરભાઈ પોતે પણ લેખક છે. તે બૅંકમાં ઓફિસર હતાં. તે ત્રણ વર્ષ પહેલાં રિટાયર્ડ થયાં હતાં. તેને પોતાનો ફ્લેટ પણ છે. તેના ઘણાં મિત્રો વૃદ્ધાશ્રમમાં છે. એટલે ક્યારેક બે ત્રણ મહિના મિત્રો સાથે રહેવાં આવતા.
સુધીરભાઈ નવલકથા વાંચવામાં મશગુલ હતાં. તેમના મિત્ર સમીરભાઈ આવ્યાં. બંને મિત્રો વાતો કરવા લાગ્યાં. વૃદ્ધાશ્રમનો બગીચો બહુ સુંદર છે. બધા સાંજનાં સમયે બગીચામાં પોતાનો સમય પસાર કરતાં. બગીચામાં વચ્ચે ભગવાન શિવનું મંદિર હતું. વૃદ્ધાશ્રમમાં મહિનામાં એક બે નવા વ્યકિત આવતાં.
સમીરભાઈએ કહ્યું "કાલે જે ભાઈ આવ્યાં તેને બહુ દુઃખી છે. તેનાં છોકરાએ બધી મિલકત પોતાના નામે કરી નાખી. પિતા બીમાર પડ્યાં એટલે તેને અહી મૂકી ગયાં.” સુધીરભાઈ તરત જ બોલ્યાં “સારૂ છે મારે કોઈ સંતાન જ નથી.”
એક દિવસ સવારમાં સુધીરભાઈ રૂમની બહાર નીકળ્યાં, તો કોઈ બેન સંચાલક સાથે વાત કરતા હતાં. આશ્રમનાં થોડા ભાઈઓ ત્યાં ઉભા હતાં. સુધીરભાઈ તે બેનને જોઈને આંચકો લાગ્યો. તેને પૂછ્યું
“તમારું નામ સ્મિતા છે.” તે બેન પણ નવાઈથી સુધીરભાઈની સામે જોઈ રહ્યા. પછી યાદ આવતાં તરત જ બોલ્યાં “ઓહ તમે પણ અહી રહો છો, આટલા વર્ષ પછી પણ મને ઓળખી ગયાં."
બીજે દિવસે સુધીરભાઈ અને સ્મિતાબેન બગીચામાં મળ્યાં. સુધીરભાઈએ પૂછ્યું કે “તમારો છોકરો પણ તમને રાખતો નથી ? તમારા પતિ ક્યાં છે ?”
સ્મિતાબેન કહ્યું કે "મારા છોકરાને અમેરિકા જવાનું થયું. અને મારા પતિ તો છોકરો ત્રણ વર્ષનો હતો,ત્યારે જ મૃત્યુ પામ્યા હતાં. હુ એકલી થઈ ગઈ એટલે આશ્રમમાં આવી ગઈ.” આમ કહીને તેના રૂમમાં જતાં રહ્યા.
સુધીરભાઈ તેના ભૂતકાળમાં ખોવાઈ ગયાં. તે અને સ્મિતા કોલેજમાં સાથે ભણતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતાં. સ્મિતાનાં પપ્પાને તેની જ્ઞાતિ સામે વાંધો હતો. સ્મિતાના લગ્ન તેની જ્ઞાતિના છોકરા સાથે બળજબરીથી કરાવી દીધા. બંનેને એકવાર મળવાનો સમય પણ ના આપ્યો.સુધીરભાઈ અને સ્મિતાબેન રોજ આશ્રમનાં બગીચામાં મળવા લાગ્યાં. બંને પોતાની ભૂતકાળની વાતોમાં ખોવાઈ જતાં.
એક દિવસ સુધીરભાઈએ કહી જ દીધું “મારી પત્ની વીસ વર્ષ પહેલા મૃત્યુ પામી છે. મારે કોઈ સંતાન પણ નથી. જિંદગીમાં ઘણા સમયથી હું એકલો પડી ગયો છું. હજી પણ આપણે લગ્ન કરી શકીએ.જિંદગીનાં આખરી પડાવમાં એકબીજાનો સહારો બનીયે.”
સ્મિતાબેન હસીને નીચું જોઈ ગયાં. વર્ષો પછી બે પ્રેમીઓ વૃદ્ધાશ્રમમાં મળ્યાં. પોતાનાં ભૂતકાળને યાદ કરવાં લાગ્યાં. બંને પ્રેમભર્યા દિવસો યાદ કરતાં એકબીજાની વાતોમાં ખોવાઈ ગયાં. બંનેની જૂની લાગણી ફરી તાજી થઇ. જિંદગીનાં બાકીનાં દિવસો સાથે વિતાવવાનું બંનેએ નક્કી કર્યું.
વૃદ્ધાશ્રમનાં મિત્રોની હાજરીમાં સુધીરભાઈ અને સ્મિતાબેનનું 'સગપણ' થયું. સુધીરભાઈએ વૃદ્ધાશ્રમમાં બધાને મીઠાઈ ખવરાવી. વૃદ્ધાશ્રમનાં મિત્રોની શુભેચ્છાઓ લઈને બંને જણાએ લગ્ન કરી નાખ્યાં. વર્ષો પહેલાં બંનેનું લગ્ન કરવાનું સપનું પૂરું થયું ના હતું. તે જિંદગીનાં આખરી પડાવમાં પૂરું થયું. વર્ષો પછી તેમના પ્રેમને સફળતા મળી. જિંદગીનાં *આખરી પડાવ* સુંદર ફૂલોથી સજાવવા બે પ્રેમીઓ એકબીજાનો હાથ પકડી નવી જિંદગીની શરૂઆત કરવા સુધીરભાઈનાં ફ્લેટમાં રહેવાં જતાં રહ્યાં.

