STORYMIRROR

Kiran Purohit

Others

3  

Kiran Purohit

Others

માનવતા

માનવતા

2 mins
222

ઓફિસમાં આવતા જ ચિરાગે કહ્યું “દલપતકાકા ચાની મસ્ત સુગંધ આવે છે. તમારાં હાથની ચાની ચુસ્કી લઈને, હું મારાં કામની શરૂઆત કરીશ.”

ચિરાગની ઓફિસમાં આખા સ્ટાફ માટે પટાવાળા દલપતકાકા ચા અને કોફી બનાવતાં. આખા મહિનાનો ચા કોફીનો ખર્ચો થતો તેનો હિસાબ કરીને બધાં દલપતકાકાને પૈસા આપી દેતાં.

દલપતભાઈ પચાસ વર્ષના હશે, પણ બધાં તેને પ્રેમથી દલપતકાકા જ કહેતા. તેમનાં હાથની એલચી અને આદુવાળી ચા પીવાની બધાંને આદત પડી ગઈ હતી ઓફિસનાં સાહેબને પણ દલપત કાકાની જ ચા પીવી ગમતી. 

તેમણે બનાવેલી ચાની ચુસ્કી લીધાં પછી બધાં ઓફિસનું કામ શરૂ કરતાં. દલપતકાકાની ચા ના પીવે ત્યાં સુધી કોઈને સ્ફૂર્તિ ના આવતી. બપોરે પણ ઓફિસમાં ક્યારેક ચા સાથે સમોસા અને ગાંઠિયાનો નાસ્તો પણ બધાં કરતાં. આમ આખા દિવસમાં બે વાર બધાં ચાની ચુસ્કીનો આનંદ લેતાં.

 અચાનક જ દલપતકાકાએ ઓફિસે આવવાનું બંધ કરી દીધું. એક બે દિવસ તો બધાંને એમ થયું કે ઘરમાં કોઈ કામ આવી ગયું હશે. ઓફિસમાં બધાંને દલપતકાકાની ચા યાદ આવતી.

ત્રણ ચાર દિવસ પછી દલપતકાકાનો છોકરો ઓફિસે આવ્યો અને સાહેબને મળ્યો. તેણે સ્ટાફનાં બધાને કહ્યુ કે તેનાં પપ્પાને પક્ષઘાતનો હુમલો આવ્યો છે, એટલે તેને સરકારી દવાખાનામાં દાખલ કર્યા છે. સ્ટાફમાં બધાંને બહુ આઘાત લાગ્યો.

 ચિરાગ, મહેશભાઈ અને સ્ટાફનાં પાંચ છ જણાં દલપતકાકાની ખબર કાઢવાં ગયાં. દલપતકાકાની દશા જોઈ બધાને આંચકો લાગ્યો. પક્ષઘાતને લીધે દલપતકાકાનું મોઢું વાંકુ થઈ ગયું હતું તે સરખી રીતે બોલી પણ શકતા ના હતાં. સરકારી દવાખાનામાં તેને સરખી સારવાર પણ મળતી ના હતી.

 ઓફિસમાં બધાએ દલપતકાકાની સારવાર માટે પૈસા ભેગા કર્યા. સાહેબે પણ ઘણી મદદ કરી અને સારી હોસ્પિટલમાં દાખલ કર્યા. સારી સારવાર મળતાં એક મહિનામાં દલપતકાકાની તબિયતમાં ઘણો સુધારો થયો. ચિરાગ તો બે ત્રણ દિવસે તેમની ખબર કાઢવાં જતો. ઓફિસનાં સ્ટાફનો પ્રેમભાવ જોઈને દલપતકાકા રડી પડ્યાં. ડોક્ટરે તેમને અમુક દવા લેવાનું અને છ મહિના સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું.

દલપતકાકા છ મહિનાની ઓફિસમાંથી રજા લઈ લીધી. તેનો છોકરો કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે તેનાં પપ્પાની જગ્યાએ કામ કરવાં તૈયાર થઈ ગયો. સાહેબે તેને દલપતકાકાને સારું થાય ત્યાં સુધી તેને સર્વિસમાં રાખી લીધો. ઓફિસનાં સ્ટાફનાં સહકારને લીધે અઠવાડિયામાં બે ત્રણ વાર તે કોલેજે જઈ આવતો.

દલપતકાકાની ચા બધાને બહુ યાદ આવતી. ઓફિસની બાજુમાં ચાની લારીમાં બધાં પરાણે ચા પીવા જતાં, પણ બધાંને ચાનો સ્વાદ સાવ ફિક્કો લાગતો. દલપત કાકાની ચાની ચુસ્કીનો આનંદ અનોખો જ હતો.

દલપતકાકાની તબિયત સારી થઈ જાય તે માટે બધાં રોજ ભગવાનને પ્રાર્થના કરવાં લાગ્યાં.


Rate this content
Log in