ઘર એક મંદિર
ઘર એક મંદિર
સીમાબેનની નજર ઘરના બધા ખૂણે ફરતી ગઈ અને તે તેનાં ભૂતકાળમાં ખોવાઈ ગયાં. ત્રીસ વર્ષ પહેલા પરણીને તે આ ઘરમાં આવ્યાં હતાં તેનાં સાસુ સસરા તેને દીકરીની જેમ રાખતા હતાં. પોતે આ ઘરને ખૂબ જતનથી સાચવ્યું હતું. તેનાં પતિ સાથેની પ્રેમની મધુર યાદો ઘરનાં ખૂણે ખૂણે સમાયેલી છે. પતિ સાથે વિતાવેલો સુખ દુઃખનો સમય, પતિ સાથે થયેલા મીઠા ઝગડા ઘણી બધી યાદો ઘર સાથે જોડાયેલી છે. આ ઘરમાં તેનાં લગ્નજીવનની એક એક ક્ષણની યાદ જીવંત છે.
આગણાંનો તુલસીકયારો તો તેનો બહુ ગમતો. આ ઘર સાથે તેનાં દાંમ્પત્ય જીવનની સુખદ યાદો જોડાયેલી છે. આ ઘર તેનાં માટે 'મંદિર' છે. કોઈનો ફોન આવતાં તે ભૂતકાળ માંથી બહાર આવ્યાં.
આજે પોતાનું આ ઘર તેનો દીકરો ધાર્મિક વેચીને નાખવા માંગે છે. તેને વેચવાની ના પાડી યો તે કહેવા લાગ્યો કે તમારાં જુનવાણી વિચાર છે. પોતાના એકના એક દીકરા ઉપર તેને ખૂબ વિશ્વાસ હતો. આથી સાગરનાં મૃત્યું પછી મકાન દીકરાના નામે કરી નાખ્યું. ધાર્મિક અને તેની પત્ની કૃપાને આ મકાન જૂનું લાગે છે.
તે બંનેને નવી સોસાયટીમાં નવું મકાન લેવું છે. છેલ્લા એક મહિનાથી ઘરમાં મકાન વેચવાની ચર્ચા થાય છે. તેને એક જ સંતાન હતું. એટલે બધી લાગણી ધાર્મિક ઉપર જ વહાવી દીધી હતી. તેને પોતાનો ધાર્મિક ખૂબ વહાલો હતો. મા દીકરા વચ્ચે ખૂબ લાગણી હતી. એક મહિનાથી ઘરમાં ચિંતાનું વાતાવરણ થઇ ગયું હતું.
દીકરો અને વહુ તેનું ખૂબ ધ્યાન રાખતાં. તેણે અને સાગરે ધાર્મિકને ખૂબ સારા સંસ્કાર આપ્યાં હતાં. પહેલીથી જ ધાર્મિકને તેનાં દાદા પાસેથી સંસ્કારનો વારસો છે. ઘરમાં જ મંદિર જેવું વાતાવરણ હતું. ઘરના બધા સભ્યો સવાર સાંજ ઘરનાં મંદિરમાં સાથે આરતી કરતા.
ધાર્મિકને આજે મારે જવાબ આપવાનો છે. ધાર્મિક અને કૃપા બંને સર્વિસ કરતા હતાં. સાંજે આવીને ધાર્મિકે તરત પૂછ્યું “મમ્મી શું નક્કી કર્યું ” સીમા કઈ જવાબ જ ના આપ્યો. ધાર્મિક કહે “હવે તમારે બધી વસ્તુની મોહમાયા મૂકી દેવી જોઈએ. આ ઘરનો કેટલો મોહ છે.”
સીમાબેન કઈ બોલી ના શક્યા અને ખૂબ રડવા લાગ્યાં ધાર્મિક અને કૃપા ગભરાઈ ગયાં. કૃપાએ પાણી આપ્યું અને સીમાબેનને શાંત પાડ્યાં. સીમાબેન એટલું જ બોલ્યાં “બેટા મારા માટે આ ઘર જ નથી. પણ તારા પપ્પાએ લાગણીથી બનાવેલું મંદિર છે. હું વધારે શું કહું તમારે કરવું હોય તેમ કરો.”
ધાર્મિક પોતાની મમ્મીના આંખમાં આંસું ના જોઈ શક્યો. તેને અને કૃપાએ મકાન ન વેચવાનો નિર્ણય લઈ લીધો. આજ મકાનમાં થોડો ફેરફાર અને કલર કરીને નવું બનાવી નાખવું તેવું નક્કી કર્યું. પોતાની માતાને દુઃખ પહોંચાડીને નવું મકાન નથી બનાવવું. બંનેએ સીમાબેનની માફી માંગી . સીમાબેનને ખૂબ સંતોષ થયો. તેને દીકરા ઉપર વિશ્વાસ હતો.
