સ્ત્રીનો સંઘર્ષ
સ્ત્રીનો સંઘર્ષ
પલક પોતાનાં સામાન સાથે પુનાનાં રેલ્વે સ્ટેશનેથી ટ્રેનમાં ચડી. ટ્રેન ચાલુ થઈ અને પલક પોતાનાં ભૂતકાળમાં ખોવાઈ ગઈ. બે વર્ષ પહેલા ચિંતન સાથે તેના લગ્ન થયાં હતાં. તેણે કેટલા ઉત્સાહથી લગ્નજીવનનો આરંભ કર્યો હતો. દહેજને લીધે બે વર્ષમાં તેનાં લગ્નજીવનનો અંત પણ આવી ગયો.
તેના લગ્નમાં પપ્પાએ ઘણું દહેજ આપ્યું હતું. તેમ છતાં ચિંતન અને તેનાં સાસુ સસરાને સંતોષ ના હતો. ચિંતનને પ્રોજેક્ટ માટે અમેરિકા જવું હતું. પલકને પિયરમાંથી પચીસ લાખ રૂપિયા માગવાનું કહ્યું, પલકે પપ્પા પાસે પૈસા માંગવાની ના પાડી. ચિંતન તેને મારવા લાગ્યો. ઘરમાં બધાં તેને ત્રાસ આપવાં લાગ્યાં.
ચિંતનને કોઈ પૈસાવાળાની છોકરી સાથે પ્રેમ થઈ જતાં છૂટાછેડાની માગણી કરી. પલકથી પણ હવે અપમાન સહન થતું ના હતું એટલે ઘરે જવાનો નિર્ણય લઈ લીધો.
અમદાવાદ આવતા રીક્ષા કરીને પલક ઘરે પહોચી. ચિંતન સાથે છૂટા છેડા થઈ ગયાં. પલક સગર્ભા હતી, થોડા મહિના પછી છોકરાનો જન્મ આપ્યો. તેનું નામ સ્મિત પાડ્યું. પલક ભણેલી હતી એટલે તેને એક સ્કૂલમાં સર્વિસ મળી જતાં તેણે નવી જિંદગીનો પ્રારંભ કર્યો.
વર્ષો પછી સ્મિત પણ યુવાન થઈ ગયો. સ્મિતે એમ.બી.એ.નો અભ્યાસ પૂરો કર્યો. સ્મિતે મિત્ર સાથે ભાગીદારીમાં બિઝનેસ શરૂ કર્યો. મુંબઈમાં પોતાની ઓફિસ ખોલી. પલક અને સ્મિત મુંબઈ રહેવાં જતાં રહ્યાં. મુંબઈમાં થોડા સમય પછી સ્મિતે તેનાં ઓફિસનાં પટાવાળાને કહ્યું “ કાલે જરૂરી ફાઈલો ઘરે આપી જજો.”
બીજે દિવસે પટાવાળો ફાઈલો લઈને ઘરે આવ્યો.
ડોરબેલ વાગતાં પલક બારણું ખોલવા ગઈ. બારણું ખોલતા જ જોયું તો એક આધેડ પુરુષ હાથમાં ફાઈલો લઈને ઊભો હતો. પલકને જાણીતો ચહેરો લાગ્યો. તે કઈ બોલે તે પહેલા જ તે બોલ્યો “પલક તમે મને ના ઓળખ્યો ?”
પલક તરત જ ઓળખી ગઈ. તે ધ્રુજી ઊઠી અને ચીસ પાડીને બોલી ઊઠી “ હું તમને નથી ઓળખતી.”
પુરુષ તેનાં પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. તેણે કહ્યું “ પલક હુ ચિંતન છું. મે તને બહુ દુઃખ આપ્યું હતું. અમેરિકામાં મારો બિઝનેસ ના ચાલ્યો એટલે મારી હાલત ભિખારી જેવી થઈ ગઈ. મારી પત્ની મને છોડીને બીજા સાથે ભાગી ગઈ. ઘણાં વર્ષ પછી હું ભારત આવી શક્યો. મારાં કર્મની સજા મને ભગવાને આપી દીધી.”
પલક કહ્યું “ તમે પિતા બનવાના છો, તે કહેવાનો સમય પણ મને આપ્યો ના હતો. મારું અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી.”
દૂર ઊભા રહીને સ્મિત બધી વાત સાંભળતો હતો. તે બધું સમજી ગયો.
પલકે ક્યારેય સ્મિતને તેના પપ્પાનો ફોટો બતાવ્યો ના હતો. તેને એમ કહ્યું હતું કે તારા પપ્પા દુનિયામાં નથી.
સ્મિત કહ્યું“ મમ્મી, પપ્પાને આપણી જિંદગીમાં ના સ્વીકારીએ પણ તેને ખૂબ પસ્તાવો થાય છે એટલે તેને માફ કરી દઈએ.”
પલકે ચિંતનને માફ કરી દિધો અને ચિંતન મા દીકરાની જિંદગીમાંથી દૂર ચાલ્યો ગયો.
