પ્રેમનું ઝરણું
પ્રેમનું ઝરણું
સાત વર્ષનાં લગ્નજીવન પછી આજે કોમલ અને દર્શનનાં છૂટાછેડા થઈ ગયાં. કોમલ અને દર્શને પ્રેમલગ્ન કર્યા હતાં. દર્શનનાં શંકાશીલ સ્વભાવને લીધે તેમની વચ્ચે ઝગડા થવાં લાગ્યાં. કોમલને નોકરી પણ ના કરવા દીધી. કોમલનાં સાસુ સસરા પણ ઘણું સમજાવતાં પણ બંનેના ઝગડા ઓછાં ના થયાં. બંનેનું પ્રેમનું ઝરણું ક્યારે સૂકાઈ ગયું તે ખબર જ ના પડી. છ વર્ષનાં દેવને મમ્મીની વધારે જરૂર હતી, પણ કોર્ટમાંથી હજી ફેંસલો આવ્યો ના હતો. ત્રણ મહિના પછી કોર્ટનો નિર્ણય આવશે કે દેવને કોની સાથે રહેવું.
દર્શન પરાણે દેવને તેની સાથે લઈ ગયો. દેવ ખુબ રડતો હતો અને તેને મમ્મી પાસે રહેવું હતું. કોમલે દર્શનને ખુબ સમજાવ્યો કે દેવ તેનાં વગર નહિ રહી શકે. દર્શને તેનું કંઈ સાંભળ્યું નહી.
તેની સાસુનો સ્વભાવ સારો હતો. દેવને લઈને તેના સાસુ સસરા દર અઠવાડિયે કોમલનાં મમ્મી પપ્પાને ત્યાં આવતાં અને કોમલ મન ભરીને પોતાનાં બાળકને મળી લેતી. આમને આમ બે મહિના પૂરા થઈ ગયાં.
દેવની ઓચિંતાની તબીયત બગડી. આથી બધા રીપોર્ટ કરાવ્યા. દેવને ઝેરી મેલરીયા થયો ગયો હતો. તેને નબળાઈ આવી ગઈ હતી એટલે હૉસ્પિટલમાં દાખલ કર્યો. તે કઈ જમતો ના હતો અને રાત્રે સૂતો પણ ના હતો. આખી રાત મમ્મીનું નામ જ લેતો હતો. દર્શનથી હવે દેવની હાલત જોવાતી ના હતી. તેને દેવની ચિંતા થવા લાગી. તેણે ફોન કરીને કોમલને જાણ કરી. માનું પ્રેમનું ઝરણું તો અવિરત વહ્યાં જ કરતું હોય છે. કોમલને ખબર પડી એટલે હોસ્પિટલે દોડી ગઈ. દેવને બાટલા ચડાવતા હતાં. તે ઊંઘમાં હતો, પણ થોડીવારે ઝબકીને જાગી જતો હતો. કોમલે તેને માથે પ્રેમથી હાથ ફેરવ્યો. દેવે તરત મમ્મી સામે જોયું,અને ફરી આખો બંધ કરી દીધી. દર્શને વિનંતી કરીને કોમલને કહ્યું કે “ દેવને તારી બહુ જરૂર છે તું અહી રોકાઈ જા.” કોમલ અને દર્શન બંને હોસ્પિટલમાં રોકાયાં. કોમલનાં આવવાથી દેવની તબીયત સુધારવા લાગી. દર્શન અને કોમલ પોતાનાં બાળક માટે બધું ભૂલી જઈને એક અઠવાડિયું હોસ્પિટલમાં સાથે રહ્યાં. દેવની હાલત ખૂબ ખરાબ હતી,પણ એક અઠવાડિયામાં તેની તબિયત ઘણી સુધરી ગઈ. ડોક્ટરને પણ નવાઈ લાગી. માનાં પ્રેમનો ચમત્કાર જ કહેવાય. દેવે મમ્મીનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો “મમ્મી મને મૂકીને ક્યાંય નહિ જતી.”
દર્શને તરત જ કહ્યું, “દેવ બેટા તારે હવે મમ્મી સાથે જ રહેવાનું છે.”
કોમલ બહું ખુશ થઈ ગઈ અને પ્રેમથી પોતાનાં દીકરાનાં ગાલે પપ્પી કરી દીધી.”
દેવ બોલ્યો “મારે મમ્મી પપ્પા બંને સાથે રહેવું છે.”
દેવનો પ્રેમાળ માસૂમ ચહેરો જોઈને બંને હસી પડ્યાં અને બંનેએ એક સાથે તેના માથે લાગણીથી હાથ મૂકી દીધો. એક બાળકનાં પ્રેમને લીધે માબાપે ફરી ભેગા રહેવાનો નિર્ણય લઈ લીધો. આમ ફરી દર્શન અને કોમલ વચ્ચે પ્રેમનું ઝરણું વહેવા લાગ્યું.
