નિપુણતા
નિપુણતા
આજે રાહુલ ખુબ ઉત્સાહમાં હતો. કારણ આ વર્ષે તે રાજયકક્ષાએ ચેસની સ્પર્ધામાં પ્રથમ આવ્યો છે.
રાહુલ નવમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે. તે ભણવામાં સામાન્ય છે. તેને ૫૦ થી ૫૫ ટકા આવે છે. તેના મિત્રો તેનાથી હોશિયાર છે. તેથી તે ખૂબ ઉદાસ થઈ જતો. તેને એમ થતું કે તે કંઈ કરી શકતો ન હતો. તે લઘુતાગ્રંથિથી પીડાવા લાગતો. તેને ઓછા માર્ક આવતા તો પણ તેના મમ્મી પપ્પા ખીજાતા નહિ અને વધુ મહેનત કરવાનું પ્રોત્સાહન આપતા.
રાહુલ નવરાશની ક્ષણોમાં તેના મમ્મી અને પપ્પા સાથે ચેસ રમતો. અને મમ્મી પપ્પાને હરાવી દેતો. એક દિવસ તેની સ્કૂલમાં ખેલ મહાકુંભ ચેસની સ્પર્ધાના ફોર્મ ભરાતા હતા. રાહુલે તે સ્પર્ધામાં ભાગ લીધો. તે તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક લાવ્યો. તેથી રાહુલનો ઉત્સાહ વઘતો ગયો અને જિલ્લા કક્ષાએ એ રમવા ગયો. ત્યાં પણ રાહુલનો પ્રથમ ક્રમાંક આવ્યો. આમ રાહુલ ચેસની સ્પર્ધામાં આગળ આવવા લાગ્યો. પછી રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધો. ત્યાં તેનો એકથી ત્રણમાં ક્રમાંક આવ્યો નહિ, તેથી તે નિરાશ થઈ ગયો. તેના મમ્મી એ તેને ઘણું પ્રોત્સાહન આપ્યું. "તું હજુ મહેનત કર, તને જરૂર સફળતા મળશે. ભગવાને દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક નિપુણતા આપી જ હોય છે. તું ચેસમાં ખુબ આગળ આવીશ.
"નિષ્ફળતા એ સફળતાની ચાવી છે."
રાહુલનો ઉત્સાહ વધતો ગયો. આ વર્ષે ફરી તેને ચેસની સ્પર્ધામાં ફરીથી ફોર્મ ભર્યું. તેને રાજયકક્ષા પ્રથમ ક્રમાંક આવ્યો. સ્કૂલના પ્રિન્સીપાલ દ્વારા તેનું ખૂબ સન્માન કરાયું. હજી ચેસમાં ખુબ આગળ વધે અને નેશનલ લેવલે આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા. ચેસમાં સફળતાથી તેના જીવનમાં પરિવર્તન આવ્યું, અને તેનો ભણવામાં પણ ઉત્સાહ વધી ગયો. તેની લઘુતાગ્રંથિ પણ દૂર થઈ. રાહુલે તેના મમ્મીના શબ્દો યાદ રાખ્યા. "દરેક માણસમાં કંઈક ને કંઈક કાબેલિયત હોય છે." આમ ચેસની સ્પર્ધામાં સફળતા મળવાથી તે ખૂબ આગળ આવ્યો. અને જિંદગીના સફળતાના શિખરો સર કર્યા...
આનાથી આપણને શીખવા મળે છે કે, અનુકૂળ વાતાવરણ મળે, પ્રોત્સાહન આપતા લોકો મળે અને માતા પિતાનો સાથ અને સહકાર મળે, અને કઈક કરી જવાની ધગશ હોય તો કોઈ પણ વ્યક્તિ નિપુણતા કેળવી શકે છે.
