પ્રેમની તરસ
પ્રેમની તરસ
કિંજલ ત્રણ વર્ષની હતી, ત્યારે તેની મમ્મીનું મૃત્યુ થયું. કિંજલ ખૂબ નાની હતી. આથી પપ્પાએ બીજા લગ્ન કર્યા. કિંજલની નવી મા તેને હેરાન કરતી. કિંજલ યુવાન થઈ. નવી માતાનો ત્રાસ તે મૂંગા મોઢે સહન કરવા લાગી. તેને લીધે મા બાપ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. માનું દિલ જીતવા માટે ઘરના બધા કામ તે કરતી. કિંજલ મમ્મીના પ્રેમ માટે તરસતી.
કિંજલે બી.એડ સુધીનું ભણતર પુરુ કર્યું. તે મહાદેવના મંદિરે હંમેશા જતી. મંદિરની બાજુમાં નદી હતી. નદી કિનારે તેને શાંતિ મળતી. મહાદેવના મંદિરમાં તેને આકાશ સાથે પરિચય થયો. બંને નિયમિત મંદિરમાં મળવા લાગ્યા. બંને નદી કિનારે બેસીને એકબીજાની વાતોમાં ખોવાઈ જતાં.
એક દિવસ આકાશે કહી જ દીધું, "કિંજલ હું તને ખરા દિલથી પ્રેમ કરું છું. હું તારી સાથે લગ્ન કરવા માગું છું."
કિંજલે પણ પ્રેમથી આકાશ સામે જોયું. કિંજલને પણ આકાશ પ્રત્યે કૂણી લાગણી થઇ ગઈ હતી. તેની સાથે વાત કરીને તે થોડીવાર માટે પોતાનું દુઃખ ભૂલી જતી. તેને આકાશ ને પોતાના દુઃખની વાત કરી હતી.
આકાશે કિંજલને કહ્યું કે “આપણે લગ્ન કરી નાખશું પછી તારે કોઈ દુઃખ નહી રહે. હું તારી દુનિયા ખુશીઓના ફૂલોથી મહેંકાવી દઈશ.” આમ બંને પોતાના લગ્નજીવનનાં સોનરી સપનામાં ખોવાઈ જતાં.
કિંજલના નસીબમાં તો કંઈક અલગ જ હતું. અચાનક પપ્પાનું મૃત્યુ થયું. થોડા સમય પછી માએ કિંજલના લગ્ન કોઈ પૂરી તપાસ કર્યા વગર અજાણ્યા છોકરાં સાથે કરી નાખ્યાં કરી. કિંજલનો પતિ કોઈ બીજી યુવતીને પ્રેમ કરતો હતો. મા બાપના આગ્રહને લીધે તેની સાથે લગ્ન કર્યા હતા. છ મહિનામાં છૂટાછેડા થઈ ગયા. કિંજલ તેની જિંદગીમાં એકલી પડી ગઈ. તેનાં લગ્ન થઇ ગયાં હતાં એટલે આકાશપણ બીજા શહેરમાં જતો રહ્યો હતો. તેને ઘણી તપાસ કરી પણ આકાશની કોઈ માહિતી ના મળી.
તેની બહેનપણી નેહાએ તેને સાથ આપ્યો. નેહા જે સ્કૂલમાં સર્વિસ કરતી હતી ત્યાં જ કિંજલને સર્વિસ મળી ગઈ. કિંજલને સર્વિસ મળતા, તે જિંદગીમાં વ્યસ્ત રહેવા લાગી. નેહાએ, કિંજલને બીજા લગ્ન કરવાનું કહ્યું, પણ કિંજલને હવે લગ્ન કરવાની ઈચ્છા ના હતી. કિંજલ સમાજસેવાનું કાર્ય કરી, પોતાની જિંદગી પસાર કરતી હતી. સર્વિસના બે વર્ષ બાકી રહ્યાં હતાં. કિંજલ હજી પણ તેનાં ગામમાં આવેલા મહાદેવના મંદિરે તો નિયમિત જતી. ક્યારેક નદી કિનારે બેસતી અને ભૂતકાળમાં ખોવાઈ જતી.
એક દિવસ તે મંદિરના નદી કિનારે બેઠી હતી. ત્યાં થોડી દૂર એક માણસ ઉપર તેની નજર પડી. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. પણ ચહેરો જાણીતો લાગતો હતો. તેને થયું આકાશ તો નથી ને ! ઘણા વર્ષો થઈ ગયા હતા. તેના લગ્ન પછી તે બીજા શહેરમાં જતો રહ્યો હતો. કિંજલે હિંમત કરી અને પૂછી જ લીધું " તમે આકાશ ?" આકાશ પણ વર્ષો પછી કિંજલને જોઈને ખુબ ખુશ થયો. કિંજલે તેના લગ્નજીવન વિશે પૂછ્યું. આકાશે કહ્યું કે "તેણે લગ્ન જ નથી કર્યા. તને એટલો બધો પ્રેમ કરતો હતો,કે બીજા કોઈને પસંદ જ ના કરી શક્યો."
આકાશનો સાચો પ્રેમ જોઈને કિંજલની આંખો આંસુંઓથી ભરાઈ આવી. આકાશે લગ્ન માટે કહ્યું. કિંજલ કહે "બહુ મોડું થઈ ગયું. હવે તો આપણી જિંદગીની સાંજ પણ આથમવાં લાગી છે.”
આકાશે સમજાવ્યું કે હવે જ આપણે એકબીજાનો સહારો બનશું. બંને પ્રેમીઓ વર્ષો પછી એકબીજામાં ખોવાઈ ગયા. વરસાદી વાતાવરણ હતું. એટલે મેહુલિયાએ પણ બંને પ્રેમીઓને વર્ષાની ધારાથી ભીંજવી દીધા. કિંજલને સાચા પ્રેમની તરસ પૂરી થઈ ગઈ...
જિંદગીના આખરી પડાવને સુખના સુંદર ફૂલોથી સજાવવા, બંને પ્રેમીઓ એકબીજાના હાથ પકડીને નવી જિંદગીની શરૂઆત કરવા ચાલી નીકળ્યા.

