આઝાદી
આઝાદી
એક બાળક જ્યારે ગામમાં દૂધ લેવા જાય છે તો દૂધ દેનારો પૈસા ઊંચેથી આપવાં કહે છે. બાળક પછી રાતે આવું વિચારે છે. જે કંઈક આવું છે .....
હે અંગ્રેજો ! ફરી ક્યારે આવો છો ?
14મી ઓગસ્ટ 1947
ગુલામીની કાળી રાતનો અંત
15મીની ઉઘડતી સવારે
મારો દેશ સ્વતંત્ર થયો,
ગોરાઓની ગુલામીમાંથી.
પણ હું
આજેય રાહ જોઉં છું
દેશ સાથે મારી સ્વતંત્રતાની
કાળાઓની ગુલામીમાંથી,
આઝાદી એટલે
ટ્રાન્સફર ઓફ પાવર એવું
અંગ્રેજો કહેતા હતા.
અને એવું જ થયું,
પણ
મારે તો જોઈતી હતી
અસમાનતામાંથી આઝાદી
અત્યાચારમાંથી આઝાદી
અન્યાયમાંથી આઝાદી
આભડછેટમાંથી આઝાદી
ભેદભાવમાંથી આઝાદી
શોષણમાંથી આઝાદી
શાસ્ત્રોમાંથી આઝાદી
અને
વર્ણાશ્રમમાંથી આઝાદી,
કોઈ પૂછે
કે કેવા છો ?
તો બેધડક કહી શકું
ભારતીય છું.
પંચોતેરમા વરસે
એવી આઝાદી કયાં ?
કાળાઓની ગુલામીમાંથી
મારા દેશને ક્યારે મળશે આઝાદી ?
હે અંગ્રેજો
ફરી ક્યારે આવો છો ?
તમારી કહેવાતી ગુલામીમાં
અમે સ્વતંત્ર હતા.
