વસિયતનામું
વસિયતનામું
કળિયુગની કલમ અને કાગળથી તું લખે વસિયતનામું,
તારું શું છે અને શું નથી એ વિધાત્રીએ લખવાનું,
ના યુદ્ધ કર તકદીર સામે ભાગ્યમાં હોય તે મળવાનું,
માંડી વાળ પર ધન લૂંટી તું ખોટું શ્રીમંત બનવાનું,
હે માનવ સૌ તારો પરિવાર છે એ કદી ન ભૂલવાનું,
તારું નહીં ઈશ્વરનું છે, હંમેશા સારે રસ્તે વાપરવાનું,
અમીરીનું અભિમાન મૂકી નિરાભિમાની બનવાનું,
ચાલુ રાખ નીતિનું કમાઈ સદા સુખમય જીવવાનું,
ભલે કળિયુગ હોય તારે સતયુગ માનીને ચાલવાનું,
ગાડી, બંગલા, વૈભવ, વિલાસ ક્ષણિક માનવાનું,
પૃથ્વીનું પૃથ્વી પર જ રહેશે સાથે નહીં આવવાનું,
ત્યજી દે ખોટા માનસિક વિચારો મારું માનવાનું,
બંધ મુઠ્ઠી રાખી આવ્યો ખુલ્લા હાથે તે મરવાનું,
દોડ દોડવું હોય તેટલું પ્રારબ્ધ પ્રમાણે પામવાનું,
ચાર દિવસનાં મુસાફર બની રાતવાસો કરવાનું,
બંધ કર એક જન્મમાં તું સાત જન્મનું કમાવવાનું,
શ્વાસની આ સગાઈ છે એ પણ ન ભૂલ વિચારવાનું,
શ્વાસ પણ ગણતરી મુજબ ત્યાં સુધી રાખ ભરવાનું,
દિન, માસ, વર્ષ, ગણતરી મુજબ છે તારે સમજવાનું,
માટે બંધ કરી દે ખલનાયક બનીને તું ખેલવાનું,
ના અમરપટ્ટો લાવ્યા ના કોઈએ અમર રહેવાનું,
જીવવું સૌને ગમે છે નથી ગમતું કોઈને મરવાનું,
આજ અહીંના રહીશ તો કાલે સરનામું બદલવાનું,
માટી તણું આ શરીર આખરે માટીમાં જ મળવાનું,
મનુજ દેહ આપ્યો ઈશે ના ભૂલ એને તું આરાધવાનું,
પુત્ર, પૌત્ર, પરિવાર, સાથે મળી ભાવથી વર્તવાનું,
સૌ ભારતીયને સ્વકીય માની, ના અંતર રાખવાનું,
જેવી કરણી હશે તેવું હે માનવ તને ફળ મળવાનું,
ગયેલા પાછા આવ્યા નથી તે ચોક્કસ જાણવાનું,
સંચિત કર્મો સાથે લઈ "પ્રવિણ" ઘર બદલવાનું,
કોને ખબર પછી ક્યાં જઈને તારે થશે વસવાનું.
