વરસાદમાં
વરસાદમાં
ભીંજવું ક્યાં પરવડે વરસાદમાં ?
ઉંબરાની હદ નડે વરસાદમાં !
મનસૂબા એ કઇ ઘડે વરસાદમાં,
પણ પનો ટૂંકો પડે વરસાદમાં.
મન છતાં પાછળ દડે વરસાદમાં,
ગીત ને રમતો જડે વરસાદમાં.
રોજ મનને મારતી હોઠો પીસી,
રોજ સાંકળ ખડખડે વરસાદમાં.
ઘાત જળની..વ્યાધિ જળનો સ્વામીને,
ભાવિ સામે શું લડે વરસાદમાં ?
કોઈના નિઃશ્વાસ જાણે સાંબેલું !
તેથી ખાલીપો છડે વરસાદમાં !
બા'ર બારે મેઘ ખાંગા થાય ને,
એની આંખો પણ રડે વરસાદમાં.
