વિદ્યાર્થીની વ્યથા
વિદ્યાર્થીની વ્યથા
આ ભણતરના ભાર નીચે
દબાઈ ગયો છું
કચડાઈ ગયો છું
કમરથી ઝૂકી ગયો છું
મનથી તૂટી ગયો છું
મારું બાળપણ
ભણતરની ચક્કીમાં પિસાઈ ગયું
મારું શૈશવ
શિક્ષણની સાંકળે જકડાઈ ગયું
સવારથી સાંજ
અરે ! રાત્રે પણ
પીછો નથી છોડતાં
પુસ્તકો શાળા ટયુશન
કોચિંગ ને કમ્પયૂટર
ક્યાંથી લાવું સમય ?
કુદરતને મનભરીને માણવાનો
આકાશી ચંદરવાને પીવાનો
સંધ્યાની રંગભરી સોબતનો
મુક્તમને ભમવાનો
હું ક્યાંથી લાવું સમય?
અફસોસ !
મારું બાળપણ
સરી રહ્યું છે હાથથી !
