વિચારોનું વમળ
વિચારોનું વમળ
બેઠી આંખ બંધ કરીને કંઈક હું વિચારતી,
પાંપણ ભીની થઈને યાદોમાં એ સરતી,
સુખમાંથી દુઃખની બાદબાકી હું તો કરતી,
કરી મેં જે ભુલો તે યાદ કરવા મથતી,
જીવું છું હું પ્રેમથી પણ ભેદ નથી જાણતી,
ભલા બુરાના ભેદને ક્યારેય નથી પિછાણતી,
દુનિયાની આ માયાજાળમાં હું રોજેરોજ અટવાતી,
ક્યારેક આ ગુંથામણથી મનોમન મુંઝાતી,
સુખદુઃખની ઝંઝાળ મનમાં ખો-ખો થઈને રમતી,
વિચારોનાં વંટોળથી મનમાં ખૂબ મુંઝાતી,
ભૂલી મારી હસ્તી ને ઓળખાણ મારી બદલાણી,
સરનામું મારું બદલાયું ને સ્થિતિ મારી બદલાણી,
આટલું સહન કરતાં પણ નથી ક્યારેય ગભરાતી,
કોઈને માત કરવાનું ક્યારે નથી વિચારતી,
સહન કરી બધી વેદના ભીતરમાં સમાવતી,
ફરજ માની એને હું સહેતી ને નિભાવતી,
નથી સમજતું કોઈ વેદના, જે દિલમાં મારી થાતી,
નિઃશબ્દ થઈને હું મનમાં ખૂબ મુંઝાતી,
નથી હું વાદળ કે વરસી જવાની,
નથી દરિયો કે છલકાઈ જવાની,
મારા ઉદરની લાગણીમાં નથી ઓટ થવાની
મારાથી કોઈના દિલને નથી ચોટ થવાની,
ભૂલો બધાની માફ કરી ખુશી હું વહેંચવાની,
આંખના અશ્રુઓ ને પણ પાંપણે વીંટવાની,
સ્મિત રેલાવી દુનિયામાં પ્રેમથી મહેંકવાની.
