તકલીફ પહોંચી છે
તકલીફ પહોંચી છે
સમયને આભે અડવામાં ઘણી તકલીફ પહોંચી છે,
હસીને બાથ ભરવામાં ઘણી તકલીફ પહોંચી છે,
સતત દોડ્યા કરે સૌ લોક, છે મારગ ઘણો નાનો,
જગા કાજે જ લડવામાં, ઘણી તકલીફ પહોંચી છે,
નથી અવ્વલ અવાતું માત્ર વાતોના વડાંથી પણ,
પરાયી પાંખે ઊડવામાં ઘણી તકલીફ પહોંચી છે,
છે સ્પર્ધાનું નગર જાણે કસોટી ધૈર્યની કરતું,
વિજયના પહાડ ચડવામાં ઘણી તકલીફ પહોંચી છે,
જગત શાળા મળી એવી કે બદલે રોજ એ પ્રશ્નો,
કરમના પાઠ ભણવામાં ઘણી તકલીફ પહોંચી છે,
બધું જીવન ગુમાવ્યું ને, કમાયો ધન ઘણું તોયે,
હૃદયથી ખુદને મળવામાં ઘણી તકલીફ પહોંચી છે,
હતું સામ્રાજ્ય મારું ને, વળી મોસમ હતી મારી,
બની 'હેલી' વરસવામાં ઘણી તકલીફ પહોંચી છે.
