તાવડી
તાવડી
વેરાન ભાસતી સીમમાં નીરખી કુંભકાર,
પારખે દ્રષ્ટિ ચકોર માટી તાવડી આકાર.
ખોદી મૂકી માટી ખોલકે લાવ્યા નિંભાડે,
ગર્દભ પાકો ભાઈબંધ ભાર વગર ભાડે.
ખૂંદી માટી ખામણે પિંડો ચડાવ્યો ચાકડે,
હસ્તસિદ્ધ સ્પર્શે તાવડી પાકી બિન લાકડે.
અગ્નિ પરીક્ષા પુરી કરી તાપણે તપશ્ચર્યા,
સ્વગૃહે પહોંચી થઇ ચૂલે ચાલુ દિનચર્યા.
બા હાથે શેક્યા પછી રોજ હજારો રોટલા,
બહેને મેળવી તાવડીએ તાલીમ પોટલાં.&nb
sp;
અડગ રહી વરસો સુધી ને શેકાતી અગ્નિ,
ઠારી આપ્તજનોની રોજ ક્ષુધા જઠરાગ્નિ.
હસતી વળી ચલિત સિતારા લાલ ચોળ,
જાણતી અતિથિ આવશે આજ ઓળઘોળ.
એકલી અટુલી માંગતી તાવડી વાના તેર,
રાય શું કે રંક શું તાવડી વિના જીવન ઝેર.
અષાઢી બીજ માવડી માંગે ચૂલે તાવડી,
ઉપરથી વળી બે બળદ અને એક ગાવડી.
વેરાન ભાસતી સીમમાં નીરખીને કુંભકાર,
કુંભારે તાવડી જનની કર્યા સપના સાકાર.