સત્ય મેવ જયતે
સત્ય મેવ જયતે


સાહેબની કચેરીમાં મધ્યમાં બાપુની લટકતી તસ્વીર
સત્ય મેવ જયતે ને લાંચ લેવી ગુનો છે ની દોરી લકીર,
ગંભીર મુદ્રામાં બેઠેલા સાહેબ જોઈને લાગ્યું બધું સાચું
ફાઈલ બે મહિના પડી રહી તો લાગ્યું કૈંક કપાયું કાચું,
સાહેબે મંગાવ્યા જાત જાતના કાગળના બંધ પોટલાં
ગાડું ભરી કાગળ બતાવી કહ્યું પોટલાં લાવ્યા આટલા,
થોડા વધુ ગંભીર બની સાહેબે પૂછ્યું આપું છું વિકલ્પ
બતાવવું છે કે પતાવવું છે જલ્દી કહો તમારો સંકલ્પ,
શું બતાવવું ને શું પતાવવું જરા રહેમ કરીને પાડો ફોડ
ચૂંથવા ચોપડા વરસ ભર કે પૈસા આપી કરવો છે તોડ,
સાહેબની કચેરીમાં મધ્યમાં બાપુની લટકતી તસ્વીર
આંસુ સારતી બોલી ઉતાર છબી મારી તું ભ્રષ્ટ ભડવીર .