સત્રી નું ઘડપણ
સત્રી નું ઘડપણ


તું મને મળ
પણ થોડું મોડું મળ !
કારણ ?
હું નાની હતી ને
ત્યારથીજ
ઝટ મોટા થવાની
વાતો કરતી હતી,
ને એવુંજ વર્તન પણ !
મને ટીચર /ડૉક્ટર /પાયલોટ
બનવું હતું,
ને બની ગઈ હું ગૃહિણી,
કારણ એ પોસ્ટ માટે,
કોઈ ડિગ્રીની જરૂરત નથી હોતી,
એક પ્રેમાળ હૈયું હતું,
ને એક થનગનતું યૌવન !
જેણે મને સંસારની અટપટી જાળમાં
લપેટી થોડાજ વર્ષોમાં
પ્રૌઢા બનાવી દીધી !
મારૂં પ્રૌઢત્વ બહુ લાબું ટક્યું
ને હજુ કૈં સમજું, એ પહેલાં તો લો
ઘડપણ આવી પૂગ્યું !
અરે..
તક મળ્યે ફરી ભણીશ,
મેં મારી જાતને વચન દીધું હતું,
એ તક કેમ આવી જ નહીં ?
મારા શોખને સંસારની જરૂરતો માટે,
મેં મુલતવી રાખ્યાં હતાં,
પણ જરૂરતોજ ક્યાં પુરી થઈ ?
હજુ આજે પણ બધા માટે
હું વ્યક્તિ નહીં, જરૂરત છું !
ફક્ત ગૃહિણી બનીને મોજ કરવામાં,
મને ઘસારો ક્યાં લાગ્યો ?
કેટલું આસનીથી બધા પૂછે છે,
કોને કહું કે ના દેખાય એવા
મૂઢમાર હોય છે ગૃહિણીના નસીબમાં !
સમય સાથેની એની કાયમી હોડમાં,
બીજાને જાત કસાતી લાગે છે પણ,
પૈસો કમાઈ ના શકવાની લ્હાયમાં
પૈસો બચાવવા જતાં
એને જાતજ નહીં
જિંદગી ઘસાતી લાગે છે !
તું થોડું થોભીશ, મારા ઘડપણ ?
તો હું મારી પુત્રવધુ-દીકરીની
બરોબરી કરી લઉં !
પેલા કિશોર-કિશોરીઓ સાથે
થોડી નાદાનીયત કરી લઉં !
કે પછી મારા પૌત્ર-પૌત્રી સાથે
બાળપણ - બાળપણ રમી લઉં !
તું આવતું હોય ભલે આવને,
બસ થોડું જ હો,
થોડું હું મારા માટે ય જીવી લઉં !