સતો પ્રથા
સતો પ્રથા
જણસ જ હતું એ બીજ નાનકડું
કે
જેને અંશ બનવામાં સહાયક બનાવ્યું...
પણ,
સુરક્ષિત સ્થળ ત્યજી
રે
તું ક્યાંથી અહીં અવતર્યું !
શ્વસવા શીખ્યું જ્યારે
તું પ્રથમ મુજ મહીં...
ધબકાર તારો મુજમાં અનુભવી
અસ્તિત્વ મારું હું કેળવી શકી...
જાણ્યું ત્યારે પહેલીવાર
કે,
કો'ક લાડકવાયું
આતુર છે
અવતરવાને
મમ આંગણે...!
આકાર તેં કર્યો લેવાનો શરૂ..
ને,
આકાર મારો ય થઈ રહ્યો'તો
પહોળો...
કે,
ચાલ મારી ય બની રહી'તી
બેઢંગી...
કમર તૂટતી રહી...
નજર ઝૂકવા ન પામતી...
ગળા સંગ રક્ત પણ સૂકાતું જતું...
ત્વચા તરડાવા લાગી...
પેટ્રોલિયમ જેલી
પણ ન લગાવી શકી હું..
પીવડાવી દૂધ, ચ્હા, ઉકાળો
ઘરમાં સહુને...
વધતી
છેલ્લે જે આછી પાતળી મલાઈ...
મસળી મસળી બનાવી દેતી
એને જ મુલાયમ ક્રીમ...
કે,
અવતરણ તારું
ક્યાંક તને ન નડતરરૂપ
બને...!!
આખરે દિન
એ આવી ગયો...
કૂખે અથડાતી એ સઘળી લાતો...
બહારે આવવાને થઈ ઉતાવળી...
ને,
જોર લગાવી
તને,
અવતાર્યો આ વિશ્વમાં જ્યારે..
... કુલદીપક કહી
આવકાર્યો સહુએ તને..!
લાડકોડથી ઉછેર્યો..
સ્વર્ગે લઈ જનાર સારથિ માનીને...
લક્ષણો તારાં..
પારણે
દેખા દીધાં...
છતાંય,
'કુલદીપક' કુળ ઉજાળશે
જાણ્યું'તુ...
લાડકોડમાં ક્યારે થઈ ગયો તું
જિદ્દી ઘણો..
કે,
પડતો બોલ તારો ઝીલાતો
નૈં...
ને, આક્રોશ તારો ફેલાતો
અહીંતહીં...
ઘર આંગણે ઝીરવી લીધો
આવેશ, ક્રોધ ને અપશબ્દો ય સઘળાં..
પણ,
હદ તો ત્યારે વટી..
દહેલીઝ
લાંઘી તેં...
...ન ગણકારી આમન્યા
વડીલોની
ને,
તું મનમાની કરવાને
ઓળંગી માવતરનું દૂધ..
બીજાની કન્યાનું
શીલ ઝુંટવા તલપાપડ થૈ
ટળવળ્યો...
લજવાયું રક્ત પિતાનું
ને
દૂધ લજવાયું માતાનું...
સ્નેહ લજવાયો દાદાનો
ને
પ્રીત લજવાઈ બહેનની...
'મારો લાડકવાયો'
'મારો કુલદીપક'
શબ્દો અગનજાળ બની ઠલવાય
એ પહેલાં,
સતીપ્રથા
આજે
મારે ભાગે આવી...
નથી
એનો પછતાવો મને
લગીરે...
એટલે જ કરી શકી
પન્ના ધાય
જેવું
બલિદાન...
ને,
કુલક્ષણી લાડકવાયો
જણવાની
ભૂલને
જુઓ
સુધારી દીધી...
બીજી જ ક્ષણે...
'શીલભંગ
કરનાર
નરાધમને આપવી જ રહી ફાંસી'
લલકારને
કર્યો સાર્થક...
...શીલભંગધારી થયો આજે
સતો : 'જલતી ચિતામાં જનની થકી ધકેલાયો વળતી ક્ષણે...'
કોરી કૂખ
ને
કોરી આંખ્યું...
કોરું આંગણ
ને
કોરું લાંછન...!
લાડકવાયો
આજે,
જીવવા યોગ્ય ન રહ્યો...!
એનાં જ કુકર્મકાંડે..!
