સપૂત
સપૂત
ઓ ધરણીના ધીર,તારું અદભૂત ખમીર,
મા ભોમનાં સપૂત તું સાચો શૂરવીર,
તું ભડભડતું તીર, શત્રુ વીંધતો વજીર,
શૌર્યે સાહસી ફકીર, ઉજજવળ તારું હીર,
તું થી સરહદ સચવાય, છોને ગોળીઓ વીંઝાય,
માતૃભૂમિના સૂત તારી મોંઘેરી કાય,
ધણ ધરીને ધાય, તારું રકત રે સીંચાય!
ઘોષ યુધ્ધના જયારે-જયારે સંભળાય,
લઈ હથેળીમાં પ્રાણ, તું બનતો તોફાન,
દિલ કુસુમ સમુ, દેહે તું વજજર ઉફાણ,
'દિ-રાત તું ના થાકતો, આંખે અમી ઢાંકતો
વીરતા રેલાવતો, તું કેસરીયો સાંખતો,
ધરી અગવડોને હાથ, તું ખતરાઓ સાથ,
લડે વીર વ્હાલો તું શૂરવીર સિપાઈ,
પર્વત-પહાડ-હિમ-જંગલ કે ઊંડીકોતરો,
ખીણ -ખાણ સઘળુંમાં તું ચકોર ચિતરાય,
ભૂખ-તરસની ના દરકાર, તું માને ના હાર,
તારા વીરત્વે ગદગદ, માના ક્ષીરની ધાર,
કુટુંબ-કબીલો તારો આ ભૂમિનો લોક જન,
તિરંગાની કાજ તું ખમતો આકરા પ્રહાર,
છોને ચાંદલો ભૂંસાય, કંગણ તૂટી જાય,
જનેતાની આંખો થાયે જળબંબાકર,
શહીદ બની શાન તું, દેતો બલિદાન તું,
વંદન તુજને માના સપૂત, તુજને લાખો સલામ.